અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઉડ્ડયન મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન દુર્ઘટના સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યુ કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના 1.40 વાગ્યે બની હતી. જ્યારે આગ પર સાંજે 6 વાગ્યે કાબુ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટના એરપોર્ટથી 2 કિલોમીટરના અંતર પર બની હતી. વિમાનનું બ્લેકબોક્સ મળી ગયુ છે અને તેની તપાસ ચાલી રહી છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે.મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ઉડાન ભરતાની 30 સેકન્ડની અંદર જ ક્રેશ થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં મૃતકઆંક 275 થયો છે જેમાં વિમાન મુસાફરો સિવાય અન્ય લોકો પણ સામેલ હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી દેશ સ્તબ્ધ- નાગરિક ઉડ્ડયન મંત્રી
અમદાવાદ વિમાન દુર્ઘટના પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું, "છેલ્લા બે દિવસ ઘણા મુશ્કેલભર્યા રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પાસે બનેલી દુર્ઘટનાથી દેશ સ્તબ્ધ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે...હું વ્યક્તિગત રીતે ઘટનાસ્થળ પર ગયો હતો જેથી જોઇ શકુ કે શું કરવું જોઇએ, શું મદદ કરવી જોઇએ અને આ ગુજરાત સરકારનું વલણ હતું. ભારત સરકાર અને મંત્રાલયના અન્ય લોકોનું પણ આ જ વલણ હતું. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો અમે જોયું કે તમામ સંબંધિત વિભાગોની ટીમ જમીન પર કામ કરતી હતી જે પણ શક્ય હોય બચાવ કરવાનો પ્રયાસ કરતી હતી. આગને ઓછી કરીને કાટમાળને હટાવવાનો પ્રયાસ કરતી હતી જેથી શબોને જલદી હોસ્પિટલ મોકલી શકાય. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોને તરત જ સક્રિય કરવલામાં આવી જે વિશેષ રીતે વિમાનોની આસપાસ થતી ઘટનાઓ, દુર્ઘટનાની તપાસ કરવા માટે બનાવવામાં આવી હતી. AAIBના માધ્યમથી થઇ રહી ટેકનિકલ તપાસથી એક મહત્ત્વપૂર્ણ અપડેટ કાલ સાંજે 5 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળ પરથી મળેલ બ્લેકબોક્સ છે. AAIBની ટીમનું માનવું છે કે બ્લેક બોક્સની ડિકોડિંગ જાણકારી આપશે કે દુર્ઘટનાની પ્રક્રિયા દરમિયાન અથવા દુર્ઘટના પહેલાની ક્ષણોમાં શું થયું હતું. અમે આ વાતની રાહ જોઇ રહ્યાં છીએ અને તપાસ બાદ પરિણામ સામે આવશે."
650 ફૂટની ઊંચાઇએ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું- ઉડ્ડયન મંત્રાલય સચિવ
ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમર કુમાર સિન્હાએ જણાવ્યુ કે આ વિમાને બપોરે 1.39 વાગ્યે ટેકઓફ કર્યું હતું અને થોડી સેકન્ડમાં જ 650 ફૂટની ઊંચાઇ પર પહોંચીને ઊંચાઇ ગુમાવવા લાગ્યું હતું. 1.39 વાગ્યે પાયલોટે ATCને મેડેની સૂચના આપી હતી. જ્યારે ATCએ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો કોઇ જવાબ મળ્યો નહતો. એક મિનિટ બાદ એરપોર્ટ સાથે જોડાયેલા મેઘાણીનગરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાને કારણે રન વેને 2.30 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો અને તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ 5 વાગ્યે રન વેને ખોલવામાં આવ્યો હતો. ત્રણ-સાડા ત્રણ વાગ્યાની આસપાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ટીમ અને મંત્રી કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને 6 વાગ્યાની આસપાસ પુરી ટીમ અને તમામ અધિકારી ઘટનાસ્થળે હાજર હતા.
પાયલોટે ATCને મોકલ્યો હતો મેસેજ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે પહેલા જ વિમાનમાં ટેકનિકલ ખામીની આશંકા વ્યક્ત કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને મોકલવામાં આવેલા મેસેજમાં સીનિયર પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલનો અવાજ સંભળાય છે જેમાં તે કહે છે, 'મે ડે...મે ડે...મે ડે...નો પાવર...નો થ્રસ્ટ...ગોઇંગ ડાઉન...'આ મેસેજ માત્ર 5 સેકન્ડનો હતો.