
સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો ખૂબ જ ગંભીર બન્યો છે. આ ઘટના દરમિયાન, દૂધના ભાવમાં 20-25% વધારાની માગણી સાથે પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક બન્યું, જેમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. આ ઘટનામાં એક યુવાન પશુપાલક, અશોકભાઈ ચૌધરીનું મોત નીપજ્યું.
મૃતકની અચાનક તબિયત લથડી
પોલીસના જણાવ્યા અનુસાર, અશોકભાઈ વિરોધ પૂર્ણ કરી ઘરે પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો, અને ઇડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં તેમનું મોત નીપજ્યું. જોકે, આમ આદમી પાર્ટી એ આરોપ લગાવ્યો છે કે આ મોત પોલીસની કાર્યવાહી દરમિયાન થયું. આ ઘટનાએ પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. મૃતકના મૃતદેહને સાબર ડેરીના ગેટ પાસે મૂકીને પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, અને તેઓ ડેરીના હોદ્દેદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
પશુપાલકો તેમજ મૃતકના પરિવારજનો સાથે સાબર ડેરીના ડિરેક્ટરે કરી વાતચીત
સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોક પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પશુપાલકો તેમજ પરિવારજનો સાથે વાતચીત કરી, પરંતુ પશુપાલકોનો ગુસ્સો શમ્યો નથી.હજારોની સંખ્યામાં પશુપાલકો ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા, અને ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો પણ હાજર રહ્યો. પોલીસ અને ડેરીના હોદ્દેદારો પશુપાલકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પશુપાલકો મૃતદેહને સાબર ડેરી ખાતે લઈ જઈને વિરોધ ચાલુ રાખવા માટે આગ્રહી છે.