Home / : Motivational treatment is useless without patience and self-control

Shatdal: દાનત અને સેલ્ફ કંટ્રોલ વગર મોટિવેશન કે સારવાર નિરર્થક છે 

Shatdal: દાનત અને સેલ્ફ કંટ્રોલ વગર મોટિવેશન કે સારવાર નિરર્થક છે 

- તારી અને મારી વાત

- સ્વ-નિયંત્રણની પ્રક્રિયામાં ઘણી માનસિક શક્તિ ખર્ચ થાય છે, સમયની સાથે સેલ્ફ-કંટ્રોલ નબળો પડતો જાય છે અને ઇચ્છાઓ હોવા છતાં ઇચ્છાશક્તિ બળવાન નથી થતી !

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'નશો ભાન ભુલાવે છે' આ વાત નશાકારક પદાર્થો માટે જેટલી સાચી છે તેના કરતા અનેકગણી વધુ સાચી મોબાઈલ અને તેમા કરવામાં આવતી પ્રવૃત્તિઓ માટે સાચી છે. તાજેતરમાં જ છાપામાં ચમકેલી હેડલાઈન્સ રીલ્સની વ્યસની વિદ્યાર્થિનીએ પરીક્ષાથી બચવા પોતાનો હાથ તોડી નાખ્યો ! આ ભાન ભૂલ્યાની જ ઘટના કહેવાય કે બીજું કંઇ ?! અડધો કલાક રિલ્સ અને સ્ટેટસ જોયા પછી મોબાઈલ શેના માટે હાથમાં લીધો હતો એ યાદ આવે તો તમે ભાન ભૂલ્યા જ કહેવાઓને ?! મોબાઇલ જે કામ માટે હાથમાં લીધો હોય તેના કરતાં કંઇક બીજા જ કામે ચઢી ગયા હોઈએ એવો અનુભવ સૌ કોઈને ક્યારેકને ક્યારેક થતો જ હોય છે. સેલ્ફી-રિલ્સ બનાવવામાં કે મોબાઇલ પર વાતો કરવામાં ભાન ભૂલીને પોતાની કે અન્યની જિંદગીને જોખમમાં મૂકનારો એક મોટો વર્ગ છે. આવું ભાન ભૂલનારાઓ સંમત નહીં થાય અથવા બચાવમાં દલીલો કરવા માંડશે પરંતુ સ્વીકારો કે ના સ્વીકારો હકીકત એ છે કે મોબાઈલના ઉપયોગ દરમ્યાન આપણું ધ્યાન ભટકેલું જ હોય છે અને મોબાઈલની અમુક પ્રવૃત્તિઓમાં તો આપણું મન ભાન વગર જ જોતરાઇ જતું હોય છે. ગત સપ્તાહે આપણે વાત કરતા હતા કે લોકો કેફીદ્રવ્યોને તો ના છૂટકે વ્યસન તરીકે સ્વીકારે પણ વર્તનને વ્યસન તરીકે કોણ સ્વીકારે ?! બિહેવિયરલ એડિક્શન વર્તનનું વ્યસન, પ્રવૃત્તિનું વ્યસન આજના સમયની વિકરાળ સમસ્યા છે. બધાને બધી જ ખબર છે. મન મોબાઈલ પાછળ સમય અને શક્તિ ખર્ચે છે પરંતુ એને વ્યસન માનવા રાજી નથી થતું. હું વાત કરતો હતો કે આ સમય અને શક્તિનો ઉપયોગ કરવાનું નક્કર આયોજન ના હોય તો વ્યસન પદાર્થનું હોય કે વર્તનનું, વ્યસન-મુક્ત રહેવું શક્ય નથી.

ફેસબુક ઇન્સ્ટા સામે થઇ રહેલો હોબાળો હોય, આપણે રોજે રોજ પકડાઈ રહેલા કેફિદ્રવ્યોના ઢગલાઓ હોય કે મોબાઈલ ગેમિંગ અને બેટિંગ એપ્સમાં અટવાયેલું યુવાધન હોય, સમજવી હોય તો વાત સ્પષ્ટ છે કે આદતોએ સમગ્ર માનવજાતને આડે હાથે લીધી છે. વ્યસનોએ અનેક લોકોના મગજ બાનમાં લઇ લીધા છે. મગજને આઝાદ કરવા માટે મોટિવેશન, સલાહ-સૂચન કે સારવાર અનિવાર્યપણે સહાયક છે પરંતુ વ્યક્તિની દાનત અને સેલ્ફ-કંટ્રોલ વગર બધું સરવાળે નક્કામું છે. દાનત હોય ત્યાં પણ સેલ્ફ-કંટ્રોલના પ્રશ્નો વિકટ હોય છે. વ્યસન છોડાવવા ઇચ્છતા બધા સેલ્ફ કંટ્રોલ ઉપર પોતપોતાની રીતે સલાહ સૂચનો આપે અને વ્યસનીની એક જ બૂમ હોય 'ક્યા કરે કંટ્રોલ હી તો નહીં હોતા !'

સેલ્ફ કંટ્રોલ સ્વ-નિયંત્રણનું મનોવિજ્ઞાાન જટિલ છે. વાસ્તવમાં સ્વ-નિયંત્રણ વિચારો, લાગણીઓ અને વર્તણૂંકોનું નિયમન અને સંચાલન કરવાની ક્ષમતા છે. વ્યક્તિ પોતાની આ ક્ષમતા થકી લાંબા ગાળાના ધ્યેયો હાંસલ કરી શકે છે અને તે માટે અવરોધ ઉભા કરે તેવી લાલચ, ક્ષણિક પ્રસન્નતા કે વિક્ષેપોને અવગણવામાં આ સ્વ-નિયંત્રણ મદદરૂપ થાય છે. મોટાભાગના લોકો સેલ્ફ-કંટ્રોલને વિલ-પાવર કે ઇચ્છા શક્તિ સાથે સરખાવે છે પરંતુ આ બંને બાબત ભિન્ન છે. ઇચ્છા હોવા છતાં નિયંત્રણ ના થઇ શકે એ બહુ સામાન્ય બાબત છે કારણ કે ઇચ્છા અમર્યાદિત છે પરંતુ નિયંત્રણ મર્યાદિત હોય છે. જી હા, સ્વ-નિયંત્રણ સતત ભજવાતો રહેતો ખેલ નથી, નિયંત્રણની પ્રક્રિયામાં ઘણી માનસિક શક્તિ ખર્ચ થાય છે, સમયની સાથે સેલ્ફ-કંટ્રોલ નબળો પડતો જાય છે અને ઇચ્છાઓ હોવા છતાં ઇચ્છા શક્તિ બળવાન નથી થતી ! એનો મતલબ એ થયો કે મન મક્કમ કરીને પોતાની વ્યસની પ્રવૃત્તિઓ બંધ કરી દેનાર પણ સમયની સાથે પોતાના નિયંત્રણમાં નબળો પડવા માંડે છે, તેની ઇચ્છા શક્તિ પણ ઘટવા માંડે છે અને સરવાળે, વ્યસની પ્રવૃત્તિ ફરી શરુ થઇ જવાની શક્યતાઓ વધતી જાય છે. 'આજથી સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ બંધ', 'મોબાઈલ માત્ર મર્યાદિત સમય પૂરતો જ જોવાનો - લિમિટેડ સ્ક્રીન ટાઈમ' 'દારૂ-સિગરેટ્સ બંધ' વગેરે જાતને અને અન્યને કરેલા વાયદાઓનું બાળમરણ થઇ જાય છે તેની પાછળનું આ રહસ્ય છે. આ આખા ફકરાનો સાર એ છે કે એકવાર મન મક્કમ કરી લીધું કે ઇચ્છાઓને દબાવી દીધી તેથી કામ થઇ ગયું એવો ભ્રમ તમને નિષ્ફળતાથી વધુ કંઇ નહીં આપી શકે. સેલ્ફ કંટ્રોલ ક્યારે'ય અમર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ નથી હોતો, વ્યક્તિએ સતત એને જાળવવો અને પેદા કરતા રહેવું પડતું હોય છે. પણ કેવી રીતે ?! ચાલો એ પણ કહી દઉં.

હવે અહીંથી વાત ગંભીર બને છે, વ્યસન તો એક વાત છે પરંતુ વાસ્તવમાં તો આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં સેલ્ફ કંટ્રોલની ક્ષમતા તમારી વ્યક્તિગત સફળતા અને સુખાકારી માટે નિર્ણાયક પરીબળ છે. તમારા વિચારો, લાગણીઓ અને વર્તનને કાબૂમાં રાખીને વ્યક્તિ તરીકે સશક્ત અને પરિપૂર્ણ બનાવતી આ ક્ષમતા છે. સેલ્ફ-કંટ્રોલ મર્યાદિત છે અને માટે જ તેની ઉપર સતત કામ કરતા રહેવું પડે છે, તેને જાળવવાની કળા શીખવી પડે છે. અસરકારક સેલ્ફ કંટ્રોલ જન્મજાત નથી હોતો, એ એક કૌશલ્ય છે જે સતત જાગૃત અભ્યાસ અને દ્રઢ નિશ્ચય દ્વારા કેળવતા રહેવું પડે છે. 

આ માટે તમારા વિચારો, લાગણીઓ, માન્યતાઓ વગેરેને મૂલવતા અને સમજતાં રહેવું પડે છે. જીવનમાં તમારા ધ્યેય-હેતુ અંગેની સ્પષ્ટતા, સમયનું યોગ્ય આયોજન, એકાગ્રતા, સારી આદતો અને સુસંગત દિનચર્યા, ધ્યાન-માઇન્ડ ફુલનેસનો મહાવરો, નિયમિત શારિરીક કસરત, પૂરતી ઊંઘ, પોષણયુક્ત આહાર, કૌટુંબિક સામાજિક આધાર, તણાવ-મુક્તિ, જાત પ્રત્યે કરુણ, સ્વ-માફી વગેરે સેલ્ફ કંટ્રોલને કેળવવા અને જાળવવામાં મદદરૂપ છે.

સમજાય તો વાત સાવ સરળ છે માત્ર મન મક્કમ કરવાથી સ્વ-નિયંત્રિત નથી થવાતું કે નથી રહેવાતું. સેલ્ફ કંટ્રોલ એ આત્મબોધ અને વ્યક્તિગત વિકાસની સફર છે. જીવનની વિટંબણાઓ સ્વીકારી, તેને સ્વ-વિકાસ અને શીખવાની તક ગણીને સ્થિતિસ્થાપક મનોબળ (રેઝિલિયન્ટ માઇન્ડસેટ) કેળવવાની કળા છે. જીવનના હેતુ વિશે સ્પષ્ટ રહીને ચોક્કસ દિશાની યાત્રાનું વલણ અને મનોબળ હશે તો સેલ્ફ-કંટ્રોલ આપમેળે આવશે, તેના વિશે વિચારવાની કે તેને જાળવવાની મહેનત પણ નહીં કરવી પડે. જો આપણી મૂળ વાત પર પાછો આવું તો, વ્યસન મુક્ત થવાની પ્રક્રિયામાં અનેકવાર ડિફોલ્ટ થતી વ્યક્તિ પણ જો એના ઇરાદામાં મજબૂત અને સ્પષ્ટ હોય તો આ સ્થિતિસ્થાપક મનોબળને સહારે પોતાના સેલ્ફ-કંટ્રોલને સતત મજબૂત કરતા રહીને વ્યસન મુક્ત રહી શકે છે.

પૂર્ણવિરામ

મલ્ટી-ટાસ્કિંગ અને માઇન્ડલેસ સ્ક્રોલિંગ તમારા સેલ્ફ-કંટ્રોલને નબળો પાડે છે, મોબાઈલ આ બંને બાબતોને સીધું કે આડકતરું પ્રોત્સાહન આપે છે. સરવાળે, મોબાઈલ તમારા સેલ્ફ-કંટ્રોલને નબળો પાડે છે.

- હંસલ ભચેચ

Related News

Icon