ટીમ ઈન્ડિયા 2025માં ઓક્ટોબરના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તે યજમાન ટીમ સામે 3 ODI અને 3 T20I મેચની સિરીઝ રમશે. આ પ્રવાસ માટે હજુ 4 મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેચની ટિકિટો વેચવાનું શરૂ કરી દીધું છે, જેમાં 2 મેચની બધી ટિકિટો પણ વેચાઈ ગઈ છે, જેનું સૌથી મોટું કારણ ટીમ ઈન્ડિયાના 2 દિગ્ગજ ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતે તેના સત્તાવાર નિવેદનમાં આ 2 મેચની ટિકિટો વેચાઈ ગઈ હોવાની માહિતી આપી હતી, જેને જોઈને તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સિરીઝની બાકીની મેચની પણ 90 ટકાથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે.

