
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આજે મહત્ત્વની જાહેરાત કરી છે. ફડણવીસ સરકારે શાળાઓમાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. ધોરણ પાંચ સુધી હિન્દી વિષયને ફરિજ્યાતપણે અભ્યાસક્રમમાં સામેલ કરવાના નિર્ણય પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
મહારાષ્ટ્ર સરકારમાં શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે અમે પહેલાં જાહેર કરેલા જીઆર અનુસાર, શાળામાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. જીઆર-3 ભાષા ફોર્મ્યુલામાં ધોરણ એકથી માંડી પાંચ સુધી ત્રીજી ભાષા તરીકે હિન્દી વિષયને ફરિજ્યાતપણે ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ નવા આદેશ બાદ તે હવે મરિજ્યાત બન્યો છે.
હાલમાં જ 17 એપ્રિલ, 2025ના રોજ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ભાગરૂપે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે હિન્દી, મરાઠી અને અંગ્રેજી વિષયોનો ફરિજ્યાપણે અભ્યાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો વિરોધ કરતાં કન્સલ્ટેશન કમિટી ચેરપર્સન લક્ષ્મીકાંત દેશમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આ આદેશ પર રોક મૂકવા દરખાસ્ત કરવામાં આવી હતી.
દેશમુખે પત્રમાં લખ્યું હતું કે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માતૃભાષા શીખવવી જોઈએ. ત્રણ ભાષાની નીતિ ઊચ્ચ શિક્ષણ માધ્યમમાં લાગુ કરવી જોઈએ. જેથી હિન્દી ભાષાને મરજિયાત કરવી જોઈએ. હાલ શાળામાં મરાઠી અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ સ્તર પણ નબળુ છે. ઘણી શાળામાં એક કે બે જ શિક્ષકો છે. તેમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને સામેલ કરવાથી શિક્ષકો પર ભારણ વધશે. અને બાળકો પણ કોઈ પણ ભાષા સરળતાથી અને યોગ્ય રીતે શીખી શકશે નહીં.