
પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ લગાવ્યા આરોપ
વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના અધ્યક્ષસ્થાને 'સેવા હી સંગઠન' દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં વલ્લભીપુર તાલુકાના પ૪ પૈકી ૩૭ સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ સંબોધન દરમિયાન ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતાં.
ધારાસભ્ય અને તેમના મળિયતાઓ કરે છે ભ્રષ્ટાચાર-મુકેશ લંગાળિયા
ધારાસભ્ય સામે આક્ષેપ કરતા આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા અને તેઓના પ્રતિનિધિઓ દ્વારા સરકારી બાંધકામો બની રહ્યા હોય તેમાં મોટા પાયે હપ્તાઓ લઈને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા બહારથી આવ્યા છે, તેઓને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી, કાર્યકર્તાઓના ફોન ધારાસભ્ય ઉપાડતા નથી વગેરે આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને રાજકીય માહોલ ગરમાયો હતો.
આંતરિક વિખવાદ ચરમસીમાએ
ધારાસભ્યથી સરપંચો પણ નારાજ હોવાથી આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે આ કાર્યક્રમમાં ન જવા માટે સ્થાનિક ભાજપ સંગઠને કાર્યકરો અને સરપંચોને ના પાડી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઢડા વિધાનસભા બેઠકમાં વલ્લભીપુરનો સમાવેશ થાય છે અને કાર્યકરોના કામ નહીં થતા વિવાદ બહાર આવ્યો હોવાનુ ચર્ચાય રહ્યું છે.
વલ્લભીપુરના લીમડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આક્ષેપો કરતા ખળભળાટ
વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબત મને જાણવા મળી છે પરંતુ ધારાસભ્ય સામેના આક્ષેપમાં તથ્ય જણાતું નથી અને આ બાબતે પ્રદેશ ભાજપ સંગઠનને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તેઓની સૂચના મુજબ પગલા લેવામાં આવશે.