'ધ લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ' (LUCC) કંપની પર રોકાણના કરોડો રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ લાગ્યો છે. લોકોને રકમ બમણી કરવા તેમજ અન્ય બચત યોજનાઓમાં વધુ લાભની લાલચ આપવામાં આવી હતી. રૂપિયા પરત માંગવા પર કંપનીના લોકો તાળું મારીને ફરાર થઈ ગયા હતા. પીડિતોના જણાવ્યા અનુસાર, કંપની જણાવતી હતી કે, એક્ટર શ્રેયસ તલપડે અને આલોક નાથ પણ તેમની સાથે જોડાયા છે. પોલીસે શ્રેયસ તલપડે અને કંપનીના ચેરમેન સમીર અગ્રવાલ સહિત 15 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તપાસ દરમિયાન શ્રેયસ તલપડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેણે ફોન ન ઉઠાવ્યો. જ્યારે કંપનીના લોકોનો ફોન સ્વિચ ઓફ છે.

