
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલામાં ડાયરેક્ટર કાર્તિક પટેલના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જોકે તપાસ એજન્સી ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. કાર્તિક પટેલના વકીલ થકી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારને પીઠનો દુઃખાવો હોવાથી ગાદલાની સુવિધા કરવામાં આવે. આ મુદ્દે કોર્ટે પોલીસ અધિકારીને મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનું મૌખિક સૂચન કર્યું હતું.
કાર્તિકની પોલ ખૂલી પડી
જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ કાંડના ત્રણેય આરોપીઓનું અલગ અલગ ઈન્ટ્રોગેશન કર્યુ ત્યારે કાર્તિકે રાહુલ અને ચિરાગે આપેલા તમામ નિવેદન નકારી કાઢ્યા હતા. જે બાદ ત્રણેય આરોપીઓને સાથે બેસાડીને પૂછપરછ કરતાં કાર્તિકની પોલ ખૂલી પડતાં તેણે તમામ વાતો સ્વીકારી હતી.
બોગસ દર્દી ઊભાં કરી ખોટા બિલ બનાવ્યા
રિમાન્ડ દરમિયાન કાર્તિકની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. કાર્તિક પટેલે 2024માં હૉસ્પિટલના નામે લૉન લઇ બીજે વાપરી હતી. તેમજ બોગસ દર્દી ઊભાં કરી ખોટા બિલ બનાવ્યા હતા. કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા ધરપકડ બાદ હાલ તપાસમાં વેગ આવ્યો છે. કાર્તિક પટેલને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે બોપલ-આંબલી રોડ પરથી ઑફિસમાં તપાસ કરીને 7 ફાઇલ, ચેક તેમજ પાસબુક કબજે કરી હતી.