સાબર ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પશુપાલકો રજૂઆત માટે આવવાના હોવાની જાણ થતાં જ પહેલેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાબર ડેરી ખાતે 100થી વધુ પોલીસ કર્મી, 4 પોલીસ બસ, 2 વજ્ર વાન સહિત બાઉન્સરનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.
સાબર ડેરી પશુપાલક વિવાદમાં એક પશુપાલકનું મોત થયું છે. સાબર ડેરી આંદોલનમાં આવેલા ઇડર તાલુકાના જિંજવા ગામના અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ થયું છે. જ્યારે પશુપાલકો દ્વારા થયેલા પથ્થરમારામાં 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે 70 ટિયર ગેસ શેલ છોડ્યા છે. આ બબાલમાં 60 પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે.
સાબર ડેરીના ગેટ બંધ કરી દેતા ઉશ્કેરાયેલા પશુપાલકોએ ગેટ તોડ્યા હતા. ડેરીના મુખ્ય ગેટ તોડી પશુપાલકોએ વિરોધ દર્શાવવા સાથે પોલીસ જવાનો સાથે પણ હાથચાલાકી થઈ છે. ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ કર્મીને માર માર્યોની વાત પણ સામે આવી છે. ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોવા છતાં પશુપાલકો ઉગ્ર થયા છે.
પોલીસ પર પશુપાલકોનો પથ્થરમારો
સાબરકાંઠાની સાબર ડેરીમાં દૂધના ભાવફેર મામલે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે. પોલીસે પશુપાલકોના ટોળાને વિખરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. એવા પણ સમાચાર છે કે પશુપાલકોએ ડેરી ઉપર પથ્થર માર્યો કર્યો છે. હાલ પોલીસે સમગ્ર સંકુલ કબજે લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે. પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 70થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
શામળાજી અમદાવાદ હાઈવે પર 5 કિમી લાઈનો લાગી
પશુપાલકોની બબાલને પગલે સાબર ડેરીથી મોતીપુરા સહિતના રસ્તાઓમાં ટાફિક જામ થયો છે. શામળાજી અમદવાદ હાઇવે પર ટાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા છે. પાંચ કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. હિંમતનગરનો મોતીપુરા અમદાવાદ રોડ બ્લોક થયો છે.
સાબર ડેરી પહેલેથી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી
સાબર ડેરીએ પશુપાલકોને ગત વર્ષની સરખામણીએ દૂધના ભાવફેરમાં ઘટાડો કરતાં દૂધ મંડળીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સાબરકાંઠા અરવલ્લીના હજારોની સંખ્યામાં પશુપાલકો પહોંચીને ડેરી મંડળ સામે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. પરંતુ સાબર ડેરી પહેલેથી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. જણાવી દઈએ કે, ગત વર્ષે દૂધ વધારા પેટે 602 કરોડની ફાળવણી થઈ હતી. આ વર્ષે 500 કરોડ રૂપિયાફાળવાતા વિરોધ શરૂ થયો છે. સાબરડેરી સાડા ત્રણ લાખ પશુપાલકો માટે આધાર સ્તંભ સમાન ગણાય છે. ગત વર્ષે ૧૭ ટકાથી વધુનો દૂધ વધારો ચૂકવાયો હતો જ્યારે ચાલુ સાલે 9.75% જેટલો ભાવવધારો ચૂકવાયો છે.
પશુપાલકો દૂધના ભાવફેર બાબતે રજૂઆત કરવા આવ્યા
હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે પશુપાલકો દૂધના ભાવફેર બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ પશુપાલકોને ડેરીમાં અંદર આવવા ન દીધા હતા. ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા પશુપાલકોએ ડેરીનો ગેટ પણ તોડ્યો હતો.
સાબર ડેરી ખાતે હજારોની સંખ્યામાં પશુપાલકો દૂધના ભાવેફેર મામલે રજૂઆત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો ડેરી ઉપર જમાવડો થયો હતો. ડેરીના ગેટને નુકસાન પહોંચાડ્યું છે. પશુપાલકોએ સાબરડેરીનો ગેટ તોડીને અંદર ઘૂસ્યા હતા. સાથે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મી ઉપર પણ ટોળાએ હુમલો કર્યો હતો.