ગુજરાતમાં ગન કલ્ચરને મામલે હવે સુરતમાંથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અઢળક ટીમ ઓલ ઇન્ડિયા ગન લાઈસન્સ જ્યાંથી મેળવાય છે તેવા મણિપુર-મેઘાલય-નાગાલેન્ડ સહિતના અડધો ડઝન રાજ્યમાં તપાસ કરી રહી છે. એવામાં ગુજરાતમાં પણ ઠેક ઠેકાણેથી કેસને અનુલક્ષીને આરોપીઓ ઝડપાયા છે. ત્યારે હવે આ મુદ્દે સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી રહી છે.
વિદેશના 16 ગેરકાયદ રિવોલ્વર હથિયાર કબ્જે કર્યા
ક્રાઇમ બ્રાન્ચે દેશમાં ગેરકાયદ હથિયાર લાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ ઝડપાયું છે જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સહિત પોલીસે વિદેશના 16 રિવોલ્વર હથિયાર કબ્જે કર્યા છે. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગન કલ્ચરને લઈ સતત સનસનીખેજ ખુલાસાઓ સામે આવી રહ્યા છે એવામાં આરોપીઓ ઝડપાતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસને વધુ વેગ આપ્યો છે અને પોતાની કાર્યવાહી આગળ ધપાવી છે.
આ મામલે 49 ઈસમોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું
ગુજરાતમાં 108 આરોપીઓએ વેપન્સમાં લાઇસન્સ લીધા છે. 7, 8 લાખથી શરૂ કરીને 20 લાખ રૂપિયા સુધીમાં લાઇસન્સ આપતા હતા. નાગાલેન્ડના ઇમ્ફાલમાંથી ચાર લાયસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી. આ ચાર લાયસન્સની તપાસ કરતાં સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું. આ મામલે 49 ઈસમોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું જેમાંથી આ પહેલા 7 લોકોની ધરપકડ થઈ હતી એવામાં આજે સુરતમાંથી બીજા 4 આરોપી ઝડપાયા છે. ટીમ અત્યારે પણ મણિપુર અને નાગાલેન્ડમાં તાપસ કરી રહી છે. છેલ્લા છ વર્ષમાં તમામ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.