
ICC Test Ranking: ICC એ બેટ્સમેનની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈગ્લેન્ડના ટોપ ઓર્ડરના 3 ક્રિકેટરોને ઘણો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ આ વખતે ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) માં વિશ્વમાં નંબર-1 બની ગયો છે.
ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના ટોપ 5 બેટ્સમેન
ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ 888 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગની આ યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે હેરી બ્રુક 873 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન (867) ત્રીજા નંબર પર, યશસ્વી જયસ્વાલ (847) ચોથા નંબર પર અને સ્ટીવ સ્મિથ (823) પાંચમા નંબર પર છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી (124), બેન ડકેટ (140) અને ઓલી પોપ (171) એ શાનદાર સદીઓ ફટકારી હતી, જેનો તેમને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.
ક્રોલી-ડકેટ અને પોપને ફાયદો
ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ બાદ બેન ડકેટને બે સ્થાનનો ફાયદો થયો હતો. તે હાલમાં 13મા સ્થાને છે. જ્યારે ઓલી પોપ 6 સ્થાન ઉપર ચઢીને 22મા સ્થાને અને જેક ક્રોલી આઠ સ્થાન ઉપર ચઢીને 33મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ સાથે તેના નવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027 અભિયાનની શરૂઆત કરશે.