
નવસારી જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની દ્વારા થતા નુકસાન અને વળતરના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ખેડૂતોની ફરિયાદ છે કે, કંપની પૂર્વ જાણકારી વિના પોલીસ રક્ષણ સાથે જોહુકમીથી વૃક્ષો અને પાકનું નુકસાન કરે છે.
સમાન વળતર કરવાની પહેલ
ખેડૂતોએ કહ્યું કે, અગાઉ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટમાં સુખદ ઉકેલ આવ્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેસાડ ગામથી 2 કિ.મી.ની મર્યાદામાં આવેલી જમીન માટે 1 ચો.મી. 900ના દરે વળતર નક્કી કરાયું હતું. જાન્યુઆરી 2023માં તત્કાલીન કલેક્ટર અમિત યાદવે પેથાણ ભૂતસાડની જંત્રીના આધારે સમગ્ર જિલ્લા માટે એક સમાન વળતર દર નક્કી કરવાની પહેલ કરી હતી.
માર્ગદર્શિકા મુજબ વળતર નક્કી કરવી
ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને કારણે આ કાર્યવાહી સ્થગિત થઈ હતી. ખેડૂતોએ સૂચવ્યું છે કે, સુરત જિલ્લાની જેમ, નવસારી જિલ્લામાં પણ અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામની જંત્રી મહત્તમ હોય, તે મુજબ પાવરગ્રીડ કંપનીની પૂર્વ સંમતિથી વળતર નક્કી કરવામાં આવે. હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાઓ અમલમાં છે, જેના આધારે યોગ્ય વળતર નક્કી કરી શકાય છે.