
ગુજરાતમાં પંચાયત-પાલિકાની ચૂંટણીઓ યોજાઇ ગઇ છે. ત્રણ વર્ષ વિત્યા પછી પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ નથી. સરપંચોની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હજુ પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ભવિષ્ય અધ્ધરતાલ થયુ છે. ગામડાઓમાં ચૂંટાયેલી પાંખને બદલે વહીવટદારોનું રાજ અકબંધ રહ્યુ છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માંગ ઉઠી છે.
ચૂંટાયેલા જનપ્રતિનીધીઓ વગર ગામડાઓનું રાજકારણ ઠપ, તલાટીઓની ઘટથી કામો અટક્યા
ગુજરાતમાં ગ્રામ પંચાયતોના સરપંચોની મુદ્દત પૂર્ણ થઇ છે. આ વાતને ત્રણ વર્ષ વિત્યાં છે. સરપંચના સ્થાને તલાટીઓને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે, ગામડાઓમાં તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે. તલાટીઓને એકથી વધુ ગામડાની કામગીરી સોંપાઇ છે. આ સ્થિતિમાં પાણી,સફાઇ ઉપરાંત વેરાની વસૂલાત માટે પ્રશ્નો ઉભા થયા છે.
ઘણાં કિસ્સામાં પંચાયતના કામો માટે નીતિ વિષયક નિર્ણય લેવાનો હોઇ તલાટી નિર્ણય લઇ શકે તેમ નથી. આ સ્થિતીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાલક્ષી-વિકાસના કામો અટકી પડ્યાં છે. તલાટીઓ વધારાનો કાર્યબોજ સંભાળી શકે તેમ નથી ત્યારે જેમ બને તેમ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તેવી માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ચૂંટાયેલાં જનપ્રતિનીધી વિના તો ગામડાઓમાં જાણે રાઠકારણ ઠપ થયુ છે. આ પરિસ્થિતીમાંથી છૂટકારો મળે તે માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તે જરૂરી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, એક તરફ, સરકાર પંચાયતી રાજની હિમાયત કરે છે, બીજી તરફ સરકારને જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં રસ નથી.