
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર પણ આમને-સામને આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ નથી રમાતી, પરંતુ આ બંને ટીમો ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં ટકરાય છે. તે સમય દરમિયાન ઉત્સાહ ચરમસીમાએ હોય છે, હવે શક્ય છે કે ભારત અને પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટમાં પણ એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. જોકે હજુ સુધી તેના વિશે કોઈ સમાચાર બહાર નથી આવ્યા, પરંતુ પહેલગામ હુમલા પછી આ એક મોટું અપડેટ છે.
શું BCCI એ ICCને પત્ર લખ્યો?
એવું જાણવા મળ્યું છે કે BCCI એ ICCને પત્ર લખીને વિનંતી કરી છે કે ભારત અને પાકિસ્તાનને કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં ન રાખવા જોઈએ. BCCIના અધિકારીએ જણાવ્યું કે જો આવું થશે તો તે તેમના માટે નવી વાત હશે. જોકે, આ બધી અટકળોમાં કેટલી સત્યતા છે તે હજુ સુધી બહાર નથી આવ્યું. BCCIના સચિવ રાજીવ શુક્લા પહેલાથી જ કહી ચૂક્યા છે કે આ સમગ્ર મામલે સરકારનું વલણ જે હોય, બોર્ડ તે મુજબ કામ કરશે.
આવતા વર્ષે ભારતમાં T20 વર્લ્ડ કપનું આયોજન થશે
દરમિયાન, હાલમાં કોઈ ICC ટૂર્નામેન્ટનું આયોજન નથી, પરંતુ આવતા વર્ષે T20 વર્લ્ડ કપ યોજાશે, જેનું આયોજન ભારત કરશે. આ વર્ષના અંતમાં મહિલા વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, તેનું આયોજન ભારતમાં થવાનું છે. ભારત પહેલાથી જ યજમાન તરીકે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે પાકિસ્તાન પણ ક્વોલિફાય થઈ ગયું છે. જોકે, મહિલા વર્લ્ડ કપમાં કોઈ ગ્રુપ નથી. આમાં, બધી ટીમોએ એકબીજા સામે રમવાનું હોય છે અને ટોપ ચાર ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરે છે. પાકિસ્તાનની ટીમ તેની મેચ ક્યાં રમશે તે હજુ નક્કી નથી થયું.
આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન થવાનું છે
આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ યોજાવાનો છે, આ ટૂર્નામેન્ટ આ વર્ષે ભારતમાં યોજાવાની છે. જોકે, આ પણ ન્યુટ્રલ સ્થળે થવાની શક્યતા વધારે છે. જોકે, તેનું શેડ્યૂલ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે આ ટૂર્નામેન્ટ શ્રીલંકા અથવા દુબઈમાં આયોજિત થઈ શકે છે. આ ટૂર્નામેન્ટમાં હ્રૂપ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ રહેશે કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે કે નહીં. અગાઉ, વર્ષ 2023માં યોજાયેલા એશિયા કપમાં, ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા અને બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી.
એશિયા કપના ભવિષ્ય પર સંકટના વાદળો
એશિયા કપનું શેડ્યૂલ હજુ સુધી જાહેર નથી થયું અને તેના માટે હજુ ઘણો સમય બાકી છે. એવું માનવામાં આવે છે કે મે મહિનાની શરૂઆતમાં શેડ્યૂલ જાહેર થઈ શકે છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવના આધારે ટૂર્નામેન્ટનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. જો તણાવ ઓછો ન થાય તો આ ટૂર્નામેન્ટ રદ્દ પણ થઈ શકે છે. ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.