સુરતમાં ધમાકેદાર કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થયું છે. પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. પાલિકાની અધૂરી અને કાગળ પરની પ્રી-મોન્સૂન કામગીરીના કારણે શહેરમાં આજે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સ્માર્ટ સિટી સુરતના પુણાગામથી કરંજ વિસ્તારને જોડતો સ્માર્ટ મિડલ રિંગ રોડ અંજની/બુટભવાની/ગાયત્રી બીઆરટીએસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેથી વાહનચાલકો સહિતનાને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.