
હિંમતનગરની સાબર ડેરીના ભાવફેર ઘટાડા વિરુદ્ધ પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. 14મી જુલાઈની ઘટના બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓએ અચોક્કસ મુદત માટે દૂધ આપવાનું બંધ કર્યું છે. પશુપાલકોએ મંડળીઓમાં બોર્ડ લગાવી આ નિર્ણયની જાહેરાત કરી છે. આંદોલનને કારણે જો બે દિવસ સુધી સાબર ડેરીમાં દૂધનો પુરવઠો બંધ થાય, તો ડેરીમાં દૂધની મોટી અછત ઊભી થવાની શક્યતા છે. આનાથી જનજીવન પર ગંભીર અસર થઈ શકે છે.
ડેરીમાં દૂધની મોટી અછત ઊભી થવાની શક્યતા
માહિતી અનુસાર સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી.
ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા
પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે ડીવાએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.