Home / : Ravi Purti : Art of War: The art of waging war without weapons against Pakistan

Ravi Purti : આર્ટ ઓફ વોર: ‌પાક સામે વિના આયુધે યુદ્ધ ખેલવાની કળા

Ravi Purti : આર્ટ ઓફ વોર: ‌પાક સામે વિના આયુધે યુદ્ધ ખેલવાની કળા

- એક નજર આ તરફ- હર્ષલ પુષ્કર્ણા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

-‌ પા‌કિસ્‍તાન નામનો દેશ થૂંક વડે પરસ્‍પર ‌ચિપકાવેલા પાંચ થીંગડાંના પેચવર્કથી બનેલો છે. ભારતે રણભૂ‌મિમાં બળને બદલે રાજની‌તિમાં કળ વાપરીને તે થીંગડાં ઉખેડી દેવા જોઈએ.

-‌ પંજાબ, ‌‌સિંધ, બલુ‌ચિસ્‍તાન, ખૈબર પુખ્‍તુનખ્‍વા અને ‌ગિલ‌‌‌ગિટ બા‌લ્‍ટિસ્‍તાન એમ પાંચ નોખા ટુકડાઓના પેચવર્કથી બનેલા પા‌કિસ્‍તાનની ઇસ્‍લામાબાદ સરકારનો આજે પંજાબ ‌સિવાયના કોઈ પ્રાંત પર રાજકીય કંટ્રોલ નથી.

એક સમાચાર છે. હવે તો ઘણા જૂના થયા, છતાં અહીં તેને તાજા કરીએ. ચર્ચાના ઊંડાણમાં ઊતરવાનો માર્ગ એ સમાચારના દરવાજા સોંસરવો નીકળે છે. આથી પહેલાં તો ટૂંકાણમાં ન્‍યૂઝ વાંચો અને ત્‍યાર બાદ સમાચાર પાછળ રહેલું રસપ્રદ બેકગ્રાઉન્‍ડ જરા લંબાણથી તપાસીએ.

પહલગામ પર આતંકી હુમલા થયાના બરાબર પાંચમા ‌દિવસે ભારતીય રાજદ્વારી પ્ર‌તિ‌નિ‌ધિ મંડળના કેટલાક અ‌ધિકારીઓ અફઘા‌નિસ્‍તાનના પાટનગર કાબુલ પહોંચ્‍યા. તા‌લિબાન સરકારના અમુક શાસકોને રૂબરૂ મળ્યા. ઔપચા‌રિક ચર્ચા ભારત-અફઘા‌નિસ્‍તાન વચ્‍ચે વેપાર-વાણિજ્ય તથા રાજનૈ‌તિક સંબંધો ‌વિકસાવવા ‌વિશેની હતી, જેની નોંધ સમાચાર માધ્‍યમોએ ન્‍યૂઝ આઇટમ તરીકે લીધી.

સ્‍વાભા‌વિક છે કે પહલગામ આતંકી હુમલાના પગલે તા‌લિબાન સરકાર જોડે ભારતની વન-ટુ-વન મુલાકાતનો એકમાત્ર અજેન્ડા વેપાર-વા‌ણિજ્ય નહોતો. જોકે, કાશ્‍મીરમાં પાક પ્રે‌રિત આતંકવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો, જેને મી‌ડિયામાં "exchange of views on recent regional developments" શબ્‍દો વડે પ્રસ્‍તુત કરાયો. આ શબ્‍દોનો સીધોસરળ અર્થ તો જાણે સ્‍થા‌નિક નવાજૂની પર ચર્ચા‌વિચારણા એવો નીકળે. પરંતુ ‘સ્‍થા‌નિક નવાજૂની’ શબ્‍દનો ગૂઢાર્થ પહલગામના આતંકી હુમલામાં રહેલો છે.

અફઘા‌નિસ્‍તાનની તા‌લિબાન સરકારને આમ તો આપણા કાશ્‍મીર જોડે કે પછી ત્‍યાં ચાલી રહેલા પાક પ્રે‌રિત આતંકવાદ જોડે  દૂર દૂરનું સ્‍નાનસૂતક ન હોય. પરંતુ કાશ્‍મીરમાં આતંકવાદનો દોરીસંચાર જેના હાથમાં છે તે ઇસ્‍લામાબાદ સરકાર જોડે તા‌લિબાનને ૩૬ નો આંકડો છે. આથી શત્રુનો શત્રુ આપણો દોસ્‍ત એ સૂત્ર પેઠે ભારતે વર્ષ ૨૦૨૧થી તા‌લિબાન તરફ દોસ્‍તીનો હાથ લંબાવ્યો છે. તાજેતરમાં કાબુલ ખાતે થયેલી મી‌ટિંગ તે દોસ્‍તી સંબંધોનું પ‌રિણામ છે.

આટલું જાણ્યા પછી ‌જિજ્ઞાસુ મનમાં સ્‍વાભા‌વિક રીતે બે પ્રશ્નો ઊભા થાય કે—

(૧) ઇસ્‍લામાબાદમાં બેઠેલી પાક સરકાર સામે અફઘાન તા‌લિબાનોને આખરે શો વાંધો-‌વિરોધ છે?

(૨) તા‌લિબાન જોડેના મૈત્રી સંબંધો આખરે ભારતને કયા દૃ‌ષ્‍ટિકોણે લાભદાયી થઈ શકે?

સહેજ દૂરના ભૂતકાળમાં ઊંડા ઊતરીને બેઉ પ્રશ્નોનું વારાફરતી ‌વિશ્લેષણ કરવા જેવું છે.

■■■

બે રાષ્‍ટ્રો વચ્‍ચે રાજકીય સ્‍તરે ‌વિવાદ માટે અને ત્‍યાર બાદ રણભૂ‌મિના સ્‍તરે સશસ્‍ત્ર ‌વિખવાદ માટે નકશા પર અંકાતી લીટીઓ ‌નિ‌મિત્ત બનતી હોય છે. વૈ‌શ્વિક ઇતિહાસની તવારીખમાં એવાં એક કહેતાં અનેક ઉદાહરણો દર્જ છે. વર્તમાન અફઘા‌નિસ્‍તાન-પા‌કિસ્‍તાન વચ્‍ચે ઘર્ષણ પેદા કરવા માટે પણ નકશાની લીટીઓ કારણભૂત બની. સમયગાળો ૧૯મી સદીનો હતો કે જ્યારે અખંડ ભારત ‌બ્રિ‌ટિશ‌હિંદ તરીકે ઓળખાતું. પૃથ્‍વીના ગોળા પર ત્‍યારે ભોગવટો મુખ્ય કરીને બે મહાસત્તાઓનો હતો. એક તરફ ઇંગ્‍લેન્‍ડની રાણી ‌વિક્ટો‌રિયાનું ‌વિશાળ સામ્રાજ્ય હતું, તો બીજી બાજુ ર‌શિયાના રાજા ઝાર ‌નિકોલસની સત્તાનો ડંકો વાગતો હતો. યોગાનુયોગે બેઉ સામ્રાજ્યોના ભૌગો‌લિક છેડા અફઘા‌નિસ્‍તાનને સ્‍પર્શતા હતા.

જુદી રીતે કહો તો અફઘાનિસ્તાન એ બ્રિ‌ટિશહિંદ અને રશિયા વચ્ચેનું ‘બફર’ રાજ્ય હતું. રશિયાના ઝાર ‌નિકોલસે તે બફર ઝોનને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાના પ્રયાસો આદર્યા ત્‍યારે ‌બ્રિ‌ટિશ‌હિંદના સત્તાધીશોને ફાળ પેઠી. કારણ દેખીતું હતું. ‌નિકોલસનું રૂસી સૈન્‍ય જો અફઘા‌નિસ્‍તાનને ગળી જાય, તો બફર ઝોન નાબૂદ થતાં આગામી તબક્કે રૂસી સેના ‌બ્રિ‌ટિશ‌હિંદ હસ્‍તકના પેશાવર, કરાંચી, લાહોર, મુલતાન જેવાં નગરો પર ચડી આવે તે સંભવ હતું. ‌બ્રિ‌ટિશ‌હિંદની સેના રખે રૂસી સૈન્‍યના અ‌તિક્રમણને રોકી ન શકે તો આગામી ટાર્ગેટ ‌દિલ્‍લી બને એવી પણ શક્યતા હતી—અને ‌દિલ્‍લી જો રૂસી હાથમાં જાય તો Jewel in the Crown/ ‌બ્રિ‌ટિશ તાજનો ‌હિરો કહેવાતું ભારત પણ ગયું કહેવાય.

આ સંભ‌વિત ‌સ્‍થિ‌તિને ટાળવા માટે ઓગણીસમી સદીની આખરમાં ‌બ્રિ‌ટિશ‌હિંદના અંગ્રેજ વાઇસરોય જેમ્સ એલ્ગિને વાયવ્ય ‌દિશા એટલે કે અફઘા‌નિસ્‍તાન તરફનો મોરચો સુર‌‌‌ક્ષિત બનાવવાનું નક્કી કર્યું. આમાં તકલીફ એક જ હતી: બ્રિ‌ટિશહિંદના ભૌગો‌લિક સીમાડા ખરેખર ક્યાં સુધી લંબાતા હતા એ ત્‍યારે નક્કી જ નહોતું. મતલબ કે, અંગ્રેજો દ્વારા કોઈ સીમારેખા આંકવામાં આવી જ નહોતી. આગુ સે ચલી આતી માન્‍યતા મુજબ ‌હિંદુ કુશ પર્વતમાળા જ્યાંથી શરૂ થાય ત્‍યાં સુધીનો ‌વિસ્‍તાર ‌હિંદુસ્‍તાન કહેવાતો. પરંતુ એ માન્‍યતા હતી. નકશા પર એ પ્રકારની કોઈ રેખા અં‌કિત કરાયેલી નહોતી. આથી વાઇસરોય જેમ્‍સ એ‌‌લ્‍ગિને ‌બ્રિ‌ટિશ‌હિંદની ભૌગો‌લિક સીમા આંકવાનું કાર્ય હેન્રી મોર્ટીમર ડુરાન્‍ડ નામના અંગ્રેજ અ‌ધિકારીને સોંપ્‍યું. ભારતમાં રાજ કરતી ‌બ્રિ‌ટિશ સરકારની ‌વિદેશની‌તિનો હવાલો ડુરાન્‍ડના હાથમાં હતો.

પારકી ભૂ‌મિનો પોતાની મુનસફી મુજબ બંટવારો કરી ત્‍યાં ‌વિવાદ-‌વિખવાદના બીજ રોપી દેવામાં અંગ્રેજોને જબરી ફાવટ હતી. હેન્રી ડુરાન્‍ડે તે ફાવટનો બરાબર પરચો બતાવ્યો. ‌‌‌નકશા પર ‌બ્રિ‌ટિશ‌હિંદ સામ્રાજ્યના સીમાંકન વખતે તેણે ચતુરાઈ કરી. બલકે, રીતસર ‌ચિ‌ટિંગ કરી એમ કહેવું વધુ ઉ‌ચિત ઠરે. ‌બ્રિ‌ટિશ‌હિંદમાં પ્રવેશવા માટે ‌હિંદુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટ, દોરાહ ઘાટ, ખોજાક ઘાટ વગેરે જેવા ઘાટ અંગ્રેજોને હસ્તક રાખવા માટે તેણે નકશા પર સીમારેખાની સૂચક લીટી (ડુરાન્‍ડ લાઇન) તદનુસાર દોરી. આને કારણે બન્‍યું એવું કે અફઘાનિસ્તાનના ભાગલા પડી ગયા. પુશ્તુ ભાષા બોલતા લાખો પુશ્તુનોનાં (પઠાણોનાં) ગામો ડુરાન્ડ લાઇનની ‌બ્રિ‌ટિશ‌હિંદ તરફ રહી જવા પામ્‍યાં. રાતોરાત તેઓ જાણે દેશ‌નિકાલ પામ્‍યા—અને તે પણ કોઈ ગોરા અંગ્રેજે નકશા પર પોતાની મુનસફી મુજબ આંકેલી લીટીના વાંકે!

આ પ્રકારના ગેરવાજબી ભૌગો‌લિક ‌વિભાજન સામે અફઘા‌નિસ્‍તાનના તત્‍કાલીન શાસક અમીર અબ્દુર રહેમાને સ્‍વાભા‌વિક રીતે વાંધો ઉઠાવ્યો. પરંતુ રાજકીય મુસદ્દીગીરીમાં પાવરધા હેન્રી ડુરાન્ડ એન્‍ડ કંપનીએ યેન કેન પ્રકારે અમીર અબ્‍દુર રહેમાનને મનાવી લીધા એટલું જ ન‌હિ, પણ આગામી ૧૦૦ વર્ષ સુધી ડુરાન્‍ડ લાઇનનો ભંગ ન કરવાની લેખિત બાંહેધરી સુધ્‍ધાં રહેમાન પાસે લીધી. બાંહેધરીના લખાણનું વર્ષ ઈ.સ. ૧૮૯૩નું હતું.

■■■

આમ, નકશા પર ‌બ્રિ‌ટિશ‌હિંદ સામ્રાજ્યના સીમાડા તો અંકાયા, પણ અફઘા‌નિસ્‍તાનના અકારણ બંટવારાના ભોગે.

વર્ષો વીત્‍યાં. હેન્રી ડુરાન્‍ડ દ્વારા દોરાયેલી ડુરાન્‍ડ લાઇન સીમારેખાનું રંગેચંગે પાલન થતું રહ્યું. પરંતુ ૧૯૪૭માં ‌બ્રિ‌ટિશ‌હિંદ સામ્રાજ્ય પડી ભાંગ્યું અને અખંડ ભારત બે ‌હિસ્‍સે વહેંચાયું ત્‍યારે ડુરાન્‍ડ લાઇન સીમારેખાને લઈ ‌વિવાદનો પહેલો અંકુર ફૂટ્યો. નવો‌દિત રાષ્‍ટ્ર બનેલા પા‌કિસ્‍તાનના ફાળે ખૈબર પુખ્‍તુનખ્‍વા પ્રાંતનો એ પ્રદેશ આવ્યો કે જે મૂળભૂત રીતે અફઘા‌નિસ્‍તાનનો હતો. તત્‍કાલીન અફઘાન શાસકોએ તે પ્રદેશની માગણી કરી ત્‍યારે પા‌કિસ્‍તાને નનૈયો ભણી દીધો. વર્ષો પહેલાં અફઘાન શાસક અમીર અબ્‍દુર રહેમાને ડુરાન્‍ડ લાઇનને સ્‍વીકૃત રાખ્યાની અંગ્રેજોને લખી આપેલી બાંહેધરીનો મુદ્દો આગળ ધર્યો. આથી અફઘા‌નિસ્‍તાન પાસે દલીલનો કોઈ અવકાશ નહોતો.

પરંતુ ૧૯૯૩માં સંજોગો બદલાયાં. બરાબર ૧૦૦ વર્ષ પૂર્વે લખાયેલી બાંહેધરીની અવ‌ધિનો સમયગાળો ૧૯૯૩માં પૂરો થયો. હવે અફઘા‌‌નિસ્‍તાન ખૈબર પુખ્‍તુનખ્‍વાનો પ્રદેશ પા‌કિસ્‍તાન પાસે કાયદેસર રીતે માગી શકે તેમ હતું. પરંતુ ઇસ્‍લામાબાદમાં બેઠેલા શાસકોએ તે મોકો આવવા જ ન દીધો. અફઘાનો તેમના મૂળભૂત મા‌લિકીના પ્રદેશની માગણી કરે તે પહેલાં જ પાકિસ્તાને તહરીક—એ—તાલિબાન નામનું ઝનૂની પઠાણોનું સંગઠન રચી તેની સરકાર કાબુલમાં સ્થાપી દીધી. ઉઝબેક, તાજિક અને હઝારા જેવા લઘુમતી કોમોના અફઘાનોને તાલિબાન પઠાણો સામે લડાવ્યા અને હરાવ્યા.

ભૂતકાળમાં પા‌કિસ્‍તાને પોતે સર્જેલું તા‌લિબાની સંગઠન આજે ખુદ પા‌કિસ્‍તાનના જ ગળાનો ફંદો સા‌બિત થયું છે. ખૈબર પુખ્‍તુનખ્‍વા પ્રાંતનો મૂળ અફઘાન પઠાણોની બહુમતીવાળો ખૈબર પુખ્‍તુનખ્‍વાનો ભૌગો‌લિક પ્રદેશ પા‌કિસ્‍તાને વર્ષો થયે પોતાની લશ્‍કરી એડી નીચે દબાવી રાખ્યો, પણ તેને પાછો મેળવવા માટે તા‌લિબાન સંગઠને કેટલાંક વર્ષથી બરાબર કમર કસી છે. પા‌કિસ્‍તાન પર છાપામાર હુમલાથી માંડીને ‌વિ‌વિધ શહેરોમાં બોમ્‍બ ધડાકા કરાવવા સુધીના પેંતરા તા‌લિબાન સંગઠન સમયાંતરે યોજી રહ્યું છે. ઇસ્‍લામાબાદથી હંમેશ માટે રાજકીય છેડો ફાડીને પુશ્‍તુ‌નિસ્‍તાન નામનો સ્‍વતંત્ર પ્રાંત તા‌લિબાનીઓને સ્‍થાપવો છે.

■■■

બસ, અહીં ભારત ‌ચિત્રમાં આવે છે. અગર તો એમ કહો કે ‌ચિત્રમાં આવી ચૂક્યું છે. શત્રુનો શત્રુ, આપણો ‌મિત્ર એ રાજની‌તિની રૂએ ભારતે વર્ષ ૨૦૨૧થી અફઘા‌નિસ્‍તાનની તા‌લિબાન સરકાર જોડે દોસ્‍તી સંબંધો ‌વિકસાવ્‍યા છે. એ વાત જુદી કે તા‌લિબાન સરકારને જગતના અન્‍ય દેશોની જેમ ભારતે પણ અ‌ધિકૃત રીતે સ્‍વીકારી નથી. પરંતુ તેનાથી શત્રુના શત્રુ જોડે મૈત્રી ‌વિકસાવવામાં શો ફરક પડવાનો હતો? 

આ મૈત્રીની રૂએ ભારત તરફથી અફઘા‌નિસ્‍તાનને ખાધાખોરાકીનો તથા તબીબી જરૂ‌રિયાતોનો થોકબંધ પુરવઠો પહોંચતો કરવામાં આવે છે. ‌શિક્ષણ, રોડ-રસ્‍તા, ડેમ, ‌વિદ્યુત મથક જેવા ક્ષેત્રે પણ ભારત તા‌લિબાન સરકારને ખાસ્‍સી મદદ કરતું આવ્યું છે. ઓ‌ફિશ્‍યલી જેની જાહેરાત કરવામાં આવી નથી અને કદાચ જાહેરાત કરવામાં આવશે પણ ન‌હિ તેવી એક મદદ લશ્‍કરી ક્ષેત્રે હોવાની સંભાવના છે. કેમ કે, ખૈબર પુખ્‍તુનખ્‍વાનો પ્રાંત પાછો મેળવવા માટે યુદ્ધે ચડેલી તા‌લિબાન સેનાને શસ્‍ત્ર-સરંજામ તેમજ ગે‌રિલા યુદ્ધની‌તિની તાલીમ મળે તો તેમનો સંગ્રામ ઓર તીવ્ર બને. સંગ્રામની આગ ઓલવવા માટે પા‌કિસ્‍તાની લશ્‍કરે ખૈબર પુખ્તુનખ્‍વામાં સતત તૈનાત અને તૈયાર રહેવું પડે.

‌બિલકુલ એ જ વખતે બલુ‌ચિસ્‍તાનના, ‌સિંધના તથા કાશ્‍મીરના ઉત્તરી પ્રાંત ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાનના અલગતાવાદી સંગઠનો પણ ઇસ્‍લામાબાદ સરકાર ‌વિરુદ્ધ સશસ્‍ત્ર બંડ પોકારે તો આખું પા‌કિસ્‍તાન ગૃહયુદ્ધમાં હોમાઈ જાય. ઇસ્‍લામાબાદ સરકાર ત્‍યારે દેશના ટુકડા થતા બચાવે કે પછી ભારત ‌વિરુદ્ધ કાશ્‍મીરમાં આતંકવાદી પ્રવૃ‌ત્તિ ચલાવવામાં વ્‍યસ્‍ત રહે?

માર્ચ ૨૩, ૨૦૨પના રોજ પ્રસ્‍તુત કટારમાં પા‌કિસ્‍તાનના બલુ‌ચિસ્‍તાનની ‘સ્‍વતંત્રતા’ ચળવળ ‌વિશેના લેખમાં જણાવેલું તેમ એ પ્રાંત પણ ઇસ્‍લામાબાદ સરકારના અમાનુષી અત્‍યાચારોથી ત્રસ્‍ત છે. દૂરના ભૂતકાળમાં બલુ‌ચિસ્‍તાનને પા‌કિસ્‍તાન સાથે છળ તથા બળજબરીથી જોડી દેવામાં આવેલું. થૂંકે ‌ચિપકાવેલું એ થીંગડું કેટલાંક વર્ષથી ઊખડવાની તૈયારી કરી રહ્યું છે. આ તરફ ‌સિંધ પ્રાંતને તો ક્યારના છૂટા થઈ જવું છે, જ્યારે કાશ્‍મીર ખીણનો ઉત્તરી ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાન પ્રાંત ૧૯૪૭-૪૮માં પાક હુમલાખોરોએ ગુજારેલા અમાનવીય અત્‍યાચારોને હજી સુધી ભૂલ્‍યો નથી. 

વાતનો સારાંશ એટલો કે પંજાબ, ‌‌સિંધ, બલુ‌ચિસ્‍તાન, ખૈબર પુખ્‍તુનખ્‍વા અને ‌ગિલ‌‌‌ગિટ બા‌લ્‍ટિસ્‍તાન એમ પાંચ નોખા ટુકડાઓના પેચવર્કથી બનેલા પા‌કિસ્‍તાનની ઇસ્‍લામાબાદ સરકારનો આજે પંજાબ ‌સિવાયના કોઈ પ્રાંત પર રાજકીય કંટ્રોલ નથી. આ ‌સ્‍થિ‌તિ ભારત માટે મોકાની છે. ચારેય પ્રાંતોમાં ઇસ્‍લામાબાદ સરકાર ‌વિરુદ્ધ સળગતી ક્રાં‌તિની જ્વાળામાં કેટલાંક લાકડાં વત્તા ઘી ભારત તરફથી હોમી શકાતાં હોય તો પા‌કિસ્‍તાન આંતર‌વિગ્રહમાં એવું સપડાય કે ન પૂછો વાત! આમ કરવું પાછું અશક્ય નથી. પા‌કિસ્‍તાન સામે ૧૯૭૧ના યુદ્ધ વખતે ભારતીય જાસૂસોએ પૂર્વ પા‌કિસ્‍તાનમાં (વર્તમાન બાંગલા દેશમાં) સ્‍થા‌નિક બંગાળી મુ‌સ્‍લિમોને લશ્‍કરી તાલીમ આપીને આંતર‌વિગ્રહ માટે તૈયાર કર્યા હતા એ ભૂલવા જેવું નથી. આ પ્રકારનો ગેમ-પ્લાન ખૈબર પુખ્‍તુનખ્‍વા, ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાન, ‌સિંધ તથા બલુ‌ચિસ્‍તાનમાં અખત્‍યાર કરવો જોઈએ. રણભૂ‌મિમાં બળ વાપરવા કરતાં રાજની‌તિમાં કળ વાપરીને પા‌કિસ્‍તાન નામના પેચવર્ક દેશનું ક્રમશ: ‌વિસર્જન શકાતું હોય તો ન રહે કાશ્‍મીર પ્રોબ્‍લેમ કે ન રહે તેનું ચાલકબળ યાને આતંકવાદ!■

Related News

Icon