Home / : Role of Private Companies in Advancing Weapons and Equipment Production

Ravi Purti : શસ્ત્ર-સરંજામના ઉત્પાદનમાં ખાનગી કંપનીઓનું બહુમૂલ્ય યોગદાન

Ravi Purti : શસ્ત્ર-સરંજામના ઉત્પાદનમાં ખાનગી કંપનીઓનું બહુમૂલ્ય યોગદાન

- હોટલાઈન 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ભારતની શસ્ત્ર-સરંજામની નિકાસનો આંકડો આ વર્ષે વધીને 24,000 કરોડ સુધી પહોંચ્યો છે. 2030 સુધીમાં તે 50,000 કરોડ પર પહોંચશે તેવી અપેક્ષા છે 

'ઓપરેશન સિંદૂર'માં ભારતીય સેનાને મળેલા જ્વલંત વિજયની સૌ કોઈ ભરપૂર પ્રશંસા કરે છે,પરંતુ ભારતીય સેનાની ત્રણેય પાંખના શ્રેષ્ઠ દેખાવ માટે પડદાં પાછળ રહીને કામગીરી નિભાવતા પ્રાઈવેટ ડિફેન્સ સેક્ટરનો કોઈએ યોગ્ય ઉલ્લેખ કર્યો નથી.

જાણીને કદાચ નવાઈ લાગશે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ વાપરેલાં ડ્રોનથી લઈને રડાર સિસ્ટમ,આર્મડ વ્હીકલ જેવા અનેક શસ્ત્ર-અસ્ત્ર સંરજામ ખાનગી કંપનીઓએ બનાવેલાં છે.

દોઢ દાયકા પૂર્વે ભારતીય સેના દ્વારા વપરાતાં મોટા ભાગનાં શસ્ત્રો જાહેર ક્ષેત્રની (સરકારી)કંપનીઓ દ્વારા બનાવાતાં હતાં અથવા વિદેશથી આયાત થતાં હતાં.  આજે ભારતની અનેક ખાનગી માલિકીની કંપનીઓ સેનાને બહુ ઉપયોગી થાય તેવા શસ્ત્રો બનાવે છે.એટલું જ નહીં,આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વેચી શકાય અને ચઢિયાતાં હોય તેવા વેપન્સ બનાવે છે. 

સંરક્ષણ ક્ષેત્રે ભારત સ્વાલંબી બને એ માટે મોદીની કેન્દ્ર સરકારે ૨૦૧૫થી જ લાઈસન્સ આપવાની શરૂઆત કરી હતી. મે-૨૦૧૪થી માંડીને નવેમ્બર ૨૦૧૫ સુધીમા વિવિધ ખાનગી કંપનીઓને સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે કુલ ૧૨૧ લાઈસન્સ આપવામા આવ્યા  હતા. એમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો ૨૨-૨૨ લાઈસન્સ સાથે પહેલા ક્રમે છે.  

ગુજરાતમા નવાં લાઈસન્સો મળ્યાં છે,તેમા સૌથી વધુ ૧૧ લાઈસન્સો રિલાયન્સ ડિફેન્સ સિસ્ટમે મેળવ્યા છે. એ લાઈસન્સો દ્વારા રિલાયન્સ ડિફેન્સ ગુજરાતમા સબમરીનથી માંડીને ઈલેક્ટ્રોનિક આયુધો સહિતની સામગ્રી બનાવવા ચાહે છે. એએમડબલ્યુ મોટર્સ ગુજરાતમા હળવા બુલેટપ્રૂફ વાહનો,અનમેન્ડ આર્મ્ડ વ્હિકલ, વગેરે બનાવવા ઈચ્છે છે. ઓસ્ટ્રીયા એરોસ્પેસ ગુજરાતમા હેલિકોપ્ટર બનાવવા માંગે છે. 

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ,આલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીસ,પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ,આઈડિયા ફોર્જ અને આઈજી ડ્રોન્સ જેવી કંપનીઓએ યુદ્ધ દરમિયાન ભારતનો હાથ ઉપર રહે તેવા ચઢિયાતા,ખૂબ જ કાર્યક્ષમ એવાં શસ્ત્રો બનાવ્યાં છે,જે ઓપરેશન સિંદૂરમાં ખૂબ કામગરા સાબિત થયા છે.

ટાટા એડવાન્સ્ડ કંપનીનું જ ઉદાહરણ લઈએ તો એરોસ્પેસ ક્ષેત્રમાં ઊંડા અનુભવને કારણે તેણે સ્પેનની એરબસ કંપની સાથે મળીને ભારતમાં વિવિધ રડાર, મિસાઈલ્સ અને યુએવી(અનમેન્ડ એરિયલ વ્હીકલ -માનવ રહિત વિમાન)વિકસાવ્યાં છે.વડોદરા ખાતે ટાટાએ સ્થાપેલા મિલિટરી એરક્રાફ્ટ પ્લાન્ટમાં  સી-૨૯૫ મિલિટરી ટ્રાન્સપોર્ટ  એરક્રાફ્ટ બને છે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ અઢી દાયકા પહેલા ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવનારી,સ્વીડનની બોફોર્સ ગન જેવી જ તોપ હવે ભારતમાં  તાતા પાવરની સ્ટ્રેટેજિક એન્જિનિયરીંગ ડિવિઝન બનાવે છે.હોવિત્ઝર જેવી જ આ ગન ટોવ્ડગન તરીકે ઓળખાય  છે. આ તોપ રણ મિનિટમાં  ૪૦ કિ.મી.દૂર સુધી છ તોપગોળા છોડી શકે છે. અંકુશરેખા નજીક પાકિસ્તાની સૈન્યએ કરેલી મોરચાબંધી પર ધમાકો  બોલાવવા આવી તોપો સારી કામ આવે છે.

અન્ય ખાનગી કંપનીઓમાં પારસ ડિફેન્સે સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી ઈલેક્ટ્રોનિક વૉરફેરમાં  કામગરા વિજાણુ યંત્રો અને ડ્રોન્સ  બનાવે છે.આલ્ફા ડિઝાઈન રડાર સિસ્ટમ,ટેન્કના સ્પેરપાર્ટ્સ અને સેટેલાઈટ પેલોડ તૈયાર કરી આપવામાં માહેર છે. લાર્સન એન્ડ ટોબ્રો (એલએન્ડટી) અદાણી ગ્રુપ અને ભારત ફોર્જ જેવી કંપનીઓએ પણ સંરક્ષણ ક્ષેત્રે પોતાની પહોંચ વધારી છે.એલ  એન્ડ ટીને  તો તાજેતરમાં  હાઈપાવર્ડ રડાર  સિસ્ટમ  બનાવવા માટે ૧૪,૦૦૦  કરોડનો કોન્ટ્રાક્ટ  મળ્યો છે. અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસ  કંપનીએ યુપી ડિફેન્સ કોરિડોરમાં  થોડાં સમય પૂર્વે  દારૂગોળો અને મિસાઈલ ઉત્પાદન કરતાં બે કારખાનાનું ઉદ્ઘાટન  કર્યુ હતું.આ કારખાનામાં ઓછા કેલિબરવાળી મશીનગન માટે ૧૫ કરોડ રાઉન્ડ બુલેટ્સ બનાવશે. આ રીતે ભારતની કુલ જરૂરિયાતના ૨૫ ટકા ઉત્પાદન અહીં થશે. શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે ખાનગી કંપનીઓનો  સૌથી મહત્ત્વનો રોલ ડ્રોન ઉત્પાદન ક્ષેત્રે  જોવા મળે છે. નેવુંના દાયકામાં ભારતીય કંપનીઓએ સામાન્ય ડ્રોનની ટેક્નોલોજી હસ્તગત કરવા માંડી હતી.એ અરસામાં  ઈઝરાયલના  'સર્ચર' અને હેરોન જેવા ડ્રોનની બોલબાલા હતી. મિલિટરીની દ્રષ્ટિએ ડ્રોન ઘણી વ્યૂહાત્મક કામગીરી બજાવી શકે  છે એ જાણ્યા પછી ભારતીય સૈન્ય વડાઓ પણ  ડ્રોન મેળવવાની વાત કરવા લાગ્યાં તેમાંય ૧૯૯૯ના કારગિલ યુદ્ધ પછી ડ્રોનની ઉપયોગિતા  બરાબર સમજાઈ ગઈ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ તરત જ યુએવીના ઉત્પાદન હેતુથી કામગીરી હાથ ધરી. બસ,આ  દિવસથી  ડ્રોનની ટેક્નોલોજીમાં ભારતે હરણફાળ ભરી. તેમાંય ઓપરેશન સિંદૂર પછી સ્વદેશી  ડ્રોન ઉત્પાદનમાં નામના કાઢનારી  ભારતની ખાનગી કંપનીઓનાં  નામ પણ ગાજવા માંડયા. જેમાં ઇન્ડિયા ફોર્જ, (ડીઆરડીઓના સહયોગથી) આલ્ફા ડિઝાઈન  (ઈઝરાયલની  એલબીટ સિસ્ટમ સહયોગથી)સ્કાય સ્ટ્રાઈકર ડ્રોન,સોલાર ઈન્ડસ્ટ્રીનું  નાગાસ્ત્ર  ડ્રોન   જે પાકિસ્તાન  ઉપર કાળ બનીને ત્રાટક્યાં હતાં.નાગાસ્ત્ર ડ્રોનનું ઉત્પાદન નાગપુરની સોલાર ઈન્ડસ્ટ્રીઝ કરે છે. ઈઝરાયલના સ્કાય સ્ટ્રાઈકર્સ જેવું આ ડ્રોન રિકવરી મિકેનીઝમ ધરાવે છે.એટલે એકવાર મિશન કોઈ કારણસર પૂરું ન થાય પછીતો  તેને પાછું પ્રાપ્ત કરી શકાય છે. તેમાં પેરેશુટની  સિસ્ટમ પણ છે. ઓર એક કંપની ન્યુસ્પેસ  ટેક્નોલોજીસે ભારતીય વાયુસેના માટે સ્વાર્મ ડ્રોન ટેક્નોલોજી ઉપલબ્ધ  કરાવી. 

ગરુડા એરોસ્પેસ જટાયુ  નામનું ડ્રોન વિકસાવી રહી છે,જે ભારેખમ વજનનું વહન કરી શકે છે.તેણે  એવા સ્કાયપોડ વિકસાવવાની  શરૂઆત કરી  છે જે સિયાચીન જેવા કપરા લશ્કરી મથકે પણ માલ-સામાન,શસ્ત્ર પુરવઠો પુરો પાડી શકે.એરોસ્પેસ કંપની રેવન ડ્રોન અને  આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સયુક્ત સ્વાર્મ કન્ટ્રોલ સિસ્ટમ  બનાવી રહી છે. 

બીજી તરફ સંરક્ષણ  મંત્રાલયે અમેરિકાના પ્રિડેટર જેવા ડ્રોન બનાવવાનો કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ કંપની તનેજા એરોસ્પેસ એન્ડ એવિએશનને તથા ટ્રાઈવેન ઈન્ડસ્ટ્રીઝને સોંપ્યો છે.આ બે કંપની મળીને રુસ્તમ-૨ નામે ઓળખાતા ડ્રોન બનાવે  છે. જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગોદરેજ એન્ડ બોઈસ,તાતા સિસ્ટમ જેવી કંપનીઓ  જુદાં જુદાં હિસ્સા-પૂરજા બનાવે છે.  

આ ઉત્પાદકોને સાંકળી લેતી  ડ્રોન  ફેડરેશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થામાં અત્યારે ૫૫૦ કંપનીઓ સભ્યપદ ધરાવે છે.જેમાં ૫૫૦૦ પાયલટ્સના નામ રજિસ્ટર્ડ  છે.  આ ખાનગી સંસ્થા એવો દાવો કરે છે  કે ૨૦૩૦ સુધીમાં  ભારત 'ગ્લોબલ ડ્રોન હબ' બનશે. 

શસ્ત્ર નિર્માણ બાબતમાં ભારતીય કંપનીઓની સિદ્ધિ આટલેથી અટકતી નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં તરખાટ મચાવનાર  બ્રહ્મોસ મિસાઈલ  આમ તો સરકારી  ઓર્ડનેન્સ  ફેક્ટરીમાં બને છે. પરંતુ આ સુપરસોનિક  ક્રુઝ મિસાઈલના નિર્માણમાં પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓનો પણ મોટો ફાળો  છે.જેમ કે ચેન્નાઈની ડેટા  પેટર્ન્સ કંપનીએ બ્રહ્મોસની  એરફ્રેમ બનાવી છે.આ મિસાઈલની ફાયર  કન્ટ્રોલ/લોન્ચર સિસ્ટમ પણ ડેટા પેટર્ન્સના ભેજાંની કમાલ છે.

ભારતની શસ્ત્ર-સરંજામની નિકાસનો આંકડો આ વર્ષે વધીને ૨૪,૦૦૦ કરોડ સુધી પહોંચ્યો છે. ૨૦૩૦ સુધીમાં એક્સપોર્ટનો આંકડો ૫૦,૦૦૦ કરોડ પર પહોંચે તેવી આશા સરકાર રાખે છે. ખાસ તો ભારતમાં ઉત્પાદિત ડ્રોનનું બજાર ૨૦૩૦ સુધીમાં ૧૧ અબજ ડોલરનું થવાની ધારણા છે. નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માં ખાનગી ક્ષેત્ર દ્વારા સંરક્ષણ સામગ્રી અને શસ્ત્રોની નિકાસ રૃા.૧૫૨૩૩ કરોડની થઈ હતી. ભારત દ્વારા આશરે ૮૦ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ થાય છે.

ભારતમાં શસ્ત્રનું ઉત્પાદન કુદકે ને ભૂસ્કે  વધતું જાય છે તેમ ખાનગી કંપનીઓના શેરો પણ ઝપાટાબંધ ઊંચકાઈ રહ્યાં છે.ડિફેન્સ સેક્ટરની કંપનીઓના માર્કેટકેપમાં  છેલ્લી ૧૨ ટ્રેડિંગ સેશનમાં રૃા.૧.૨૨ લાખ કરોડનો વધારો થયો છે.૨૫ એપ્રિલથી અત્યાર સુધીમાં ડિફેન્સ સેક્ટરની નવ કંપનીઓના માર્કેટકેપમાં  ૧૧ થી ૩૫ ટકાનો વધારો થયો છે.

અત્યારે મિલિટરી સેટેલાઈટ્સના મામલે અમેરિકા અને ચીન કરતાં ભારત  પાછળ છે,પરંતુ  દિગંતારા, પિકસેલ,ધુ્રવસ્પેસ તથા અનંત ટેક્નોલોજીસ જેવી ખાનગી કંપનીઓ હવે આ દિશામાં ઘણું સંશોધન તથા ડેવલપમેન્ટ  કરી રહી છે.આ વર્ષના  પ્રારંભમાં જ દક્ષિણ ભારતની ત્રણ કંપનીઓને ૩૧ જાસૂસી ઉપગ્રહ બનાવવાની કામગીરી સોંપાઈ છે. 

ખાનગી કંપનીઓએ છેલ્લાં સાતેક વર્ષમાં જે ઝડપે શસ્ત્ર ઉત્પાદન શરૂ કર્યું છે તેના કારણે  ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં હરણફાળ ભરી છે.એટલું જ નહીં, વિદેશથી હથિયારો આયાત કરવાના ખર્ચમાં  ઘણો ઘટાડો થયો છે.પૂર્વે ૪૬ ટકા શસ્ત્રો આયાત થતા હતા,તે ઘટીને હવે ૩૬ ટકા થઈ ગયા છે.આવતાં પાંચ વર્ષમાં આ ટકાવારી હજુ ઘટશે. ઓપરેશન સિંદૂરને પ્રતાપે પાકિસ્તાનના ધંધા-ઉદ્યોગ ઠપ થઈ ગયા છે,જ્યારે ઘરઆંગણે ભારતમાં ડિફેન્સ સેક્ટરનું કામકાજ ખૂબ વધી ગયું છે.અવનવા વેપન્સ વિકસાવવાની દિશામાં પણ ભારત હવે આગળ નીકળી જશે એમ લાગે છે.

- ભાલચંદ્ર જાની

 

Related News

Icon