
રાણા સાંગા અંગે નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર કરણી સેનાએ આક્રમક હુમલો કરી દીધો. કરણી સેનાના કાર્યકરો યુપીના આગરામાં રામજીલાલ સુમનના નિવાસે ત્રાટક્યા હતા અને આ દરમિયાન તેમની પોલીસ સાથે પણ માથાકૂટ થઇ ગઇ હતી. જેમાં એક પોલીસ ઈન્સપેક્ટર ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.
કરણી સેનાના અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી
આ ઘટનામાં કરણી સેનાના અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી છે. માહોલ તણાવપૂર્ણ બની ગયું છે. ખરેખર સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી આક્રોશિત કરણી સેનાના હજારો કાર્યકરો બુધવારે બપોરે એત્માદપુરના કુબેરપુરમાં આવેલા સાંસદના નિવાસે ધસી આવ્યા હતા.
પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ
આ દરમિયાન ત્યાં મોટાપાયે સુરક્ષાદળોની તહેનાતી પહેલાથી જ કરી દેવામાં આવી હતી. જ્યારે કરણી સેનાની ભીડે ઘરમાં ઘૂસવા પ્રયાસ કર્યો તો પોલીસ સાથે દલીલો થવા લાગી. થોડાક જ સમયમાં આ દલીલો અથડામણમાં ફેરવાઈ ગઈ જેના પછી પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઇ હતી.
https://twitter.com/ANI/status/1904819835751850255
રામજી લાલ સુમને રાણા સાંગા પર કયું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું?
સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ રામજી લાલ સુમને 21 માર્ચે મેવાડના શાસક રાણા સાંગા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રામજી લાલ સુમને રાણા સાંગાને 'દેશદ્રોહી' કહ્યા હતા. ત્યારથી રામજી લાલ સુમનનો વિરોધ થઈ રહ્યો છે. રામજી લાલ સુમનના નિવેદન સામે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ઘણા નેતાઓ અને સંગઠનોએ સખત વાંધો ઉઠાવ્યો હતો.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ કરણી સેનાના સભ્યોએ સપા રાજ્ય કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ સાથે કરણી સેનાએ રામજી લાલ સુમન સામે ઈનામની પણ જાહેરાત કરી હતી. કરણી સેનાએ જાહેરાત કરી હતી કે સાંસદ રામજી લાલ સુમનનો ચહેરો કાળો કરનાર અને તેમને જૂતા મારનાર વ્યક્તિને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
બાબર રાણા સાંગાના આમંત્રણ પર ભારત આવ્યા હતા
રાજ્યસભામાં આપેલા પોતાના નિવેદનમાં સાંસદ રામજી લાલ સુમને કહ્યું હતું કે, 'બાબર રાણા સાંગાના આમંત્રણ પર ભારત આવ્યા હતા.' આ એક ઐતિહાસિક હકીકત છે. મારો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. દર વખતે એવું કહેવામાં આવે છે કે બાબર ભારતીય મુસ્લિમોના ડીએનએમાં છે. ભારતના મુસ્લિમો મુહમ્મદ સાહેબ (પયગંબર મુહમ્મદ) ને પોતાના આદર્શ માને છે અને સૂફી પરંપરાનું પાલન કરે છે. મારો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી.