
રાજ્યમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઉદવાડા ખાતે ટ્યુશન ક્લાસથી છૂટીને ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.જેથી પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી.
યુવતીનો ફોન બંધ આવતો હતો
પારડીની કોલેજમાં અભ્યાસ કરતી એક 19 વર્ષીય યુવતી ઉદવાડા ખાતે ભિલાડવાળા બેંક નજીક ચાલતા એક ટ્યૂશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી.અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતાં ઘરે ફરતી હતી.ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો. જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી.
બેભાન હાલતમાં મળી હતી
આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવવારું સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી.જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઇ રહી છે. ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પારડી પીઆઈ જી.આર.ગઢવી,LCB પીઆઇ ઉત્સવ બારોટ, DYSP દવેને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
ચકચાર મચી ગઈ
યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. જોકે આ યુવતી સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નીપજ્યું જેવી બાબતોનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે.