
- GSTનું A to Z
- નવો નોંધણી દાખલો મળ્યા બાદ કરદાતાએ સમયસર પત્રકો ફાઈલ કરવાના થાય છે અને ભરવા પાત્ર વેરો પણ ભરવાનો થાય છે તેમજ ઠરાવેલ પદ્ધતિએ ઈન્વોઈસ અને હિસાબો નિભાવવાના થાય છે
આપણે જાણીએ છીએ કે CBIC દ્વારા તાજેતરમાં સુચના ક્રમાંક ૩/૨૦૨૫, તારીખ ૧૭.૪.૨૫ના રોજ જૂની માર્ગદર્શિકામાં કેટલાક સુધારા કરીને કુલ ૮ પાનાની એવી ખાતાના અધિકારીઓ માટે નવી વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.
અધિકારીએ શું ધ્યાન રાખવાનું ? માર્ગદર્શિકાની અગત્યની એક બાબત મુજબ GSTના રજીસ્ટ્રેશન સાથે સંકળાયેલ અધિકારીએ, એ બાબતની તકેદારી રાખવાની રહેશે કે તેમના દ્વારા સમયસર કાર્યવાહી ના થવાના કારણસર કાયદામાં નિર્વિષ્ઠ સમય મર્યાદા પુરી થવાના કારણસર નોંધણી નંબર આપી દેવામાં આવેલ છે તેવું માની લેવાના સંજોગો ઉપસ્થિત ન થાય.
અધિકારીએ એ બાબત પણ સુનિશ્ચિત કરવાની રહેશે કે પરિપત્રમાં જણાવ્યા ઉપરાંતના કોઈપણ દસ્તાવેજી પુરાવા માંગવામાં ન આવે અને અનુમાન આધારિત કોઈ ખુલાસા માહિતી કે દસ્તાવેજોની માંગણી કરવામાં ન આવે. અધિકારીએ એવી પણ તકેદારી રાખવાની રહેશે કે નાની નાની ખામીઓ કે જે ધંધાના સ્થળના પુરાવા કે ધંધાના બંધારણ સ્થાપિત કરવી જરૂર નથી તે અંગેના પ્રશ્નો ઊભા કરવામાં ન આવે.
આદેશ કરવાની સમય મર્યાદા ફોર્મ જીએસટી આરઈજી-૦૩ માં અધિકારી તરફથી નોટિસ મળ્યાના સાત દિવસમાં જીએસટી આરઈજી-૦૪ માં જવાબ આપી દેવાનો રહેશે. અરજદાર દ્વારા અપાયેલ ખુલાસા, માહિતી અને દસ્તાવેજોની અધિકારી ચકાસણી કરવાની રહેશે. જો અધિકારીને અરજદારના જવાબથી સંતોષ થાય તો અરજદારનો જવાબ મળ્યા ના સાત દિવસમાં અરજદારની અરજી અધિકારીએ મંજૂર કરવાની રહેશે. પરંતુ જો અરજદારના ખુલાસા, માહિતી કે દસ્તાવેજોથી અધિકારીને સંતોષ ન થાય તો અરજદારનો જવાબ મળ્યાના સાત દિવસમાં અરજી નામંજૂર કરીને અરજદારને તેની જાણ ફોર્મ જીએસટી-૦૫માં કરવાની રહેશે.
જો અરજદાર દ્વારા પણ જીએસટી ૦૩ માં મળેલ નોટિસની તે મળ્યા ના સાત દિવસમાં જવાબ આપવામાં ન આવે તો તે જવાબ આપવાનો સમય પૂરો થયાના સાત દિવસમાં અરજી નામંજૂર કરતો નિર્ણય ફોર્મ જીએસટી આરઈજી ૦૫ માં અધિકારી આપી દેવાનો રહેશે.
ઉપરાંત CBIC દ્વારા સુચના ક્રમાંક ૪/૨૦૨૫ તારીખ બીજી મે ૨૦૨૫ થકી રજીસ્ટ્રેશન માટે ગ્રીવન્સ રીડ્રેસલ મીકેનીસમ પણ ગોઠવવામાં આવેલ છે. તદ્દનુસાર,
જે કેસોમાં એપ્લિકેશન રેફરન્સ નંબર CGST ને ફાળવવામાં આવેલ હોય અને નવા નોંધણી દાખલા માટે અરજી કરનારને કોઈ ગ્રીવન્સ હોય તો તેના ત્વરિત અને અસરકારક ઉકેલ માટે કમિશનર/ઝોનલ કચેરીનો એક એવો ઈમેઈલ આઈડી બહાર પાડવાનો રહે છે જેથી લોકો તેમાં પોતાના ગ્રીવન્સ જણાવી શકે. આ ઈ-મેલ આઈડી માટે પણ જરૂરી પ્રચાર પ્રસાર કરવાનો રહે છે. જો અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન અંગેનો એસજીએસટીને લગતો કોઈ ગ્રીવન્સ ભૂલમાં આ ઈમેલ ઉપર આવી જાય તો પણ કમિશનર કચેરીએ આગ્રહણ એસજીએસટીના સંબંધિત સત્તાધિકારીને તે ફોરવર્ડ કરવાનો રહેશે.
આવી રીતે ફોરવર્ડ કરેલ ઈ-મેઈલની નકલ જીએસટી કાઉન્સિલના સચિવાલયને પણ મોકલવાની રહેશે.
ગ્રીવન્સની અરજી મળ્યા બાદ કમિશનર કચેરીએ સમયસર તેનો ઉકેલ લાવવાનો રહેશે. જો રજીસ્ટ્રેશન અધિકારી દ્વારા યોગ્ય કવેરી ઉપસ્થિત કરવામાં આવેલ હોય તો તેને નવા નોંધણી દાખલાની અરજી કરનાર અને ગ્રીવન્સ ઉભો કરનાર વ્યક્તિને જણાવવાનું રહેશે. આ તમામ કાર્યવાહીનો માસિક અહેવાલ વડી કચેરીને કરવાનો રહેશે.
નવો નોંધણી દાખલો મળ્યા બાદ કરદાતાએ સમયસર પત્રકો ફાઈલ કરવાના થાય છે અને ભરવા પાત્ર વેરો પણ ભરવાનો થાય છે તેમજ ઠરાવેલ પદ્ધતિએ ઈન્વોઈસ અને હિસાબો નિભાવવાના થાય છે. નવા રજીસ્ટ્રેશન ઉપરાંત રજીસ્ટ્રેશનમાં સુધારા વધારા. જેમ કે ધંધાનું નામ બદલાય, ધંધાનું બંધારણ બદલાય, સરનામું બદલાય, વગેરેને લગતીની સુવિધા પણ જીએસટી હેઠળ ઉપલબ્ધ છે. તે સિવાય સામેથી નોંધણી દાખલો રદ કરાવવા માટે અથવા તો અધિકારીને વેપારીની પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગે તો નોંધણી દાખલો રદ કરવાની જોગવાઈ પણ જીએસટી કાયદામાં કરવામાં આવેલ છે. હવે આપણે રજીસ્ટ્રેશનને લગતા કેટલાક અગત્યના ચુકાદાઓની મહત્ત્વની બાબતો જોઈએ.
1. M/s. Professional Car Decors v/s The Superintendent of CGST & Central Excise-Writ Petition નો 21164 & 21179 of 2021 - The Madras High court. આદેશ તારીખ sep 12, 2024. આ કેસમાં અધિકારી દ્વારા એપ્લીકેશન પર રિવોકેશન ઓફ કેન્સલેશન ઓફ જીએસટી રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવેલ હતી.
વેપારીની રજૂઆત મુજબ પ્રોપર્ટી ટેક્સની દસ્તાવેજમાં ધંધાના સ્થળનું સરનામું મકાન-૬૭ દર્શાવવામાં આવેલ જ્યારે ભાડા કરારમાં આંતરિક રીતે આ મિલકતના ભાગ પાડીને પહેલા માળને મકાન-૬૭-એ અને બીજા માલને મકાન-૬૭-બી કરવામાં આવેલ અને પીટીશનર વેપારીને બીજા માળે આવેલ મકાન ૬૭-બી આપવામાં આવેલ.
ધંધાના સરનામામાં આવા મિસ-મેચને કારણે વેપારીને કારણ દર્શક સૂચના પાઠવવામાં આવેલ. વેપારીશ્રીએ તેનો વિગતવાર જવાબ કરેલ તેમ છતાં અધિકારી દ્વારા નોંધણી દાખલો રદ કરવામાં આવેલ અને પ્રથમ અપીલમાં પણ વેપારીની વિરુદ્ધમાં નિર્ણય આવેલ. નામદાર મદ્રાસ હાઈકોર્ટે વેપારીશ્રીની તરફેણમાં ચુકાદો આપતા જણાવેલ કે કોઈપણ વેપારીનો નોંધણી દાખલો આવી નાની ક્ષતિઓના કારણે રદ ન કરવો જોઈએ.
2. Alstom Transport India Ltd vs Additional Commissioner of central Tax Appeals & Others-Andhra Pradesh High Court - Writ Petition Number : 21164 & 21179 of 2021- આદેશ તારીખ - Apr 21, 2025. આ કેસમાં પીટીશનર વેપારીશ્રીનો ધંધો મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રેલવેના સાધનો અને એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.
શરૂઆતમાં વેપારીએ માત્ર ગુડ્ઝ સપ્લાય કરવા માટે નોંધણી દાખલો મેળવેલ હતો. બાદમાં તેમાં સેવાઓનો ઉમેરો કરાવેલ. વેપારીશ્રી એ ભારતની બહાર પોતાના ગ્રાહકોને મેટ્રો સંબંધિત ઝીરો રેટેડ સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરેલ અને આઈજીએસટી ભરેલ. વેપારીશ્રીની રિફંડની અરજી અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ.
પ્રથમ અપીલમાં પણ વેપારીની વિરુધ્ધમાં નિર્ણય આપવામાં આવેલ. રિફંડની અરજી રિજેક્ટ કરનાર તેમજ અપીલ અધિકારીઓએ જણાવ્યું કે વેપારીએ મૂળ નોંધણી દાખલો માત્ર ગુડઝના સપ્લાય માટે મેળવેલ હતો. તેથી બાદમાં તેણે જે સેવાઓનો સપ્લાય કરેલ છે તેનું રિફંડ મળી શકે નહીં.
કારણ : જોકે મુખ્ય બાબતે હતી કે વેપારીએ સેવાઓનો સપ્લાય જુન ૨૦૧૯ થી ફેબુ્રઆરી ૨૦૨૦ તથા માર્ચ ૨૦૨૦ થી જુુન ૨૦૨૦ દરમ્યાન કર્યા બાદ મોડેથી જીએસટીની નિયમ ૧૯ મુજબ નોંધણી દાખલામાં સુધારા વધારા કરવાની અરજી તા ૧૧.૮.૨૦૨૦ અને તા. ૧૮.૦૮.૨૦૨૦ના રોજ કરેલ હતી અને સેવાઓના સપ્લાયનો સુધારો કરવા વિનંતી કરેલ.
આ સુધારા તા ૧૯.૦૯.૨૦૨૦ના રોજ માન્ય રહેલ વેપારીશ્રીની દલીલ એવી હતી કે જીએસટી કાયદા મુજબ રિફંડ કલેમ કરવા માટે મુખ્ય શરત એ છે કે વેપારી નોંધાયેલ હોવો જોઈએ તેમાં ગુડઝ અને સર્વિસીસ માટે જુદુ જુદુ રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત નથી.
નામદાર કોર્ટે પણ IGST ની કલમ ૧૬, GST ની કલમ ૧૭,૨૨,૨૪,૨૫ અને કલમ ૫૪ ની વિગતવાર છણાવટ કરીને નોંધ્યું કે રજીસ્ટ્રેશન રિટર્ન અને રિફંડની જે જોગવાઈઓ કાયદામાં ઠરાવેલ છે તેમાં માલ કે સેવાની વિગતોને એટલું બધું મહત્ત્વ આપવામાં આવેલ નથી. આ કેસમાં અંતે નામદાર કોર્ટે વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ છે અને રિફંડની નિયમાનુસાર ચકાસણી કરીને અધિકારીને નિર્ણય લેવા જણાવેલ છે.
3. Arsh Traders vs Commercial Tax Officer - R/Special Civil Application No. 3224 of 2022-Gujarat High Court - આદેશ તારીખ : Feb, 17, 2023 આ કેસમાં વેપારીશ્રીએ નોંધણી દાખલો રદ થવાની બાબત અને રિવોકેશનની અરજી રિજેક્ટ થવાના આદેશને પડકારેલ હતો.
પીટીશનર વેપારીનો ધંધો સ્ક્રેપને લગતો છે. વેપારીનો નોંધણી દાખલો વેટ કર પ્રણાલી હેઠલ તા. ૧૩.૬.૨૦૧૩થી અમલી હતો. તેઓને તારીખ ૨૪.૬.૨૦૧૯ના રોજ નોટિસ આપીને જણાવવામાં આવેલ કે આપના દ્વારા કરચોરીની ઈરાદાથી ખોટી રીતે નોંધણી દાખલો મેળવવામાં આવેલ છે. વેપારીના જણાવ્યા મુજબ તેઓને હાર્ડ કોપીમાં કોઈ નોટીસ મળેલ નહીં. તા. ૨૬.૭.૨૦૧૯ ના રોજ અધિકારી દ્વારા રજીસ્ટ્રેશન રદ કરાયેલ. વેપારીશ્રીએ રિવોકેશનની અરજી કરેલ. દરમ્યાન કોરોના અને લોકડાઉન પણ આવેલ. કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો અમલ ન થવાથી આ કેસમાં નામદાર કોર્ટે વેપારીશ્રીની તરફેણમાં ચુકાદો આપેલ હતો અને અધિકારીઓ નોટીસો ઈશ્યુ કરીને નિયમનુસાર નિર્ણય લેવા જણાવેલ.