
પહેલગામમાં પાકિસ્તાન દ્વારા થયેલા આતંકવાદી હુમલાનો બદલો ભારતે એરસ્ટ્રાઈક કરીને લીધો હતો. ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં ઘૂસીને ઇંડિયન આર્મીએ આતંકવાદીઓના 9 જેટલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈને સમગ્ર દેશ ભારતીય સેના અને સરકારની આ કામગીરીને વધાવી રહ્યું છે. તેવામાં વિપક્ષ પાર્ટીઓના નેતા અને ભાવનગરના યુવરાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
"પહેલ ગામમાં થયેલા હુમલાનો યોગ્ય અને જબરદસ્ત જવાબ" - શક્તિસિંહ ગોહિલ
ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા ઉપર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું "ભારતીય સેના અને વીર જવાનો પર ગર્વ છે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર સ્ટ્રાઈક કરી આતંકવાદને નેસ્તા નાબૂદ કરવા માટે જે કાર્યવાહી કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. પહેલગામમાં નિર્દોષ સહેલાણીઓ પર થયેલ આતંકી હુમલાનો યોગ્ય અને જબરદસ્ત જવાબ છે. ભારતીય સેનાને સલામ છે"
"એ દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાનના ભાગલા થાય" - ઈસુદાન ગઢવી
ગઈકાલે મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરીને ઘણા આતંકવાદી ઠેકાણાઓનો ખાત્મો બોલાવી દીધો છે. આ આપણા દેશ માટે ખૂબ જ ગર્વની બાબત છે અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોનો માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જય હિન્દ જય ભારત, આજે 140 કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી રહી છે. ગઈકાલે રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે તે બદલ ભારતીય સેનાના એક એક જવાનને લાખ લાખ અભિનંદન.
આજે 140 કરોડ ભારતીયો ભારતીય સેનાના પરાક્રમની સાથે છે અને તેમના નિર્ણયની સાથે છે. હવે પાકિસ્તાને આ પરથી સબક શીખવાની જરૂરત છે કે જો તેણે ભારત સામે નજર પણ ઉઠાવી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પોષવાની કોશિશ કરી છે તો એ દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાનના ફરી એકવાર બે ભાગલા કરી દેવામાં આવે. ભારતીય સેના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને તમામ 140 કરોડ દેશવાસીઓ વધાવે છે. આજે સમગ્ર દેશ ભારતીય સેનાના પરાક્રમ સાથે છે અને તેમને અભિનંદન પાઠવે છે. જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત.
"ભારતના દરેક નાગરિકની જેમ ગર્વ અનુભવું છું" - ભાવનગર યુવરાજ
અખંડ ભારતના પ્રણેતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રપોત્ર યુવરાજ જયવીરરાજસિંહજીએ એરસ્ટ્રાઇકને લઈને વાત કરી હતી. "ઓપરેશન સિંદૂર વડાપ્રધાન શ્રી એ જ નામ રાખેલ છે. ભલગામમાં થયેલ હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં આંતકવાદીઓને મુહતોડ જવાબ આપે તેવી માંગ ઉઠી હતી. દરેક ભારતના નાગરિકની જેમ ગર્વ અનુભવું છું. જે દુર્ઘટના પહેલગામમાં બની હતી તેને લઈને લોકોની ઈચ્છા હતી કે મૂહતોડ જવાબ મળે તેવો જ જવાબ આર્મ્ડ ફોર્સ દ્વારા આપવામાં આવ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં સરકાર અને ભારતીય આર્મી ઉપર ભરોસો રાખવો જોઈએ. દરેક રાજકીય પક્ષો એકજુથ થઈને આ કાર્યવાહીમાં જોડાઈ છે તે ખુશીની વાત છે."