
ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમના બોલરો 371 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા હતા. આ દરમિયાન, ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ પહેલા એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તેણે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને મુખ્ય ટીમમાંથી રિલીઝ કર્યો છે. ભારતીય ટીમ 2 જુલાઈથી બર્મિંઘમના મેદાન પર આ સિરીઝની આગામી મેચ રમવાની છે.
હર્ષિત રાણા ઘરે પરત ફરશે
જ્યારે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેમાં હર્ષિત રાણાનું નામ સામેલ નહતું. રાણા ઈન્ડિયા-A ટીમનો ભાગ હતો, જેમાં તેને ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ સામે 2 મેચની અનઓફિશિયલ ટેસ્ટ મેચ સિરીઝમાં રમવાનું હતું. આ સિરીઝ પછી સાવચેતી તરીકે રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ખેલાડીઓ ઘરે પરત ફર્યા હતા. લીડ્સ ટેસ્ટ મેચ પૂરી થયા પછી, ટીમ મેનેજમેન્ટે હર્ષિત રાણાને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં તે હવે ઘરે પરત ફરશે. BCCIના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હર્ષિત રાણાને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તે 2 જુલાઈથી શરૂ થતી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે બર્મિંગહામ નથી જઈ રહ્યો.
બુમરાહ સિવાય, બાકીના બોલરો લીડ્સ ટેસ્ટમાં કઈ ખાસ ન કરી શક્યા
લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની હારના બે મુખ્ય કારણો હતા, જેમાંથી એક ખરાબ ફિલ્ડિંગ હતું અને બીજું જસપ્રીત બુમરાહ સિવાય કોઈપણ બોલર અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. આમાં સૌથી ખરાબ પ્રદર્શન પ્રસિદ્ધ કૃષ્ણાનું જોવા મળ્યું, જેણે આ મેચમાં કુલ 220 રન આપ્યા અને માત્ર 5 વિકેટ જ લઈ શક્યો. બીજી તરફ, જો આપણે મોહમ્મદ સિરાજની વાત કરીએ, તો તે પણ ફક્ત 2 વિકેટ જ લઈ શક્યો. આવી સ્થિતિમાં, બર્મિંઘમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.