
- હોટલાઈન
ગઈ ૨૨ જૂને અમેરિકાએ ઈરાનના અણુમથકો પર બંકર બસ્ટર બોમ્બથી પ્રચંડ હુમલો કર્યો તે પૂર્વે ઈરાનને પણ ગુંચવી નાખવા ટ્રમ્પે ખરો ખેલ કર્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે પરમાણુ મથકો અંગેની વાટાઘાટ કરવા બે સપ્તાહનો સમય આપ્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે ઈરાન- સરકારન એવું ઠસાવ્યું હતું કે બે સપ્તાહ પછી અમેરિકા ઈરાન પર હુમલો કરવા અંગે નિર્ણય કરશે. આવી વાતો પર વિશ્વાસ કરીને ઈરાનને હાંસકારો થયો કે ચાલો પંદર દિવસની મુદ્દત તો મળી ગઈ. પરંતુ ટ્રમ્પે તો બોલેલું ફેરવી તોળી બે જ દિવસમાં ઈરાન પર જબરદસ્ત હુમલો કર્યો હતો.
હુમલો કર્યો એ પણ ઈરાનને ઉલ્લુ બનાવીને. એટેકની રાતે સાત બી-૨ બોમ્બર્સ વિમાન બે-બેની જોડીમાં મિસુરી એરપોર્ટ પરથી ઉડયાં. પણ તે પૂર્વે કેટલાંક વિમાન એટલાન્ટિક સમુદ્ર પર થોડા અંતર સુધી ઊડીને પાછા તેમના બેઝ પર ઉતરી ગયા. જેથી અમેરિકાનો અસલી ઈરાદો શું હતો એ ઈરાન કળી જ ન શક્યું.
યુદ્ધ સમયે આ પ્રકારની મેલી રમત, છળકપટ, જુઠાણાનો આશરો લેવો એ કંઈ નવી વાત નથી. છેક મહાભારત કાળથી યુદ્ધે ચડેલી સેના આવા ગપગોળા છોડીને કે ખોટો પ્રચાર કરીને જંગ જીતી જવાની પેંતરાબાજી કરતી હોય છે.
મહાભારતના યુદ્ધ વખતે સત્યવાદી ધર્મરાજ યુધિષ્ઠિરે પણ જુઠાણાનો આશરો લીધો હતો. પરંતુ જરા જુદી રીતે. કૌરવ-પાંડવો વચ્ચેના ભીષણ યુદ્ધમાં એક સમયે કૌરવસેનાનો હાથ ઊંચો હતો. તેમના સેનાપતિ દ્રૌણાચાર્યના દરેક હુમલાથી પાંડવો ચિત્ત થઈ ગયા હતા. ત્યારે દ્રોણને ઠંડા પાડવા, હતોત્સાહ કરવા યુધિષ્ઠિરે એક ચાલ રમી. અશ્વત્થામા નામનો એક હાથી ભીમની ભારે ગદાના પ્રહારથી મરાયો ત્યારે યુધિષ્ઠિરે પોતાનો રથ દ્રોણાચાર્યના રથ નજીક લઈને એવો સાદ દીધો કે 'અશ્વત્થામા મરાયો' પછી ખૂબ ધીરા અવાજે કહ્યું 'નરોવા કુંજરોવા'(અર્થાત્ અશ્વત્થામા મરાયો છે પણ એ નર છે કે હાથી તે નથી ખબર). દ્રોણાચાર્યને યુદ્ધને કોલાહલમાં માત્ર એટલું જ સંભળાયું કે અશ્વત્થામા મરાયો તેથી તેમણે પુત્રના મૃત્યુથી આઘાત પામતા હથિયાર હેઠા મૂકી દીધા. તેથી કૌરવસેનાનું જોર ધીમું પડી ગયું.
વર્ષો પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે લડતી વખતે અમેરિકાને પણ તેમની તિકડમબાજી બહુ નડી હતી. આશરે દોઢ મહિના સુધી અમેરિકા સહિત બહુરાષ્ટ્રીય સેનાએ પ્રચંડ બોમ્બમારો કર્યાં છતાં તાલિબાનની તાકાત તૂટી નહોતી.
ખુદ અમેરિકી મિલિટરી કમાન્ડરોએ પણ કબૂલ્યું છે કે અમે જે પ્રચંડ લશ્કરી તાકાત કામે લગાડી છે એની સામે શત્રુને પૂરતો ડામી શકાયો નથી. આનું કારણ શું?
અમેરિકન સંરક્ષણ મંત્રાલયના નિષ્ણાતોનો જવાબ હતો કે અફઘાનિસ્તાનમાં અમેરિકા સામે ઝીંક ઝીલી રહેલા તાલિબાનો જમાનો જૂની છેતરપીંડીની રમત રમી રહ્યા હતા. કહે છે કે પ્રેમ અને યુદ્ધમાં દરેક રીતરસમ યોગ્ય ગણાય. લડાઈમાં કશું ખોટું, અનીતિભર્યું હોય જ નહીં.
ભૂતકાળમાં અમેરિકાએ ઈરાકમાં સદ્દામ હુસેનના દળો સામે યુદ્ધ છેડયું ત્યારે ડગલે ને પગલે ડિસેપ્શનની ટેક્નિકનો પરચો મળેલો. સર્બિયામાં પણ અમેરિકન સૈન્યને યુદ્ધમાં આચરવામાં આવતી છેતરપીંડીનો કડવો અનુભવો થયેલો એ જ રીતે તાલિબાન પોતાની ગાંવઠી રીતરસમ અજમાવી અમેરિકન બોમ્બર વિમાનોને છેતરતાં રહ્યાં . આ ડિસેપ્શન ટેક્નિક એટલે ખોટાં, બનાવટી લક્ષ્યાંક ઊભા કરી શત્રુને લલચાવવાનો માયાવી ખેલ. સરળ ભાષામાં કહેવું હોય તો શત્રુ દ્વારા પોતાના સાચા લશ્કરી શસ્ત્ર સરંજામ અને મિલિટરી થાણાને બચાવી લઈ બનાવટી શસ્ત્રોના દેખાડાને ડિસેપ્શન કહે છે. ઊંચે આકાશમાં ધસી આવતા બોમ્બર વિમાન જમીન પર જે ચીજને ટેન્ક, તોપ કે મિલિટરી મથક સમજીને બોમ્બ ઝીંકે એ ચીજ વાસ્તવમાં પુઠાંની તકલાદી નકલ જ હોય તો હુમલાખોરના બોમ્બ તો વ્યર્થ જ જાય ને!
૮૦ ના દાયકામાં ગલ્ફ વોર ચાલતી હતી ત્યારે અમેરિકા કે બ્રિટનના પાયલટો બોમ્બાર્ડીંગ તો બરાબર કરતા હતા, બોમ્બ પણ ધાર્યા નિશાન પર પડતો હતો પરંતુ એ તાકેલું નિશાન સાચી ટેન્ક, તોપ કે વિમાન નહીં, બલ્કે પુઠાં કે પ્લાસ્ટિકના બનાવટી મોડેલ હતા. યુદ્ધમાં દુશ્મનને છેતરીને તેની ગણતરી ખોટી પાડવા આવી તરકીબ વપરાય તેને ડિકોય અથવા ડિસેપ્શનની ટેક્નીક કહે છે. અમેરિકાના ભીષણ બોમ્બમારા સામે ટકી શકાય તે માટેના અભેદ્ય બંકરો પણ આ ડિસેપ્શન ટેક્નિકના ભાગરૂપે જ તૈયાર કરાયા હશે. અખાતી યુદ્ધમાં સદ્દામ હુસૈન પણ આ જ ટેક્નિક વાપરીને અમેરિકાને વધુ છંછેડયું હતું. ગલ્ફવોર શરૂ થઈ તેના થોડા દિવસોમાં જ અમેરિકાએ ૮૦ ઈરાકી પ્લેન અને જે ૨૦૦ ટેન્કો તોડી પાડયાનો દાવો કર્યો હતો એમાંના ઘણા ખરાં બનાવટી મોડેલ હતા. તત્કાલીન અમેરિકન જનરલ કોલિન પોવેલે પણ કાન પકડયા કે ઈરાક આપણને આબાદ છેતરી ગયું. ખરેખર ડિસેપ્શનની કળામાં સદ્દામ હુસેન બહુ પારંગત હતા.
યુદ્ધના આયોજન રૂપે બે વર્ષ પૂર્વે જ સદ્દામ હુસેને ઈટાલી અને ફ્રાન્સ પાસેથી મોટી સંખ્યામાં રબર પ્લાસ્ટિકની હવા ભરાવીને ફુલાવી શકાય તેવી ટેન્કો તથા પ્લાસ્ટિકના વિમાનો આયાત કર્યા હતા. ઈટાલીના કે.જી.વી. વિગ્નાલે દૂરથી આબેહૂમ મિલિટરી શસ્ત્ર સરંજામ અને લશ્કરી વાહનો, તોપો જેવા જ દેખાય તેવા ડિકૉય-ડમી બનાવવામાં પારંગત છે. તો ફ્રાન્સની લાન્સેલીન કંપની ઈરાક વાપરે છે. તેવી રશિયન બનાવટની ટી- ૭૨ ટેન્કની ફુલાવી શકાય તેવા રબર પ્લાસ્ટિકના મોડેલ બનાવે છે. અસલી ટી-૭૨ ટેન્ક બે લાખ ડૉલરમાં પડે જ્યારે આ ટૅન્કની ડમી નમૂનો ખરીદવા સદામ હુસેને ફ્રાન્સને ૪૦,૦૦૦ ડોલર ચૂકવ્યા હતા.
દુશ્મનને ઊલ્લુ બનાવવાની આ પધ્ધતિ ઈરાક રશિયા પાસેથી શીખ્યું છે. બીજા વિશ્વયુધ્ધમાં રશિયાએ આવા ડમી વાપરીને જર્મન સૈનિકોને આબાદ છેતર્યા હતા. આપેલી ડેડલાઈન પૂરી થાય અને અમેરિકા આક્રમણ શરૂ કરે તે પહેલાં જ ઈરાકી સેનાએ વિવિધ લશ્કરી થાણા નજીક આવી બનાવટી ટેન્કો અને તોપો ગોઠવી દીધી હતી. કેટલાંક ઠેકાણે તો પ્લાયવુડની તકલાદી ટેન્ક ઉપર એલ્યુમિનિયમ ફોઈલનું આવરણ ચઢાવી દીધું હતું જેથી ઊંચે આકાશમાં ચીલઝડપે ઊડી જતાં ફાઈટર વિમાનના પાયલટને રડાર દ્વારા ચંદા પર જમીન પરની બનાવટી ટેન્કની પ્રતિકૃતિ જોવા મળે. પણ આ ટેન્ક નકલી છે તેની ખબર ન પડે. પાઈલટ આ ટેન્કનું લેસર ગાઈડેડ સિસ્ટમથી નિશાન તાકીને બૉમ્બ ઝીકીને ખુશ થાય કે હાશ, ચાલો સદ્દામની એક ટેન્ક તો તોડી. તેનો ભ્રમ બહુ જલ્દી ભાંગીને ભુક્કો ન થાય એટલા માટે સદ્દામ હુસેને ઓર એક ચાલાકી વાપરી હતી. દરેક બનાવટી ટેન્કો અને તોપોની અંદર પેટ્રોલ ભરેલા પીપ ગોઠવેલાં હતાં. જેથી બૉમ્બ વિસ્ફોટમાં જબ્બર ધડાકા સાથે એ સળગી ઉઠે, ધુમાડો થાય બોમ્બર પ્લેનનો પાઈલટ આ જોઈને એમ સમજે કે તેનું નિશાન પાર પડયું છે.
અમેરિકાના હાઈટેક બૉમ્બર ફાઈટર વિમાનો જોકે એવી ઈન્ફ્રારેડ સિસ્ટમ ધરાવે છે જે જમીન પર લક્ષ્યાંકનું બરાબર સ્ક્રિનિંગ કરીને કહી શકે કે આ વસ્તુ અસલી છે કે પછી રબર પ્લાસ્ટિક અથવા પ્લાયવુડની. પરંતુ વીજળી વેગે ધસી આવતાં વિમાનોએ ઈરાકની એન્ટી એરક્રાફ્ટ ગનથી બચતા રહીને ઝડપથી બૉમ્બ ફેંકી ભાગી જવાનું હોય. એવી ઝપાઝપીમાં જમીન પરના દરેક લક્ષ્યાંકનું ઈન્ફ્રારેડ સ્કેનિંગ કરવાનો સમય નથી રહેતો. નરી આંખે સ્પષ્ટ દેખાતા હોય તેવાં નિશાન પર વધુ વિચાર્યા વગર જ સાથી રાષ્ટ્રોના પાઈલટો બૉમ્બ ઝીંકતા હતા.
દુશ્મનોને છેતરવાની સદ્દામ હુસેનની ડિસેપ્શન કળા આટલેથી અટકી નહોતી. રિયાધ અને તેલઅવીવ પર વારંવાર ઈરાકી સ્કડ મિઝાઈલોનાં હુમલા અટકાવવા અમેરિકા અને બ્રિટનના પાયલટો ઈરાકના વિવિધ મિઝાઈલ લૉન્ચરનાં ઠેકાણા પર ઉડાણ ભરતા હતા. અને જેવા ઈરાકના મોબાઈલ સ્કડ મિઝાઈલ લૉન્ચર દેખાય કે તેને બૉમ્બ ફેંકીને અથવા એર ટુ સરફેસ મિઝાઈલ દાગીને ઉડાવી દેતાં હતાં. આમ છતાં સ્કડ મિઝાઈલના હુમલા તો ચાલુ જ રહ્યાં, રહે જ ને કારણ કે પાયલટોએ જે સ્કડ લૉન્ચર તોડી પાડયા હતાં. તેના મહદ અંશે તો ડમી હતી. ઈરાકી ઈજનેરોએ અનેક ઠેકાણે જમીન પર ગટરનાં જૂના પાઈપો તથા નકામી થઈ ગયેલી ટ્રકોને મિઝાઈલ લૉન્ચરનું સ્વરૂપ આપી ખડી કરી દીધી હતી.
૨૦૧૯માં બાલાકોટમાં આતંકવાદીઓના અડ્ડા પર હુમલો કરવાનો હતો ત્યારે આપણી વાયુસેનાએ પણ એક ચાલ ચાલી હતી. આપણા સેના અધિકારીઓ જાણતા હતા કે દેશનાં લગભગ તમામ એરબેઝ પર આઈએસઆઈના જાસૂસો ઓછે-વત્તે અંશે સક્રિય છે તેથી મિરાજ વિમાનોને સરહદ નજીકના એરબેઝ પરથી ઊડાડવાના બદલે છેક ગ્વાલિયર એરબેઝથી રવાના કરાયા. આગ્રામાં આ વિમાનોનું રીફ્યુલિંગ થયું અને ત્યાંથી લાંબુ ચક્કર મારી આ વિમાનો હુમલો લઈ ગયેલા ચાર સુખોઈ ફાઈટર પ્લેનને હવાઈ સંરક્ષણ પુરુ પાડવા મુઝફરાબાદના આકાશમાં ધસી ગયા. પાકિસ્તાનને આ ભારતીય ફાઈટરોના આગમનની જાણ થઈ પરંતુ થોડી સેકન્ડમાં ભારતની ફાઈટર પ્લેનોની ફોર્મેશન જોઈને હતપ્રભ થઈ ગયા.
યુદ્ધમાં શત્રુને ફસાવવા, તેની ચાલ અવળી પડે તે હેતુથી યુક્તિપ્રયુક્તિઓ યોજવી અને પ્રપંચ ખેલવા એ કંઈ આજકાલની નવી પદ્ધતિ નથી. ચીની યોદ્ધા શુનત્ઝુએ ૨૩૦૦ વર્ષ પહેલાં 'યુદ્ધની કળા' નામનું પુસ્તક લખ્યું તેમાં પણ દુશ્મનને ખોટા પ્રલોભનો આપી. તેને મહાત કરવાની કળાનું વિવરણ કર્યું છે. ઈસવીસને પૂર્વે બારમી સદીમાં ગ્રીક લશ્કરે ટ્રોય પર કબ્જો મેળવવા તોતિંગ લાકડાનો અશ્વ (ટ્રોજન હોર્સ) દ્વારા શત્રુને છેતર્યા હતા. રૂપરૂપનાં અંબાર સમી ટ્રોયની રાજકુમારી હેલનને ભેટ રૂપે પાઠવેલા આ અશ્વને ટ્રોયના સૈનિકોએ પૂરા સન્માન સાથે સરહદની અંદર પ્રવેશવા દીધો અને હેલનનાં લગ્ન માટે જ્યાં સ્વયંવર રચાયો હતો. એ સ્ટેડિયમ સુધી ઘોડાને વળાવી આવ્યા. પછી તો મોકો જોઈને ઘોડાના પેટ નીચે ગોઠવેલી કળ દબાવી ગ્રીક સૈનિકોનાં ધાડે ધાડા બહાર નીકળ્યા અને ટ્રોયનો રાજવી કશું સમજે વિચારે તે પહેલાં તો તેઓ હેલનને ઉઠાવીને ગ્રીક લઈ ગયા હતા.
જંગે ચઢેલો કોઈપણ પક્ષ માનવતાના બધા ધોરણ નેવે મૂકીને બહુ ઘાતકીપણું ન આચરે માટે ૧૯૪૯માં ઘડાયેવા જીનિવા કરાર હેઠળ કેટલીક ખંધી યુદ્ધ નીતિ પર પ્રતિબંધ મૂકાયો છે. છતાં આ કરારની ૩૭મી કલમ આંતરરાષ્ટ્રીય સમજૂતીના પરિઘમાં હોય તેવી લડાઈમાં દુશ્મનને છેતરવાની, છટકું ગોઠવી તેમાં ફસાવવાની નીતિને માન્ય રાખે છે.
જોકે આ જ કલમ ખુલ્લેઆમ દગાબાજી કરવા પર મનાઈ ફરમાવે છે. જેમકે શત્રુસૈનિક શરણે થયા પછી તેની હત્યા ન થઈ શકે એવી જ રીતે સંધિ કરવાના બહાનાસર શત્રુ પાસે શસ્ત્ર હેઠા મૂકાવ્યા પછી તેની પર હુમલો કરી શકાય નહીં.
જોકે જિનિવા કરાર એકદમ સ્પષ્ટ હોવા છતાં કેટલાંક દેશો જાણી કરીને પોતાનો સ્વાર્થ સાંધવા નિયમોનો ભંગ કરે છે. જેમકે ૧૯૮૫માં લેબોનોનના કમાન્ડોએ એક લોહિયાળ જંગમાં બરાબર સપડાઈ ગયા પછી ઉગરી જવા માટે રેડ ક્રોસના ચિહ્નવાળા વાહનો વાપર્યા હતાં. એટલું જ નહીં, આ વાહનોમાં નાસી જતી વખતે તેમણે દુશ્મનના દળો પર બેફામ ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટના પછી રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ લેબેનોન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
બીજા વિશ્વ યુદ્ધ વખતે ફ્રાન્સના આરડેન્સ પ્રાંતમાં યુદ્ધને વધુ આક્રમક બનાવતી વખતે હીટલરનાં જર્મન સૈન્ય મિત્ર દેશોની સેના સાથે બહુ ભારે દગો કર્યો હતો. આરડેન્સ પાસે પડાવ નાંખીને બેઠેલી બ્રિટન અને ફ્રાન્સની સેનાની પાછળ જર્મન સૈનિકો અમેરિકન સોલ્જરનો યુનિફોર્મ પહેરીને પેરાશ્યુટ મારફત નીચે ઉતર્યા હતાં. અમેરિકા તે વખતે બ્રિટન અને ફ્રાંસના પક્ષે જ હતું એટલે વધારાની કુમક આવી છે એવું માની બ્રિટિશ સૈનિકો ખુશ થતા હતા ત્યારે જમીન પર ઉતર્યા પછી જર્મની છત્રીસૈનિકોએ તેમની પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો.
પાછળથી અમેરિકન સૈનિકોએ પોતાના ગણવેશ પહેરેલા જર્મન સિપાઈઓને પકડીને તેમને જેલની સજા ફટકારી હતી અને યુદ્ધ પૂરું થયા પથી જ તેમને મુક્ત કર્યાં હતાં.
ડિસેપ્શનનું સૌથી મોટું ઉદાહરણ છે બીજા વિશ્વયુદ્ધ વખતનું ઓપરેશન બોડીગાર્ડ. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના દળોએ એક સાથે જર્મન સૈન્ય પર આક્રમણ કરવા જે દિવસ નક્કી કર્યો હતો તે દિવસે ચોક્કસ કયા સ્થળેથી હુમલો શરૂ થશે એ બાબતે જર્મનીને આબાદ છેતરવામાં આવ્યું. ફ્રાંસના કયા દરિયાકાંઠે મિત્રરાજ્યોની બોટો ઉતરવાની છે તે જાણવા જર્મનીએ જાસૂસી વિમાનોને મોકલ્યા ત્યારે અમેરિકાએ સાદા પ્લાયવુડની બનેલી સેંકડો હોડીમાં રબરના પૂતળાં ગોઠવીને ફ્રાંસના દક્ષિણકાંઠે રવાના કરી. કેટલાંક ટ્રકમાં રેડિયો ટ્રાન્સ મિટર ગોઠવીને ખોટા સંદેશાની આપ-લે ચાલુ રાખી, જેથી આ વાતચીત સાંભળી લેનારા જર્મનો ગેરમાર્ગે દોરવાય. અને ખરેખર જર્મન લશ્કરી વડાઓ આ છટકામાં બરાબર ફસાયા. મોટી સંખ્યામાં બોટોનું આગમન અને ટ્રાન્સમિટર સંદેશા આંતરીને મેળવેલી માહિતી પ્રમાણે તેમણે માની લીધું કે મિત્રદેશોની સેના પાલ-ડક્લાઈસ વિસ્તારમાં મોરચા બંધી કરવાના છે. તેથી રાતોરાત જર્મનીએ ફ્રાન્સમાં એકત્ર કરેલી તેની તમામ ડિવિઝનોને આ વિસ્તારમાં ખસેડી. બીજી તરફ મિત્ર દેશોની સેનાએ નોર્મન્ડીનાં દરિયા કિનારે ઉતરાણ કરી એવો પ્રચંડ હુમલો કર્યો કે જર્મન સૈન્ય છક્કડ ખાઈ ગયું.
શત્રુને આ રીતે છેતરીને તેની ગણતરી ખોટી પાડવાની તેની તાકાત નબળી પાડવાની ડિસેપ્શનની પદ્ધતિમાં રશિયનો બહુ નિષ્ણાત છે. લડાઈની આ પ્રથાને તેઓ માલ્કીરોવકા કહે છે. ઈરાકી આર્મીના તમામ વરિષ્ઠ અધિકારીઓ રશિયામાં ઉચ્ચ લશ્કરી તાલીમ લઈ ચૂક્યા છે. ગલ્ફ યુદ્ધમાં બહુરાષ્ટ્રીયદળોને છેતરવા ઈરાકે વાપરેલી છેતરપિંડીની બધી રીતરસમો રશિયન ભેંજાની નિપજ હતી. કેટલાંક ઈરાકી એરપોર્ટ પર તો રિપબલ્કીન ગાર્ડના સિપાઈઓએ બનાવટી ક્રેટર પણ ગોઠવ્યા હતા. જેથી ઊંચે આકાશમાંથી જોતા પાયલટને એવું લાગે કે એરપોર્ટના રનવે પર બૉમ્બમારો થઈ ચુક્યો છે અને હવે નાહક બૉમ્બ ફેંકવાની જરૂર નથી.
બહુ રાષ્ટ્રીય દળોએ સદ્દામ હુસેન જેવી ખુલ્લેઆમ છેતરપીંડીથી શરૂ કરી નહોતી. પરંતુ યુદ્ધમાં વપરાતી આવી અનેક રિતરસમોમાં એક જાણીતી પધ્ધતિ છે મિસઈન્ફોર્મેશનની. પોતાના પ્રચાર માધ્યમ દ્વારા લશ્કરી તૈયારીઓ, સેના કમાન્ડરોએ ઘડેલા વ્યૂહ અને શસ્ત્રોની સંખ્યા તથા સૈન્યની તાકાત વિશે ખોટી માહિતી ફેલાવી દુશ્મનને થાપ ખવડાવવાની , ભળતાં નિર્ણય લેવાની ફરજ પાડવી એ પ્રથાને મિસઈન્ફર્મેશને કહે છે. અફઘાનિસ્તાનમાં પણ અમેરિકાએ તાલિબાનના લડવૈયાઓની હિંમત ભાગી નાંખવા અપપ્રચારનો વ્યૂહ અપનાવ્યો હતો. માલવાહક વિમાનમાંથી પખ્તુની અને અરેબિક ભાષામાં છાપેલા ચોપાનિયા જમીન પર નાખ્યાં હતાં. અને જુઠાણાનો પ્રચાર કર્યો હતો.
અમેરિકાએ યુદ્ધની શરૂઆતથી જ પોતાના લાભ માટે આ પધ્ધતિનો વારંવાર ઉપયોગ કર્યો છે. અફઘાન યુદ્ધ વખતે અમેરિકન કમાન્ડો અને ખુદ પ્રમુખ બુશ જાહેર નિવેદનો કરીને એવી છાપ પાડી હતી કે ભૂમિ યુદ્ધ ક્યારે શરૂ કરવું તે બાબતનો નિર્ણય લેવાયો નથી. જુદાં જુદાં મિલિટરી કમાન્ડરો મારફત વિવિધ નિવેદનો કરાવીને અમેરિકા તથા તેના સાથી દેશોના વડાએ આખું ચિત્ર એવું ધૂંધળું કરી નાખ્યું હતું કે તાલિબાનના કમાન્ડરો આક્રમણની ચોેક્કસ તારીખના અંદાજ લગાવી ન શકે.
સામા પક્ષે તાલિબાને અમેરિકનોને મુંઝવવા અપપ્રચારનો લાભ લીધો હતો. અમેરિકાના બોમ્બર વિમાનો સ્કુલ અને ઈસ્પિતાલો પર બોમ્બ ફેંકે છે. તેમ જ નિર્દોષ નાગરિકો હણાય છે. એવું દર્શાવતાં ટેલિવિઝન સમાચારો તાલિબાન જાણી જોેઈને વહેતા મુકાવતા હતા. જેથી બીજા દેશોના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય. ઓસામા બિન લાદેનના ચાર-પાંચ હમશકલને પણ છુટા ફરતા રખાયા કે જાસૂસી વિમાનોએ આકાશમાંથી ઝડપેલી તસવીરો જોઈને અમેરિકનો બિન લાદેનની સાચી સ્થિતિ વિશે મુંઝવણમાં રહે. પ્રારંભના દિવસોમાં બોમ્બમારો કરનારા અમેરિકિ ફાઈટર પ્લેનોના, પાઈલટોને પણ પાછળથી એક રહસ્ય સમજાયું કે પહાડોના કઢોળાવ પર તેમણે જે તોપો, ટ્રકો અને ટોયોટા જેવા વાહનોને નષ્ટ કર્યાં હતાં એ બધા વાસ્તવમાં ભંગાર જેવાં હતા.
છુપાછૂપીનો આ ખેલ કદી પૂરો થવાનો નથી. યુદ્ધભૂમિ પરની છેતરપીંડીનું સ્વરૂપ નિરંતર બદલાતું રહેશે. અને હવે તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સહારે ડિસેપ્શનની ટેકનિકને ખૂબ જ અસરકારક બનાવશે એમાં કોઈ શંકા નથી.
- ભાલચંદ્ર જાની