
ગુજરાતમાં નિવૃત્ત આર્મીમેનના ઘરમાંથી 8 લાખના દાગીનાની ચોરીના કિસ્સે મોટો ખુલાસો થયો છે. નિવૃત્ત આર્મીમેનના ઘરેથી દાગીના ચોરનાર બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરતાં જાણ થઈ કે, 2023માં આ બે ઈસમો બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને મળવા તેના ઘરમાં ઘૂસી ગયા હતાં. જોકે, ત્યારે મન્નતમાં ઘૂસતા જ ત્રીજા માળેથી બંનેને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં બંને ઈસમો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આ મુદ્દે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
શાહરૂખના બંગ્લામા ઘુસનારાનો ભેદ ઉકેલાયો
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં નિવૃત્ત આર્મીમેનના ઘરે ચોરીની ઘટના બની હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં બે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીની પૂછપરછ દરમિયાન જાણ થઈ હતી કે, આ બંને આરોપી 2023માં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનમાં ઘરે ગેરકાયદે રીતે ઘૂસી ગયા હતાં. જોકે, તે સમયે પણ ભારે હોબાળો થયો હતો. જોકે, ત્યારબાદ પણ આ આરોપીઓ ન સુધર્યા અને ફરી એકવાર ભરૂચમાં આર્મીમેનના ઘરેથી 8 લાખની ચોરી કરી હતી.
3 દિવસના રિમાન્ડ
પોલીસ દ્વારા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ, આ આરોપી દ્વારા અન્ય કેટલી જગ્યાએ ચોરી કરી છે અને બીજા કેટલાં ગુનાઓમાં તે સામેલ હતાં કે કેમ? આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.