
12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જે વિમાન ક્રેશ થયું હતું તે બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન હતું, જે ટેકઓફ થયાના થોડા સેકન્ડ પછી મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.
આ ભયાનક અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો, જે સીટ નંબર 11A પર બેઠો હતો. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સીટ નંબર 11A વિશે ઉત્સુક છે, વિમાનમાં આ સીટ ક્યાં છે અને એવું શું થયું જેનાથી ચમત્કારિક રીતે રમેશ વિશ્વાસ કુમારનો જીવ બચી ગયો. તો અહીં જાણો વિમાનમાં 11A ક્યાં હોય છે અને આ સીટ કેટલી સુરક્ષિત છે.
વિમાનમાં 11A સીટ ક્યાં હોય છે
બોઇંગ 787-8ના સીટ પ્લાનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. બિઝનેસ ક્લાસમાં આગળ 10 રોમાં કુલ 18 સીટો હોય છે. બિઝનેસ ક્લાસ સમાપ્ત થયા પછી પેન્ટ્રી એરિયા હોય છે અને પછી ઇકોનોમી ક્લાસ હોય છે. ઇકોનોમી સીટો 11એ થી શરૂ થાય છે અને 28એફ સુધી જાય છે. આ પછી ટોયલેટ હોય છે અને પછી ત્રીજો ભાગ શરૂ થાય છે, ઇકોનોમી ક્લાસની 10 વધુ રો હોય છે. પેન્ટ્રી એરિયા પ્લેનના છેલ્લા ભાગમાં હોય છે.
બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં સીટ 11A ઇકોનોમી ક્લાસની પહેલી રોમાં હોય છે, જે મુખ્ય ઇમરજન્સી ગેટની બાજુમાં સ્થિત છે. સીટ 11Aની સામે એક લાંબી જગ્યા છે અને પછી ક્રૂ માટે જમ્પ સીટ હોય છે. તેમજ આ સીટની ઉપર ડેક પર ક્રૂ રેસ્ટ એરિયા હોય છે. ઉપરાંત સીટ નંબર 11Aના નીચલા ડેક પર કાર્ગો એરિયા હોય છે. તેમજ જ પ્લેનના ફ્લૅપને કારણે આ સીટ આગળની તરફ થોડી દૂર હોય છે.
વિમાનનો કાર્ગો વિસ્તાર સુરક્ષિત હતો
વિમાન દુર્ઘટના પછી બહાર આવેલી તસવીરોથી સ્પષ્ટ થયું છે કે અકસ્માતમાં વિમાનના કાર્ગો વિસ્તારમાં આગ લાગી ન હતી. વિમાનના કાર્ગોમાં હાજર સામાન સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ શક્યતા છે કે વિમાનમાં વિસ્ફોટ થાય તે પહેલાં કાર્ગો વિસ્તાર સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેથી શક્ય છે કે આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા રમેશ ઇમરજન્સી ગેટ અથવા કાર્ગોમાંથી પડી ગયા હોય અને તેનો જીવ બચી ગયો હોય.