
સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા TRB જવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ સુમિતા નિમજે તરીકે થઈ છે, જેઓ સુરત ટ્રાફિક પોલીસના રિજન-1 વિભાગમાં ફરજ બજાવી રહી હતી.ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
કબાટના હેન્ડલ સાથે લટકતો મૃતદેહ મળ્યો
મૂળ મહારાષ્ટ્ર અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં 30 વર્ષીય સુચિતા ઉર્ફે પાયલ અનિલ નીમજે પરિવાર સાથે રહેતી હતી. સુચિતાના માતા પિતા ઉધના વિસ્તારમાં આવેલા મકાનમાં રહે છે. સુચિતાના 4 મહિના પહેલા લગ્ન થયા હતા. જોકે એક મહિનામાં જ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા સુચિતા પરત પિયર આવી ગઈ હતી. છેલ્લા બે મહિનાથી સુચિતા પિતાના મોટા વરાછા ખાતે આવેલા આવાસના ફ્લેટમાં રહેતી હતી. સુચિતાનો પતિ લિફ્ટ એન્જિનિયર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે છેલ્લા ચાર વર્ષથી સુચિતા ટી આર બી જવાન તરીકે ફરજ બચાવી રહી હતી. બે દિવસ બાદ તેને બદલી થઈ ગઈ હોવાથી અમદાવાદ જવાનું હતું. સૂચિત મોટા વરાછા ખાતે હતી દરમિયાન ગત 11 મે ના રોજ કોઈનો ફોન આવ્યો અને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ગત રોજ સાંજે સાંજના સમયે પાંડેસરા સ્નોપાર્ક ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમ નં.205માં લાકડાના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
પરિવારજનોએ કર્યા આક્ષેપ
ગેસ્ટ હાઉસમાં લટકતી હાલતમાં દીકરી મળી આવવાના આ બનાવ બાબતે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. સુચિતાના પિતા અનિલભાઈએ કહ્યું કે, મારી દીકરીને હોટલના રૂમમાં લટકાવી દેવામાં આવી છે. તેણીએ ફાંસો ખાધો નથી. એક યુવક પણ ત્યાં હતો. જેને મારો દીકરો ઓળખે છે. તેનો નંબર પણ મારા દીકરા પાસે છે. જેથી મારી દીકરીને લટકાવી દેવામાં આવી હોવાની અમને શંકા છે. મારી દીકરીની તેને ફાંસી આપીને હત્યા કરાઈ હોવાથી ઝડપથી હત્યારાને પકડવામાં આવી તેવી અમે માગ કરી રહ્યાં છીએ.