ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં 4 ઈંચ, બગસરામાં 3.81 ઈંચ, મહુધામાં 3.62 ઈંચ, દેહગામમાં 3.54 ઈંચ, અમીરગઢમાં 3.50 ઈંચ અને ગોધરમાં 3.26 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

