
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ વધારે ઘેરાઇ રહ્યું છે. ઇઝરાયેલે ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ ઇરાન પર સાઇબર એટેક કર્યો હતો. આ કારણે ઇરાનમાં કેટલાક કલાકો સુધી ઇન્ટરનેટ બંધ રહ્યુ હતું. હવે ઇરાને જડબાતોડ જવાબ આપતા ઇઝરાયેલના કેટલાક ઠેકાણાને નિશાન બનાવ્યા છે જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. ઇઝરાયેલના લોકો ઇરાનના હુમલાથી પરેશાન થઇ શેલ્ટર તરફ ભાગી રહ્યાં છે.
નેતન્યાહૂની ઇરાનને ધમકી
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનને ધમકી આપતા કહ્યું કે તેના તમામ પરમાણુ ઠેકાણાને નષ્ટ કરીશું. ઇરાનની અડધી મિસાઇલ લૉન્ચર પણ બરબાદ થઇ ગઇ છે. ઇઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે ઇરાનમાં શાસન પરિવર્તન અમારૂ લક્ષ્ય નથી પરંતુ આ સંઘર્ષનું પરિણામ હોઇ શકે છે.
ઇરાન પાસે પરમાણુ હથિયાર ના હોવા જોઇએ- US વિદેશ મંત્રી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે અમેરિકા અને બ્રિટન આ વાત પર સહમત છે કે ઇરાનને ક્યારેય પરમાણુ હથિયાર ના મળવા જોઇએ. રૂબિયોએ X પર પોસ્ટ કરતા કહ્યું, 'ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સંઘર્ષ પર ચર્ચા કરવા માટે યુકેના વિદેશ મંત્રી ડેવિડ લૈમી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુકે આ વાત પર સહમત છે કે ઇરાનને ક્યારેય પણ પરમાણુ હથિયાર ના મળવા જોઇએ.'
ઇરાને ઇઝરાયેલ પર કલસ્ટર મિસાઇલ છોડી
ઇઝરાયેલી સેનાએ જણાવ્યુ કે ઇરાને એક મિસાઇલ એવી છોડી છે જેમાં નાના નાના બોમ્બ (કલસ્ટર મિસાઇલ) હતી, જેનો ઇરાદો નાગરિકોને વધારે નુકસાન પહોંચાડવાનો હતો. આ યુદ્ધમાં કલસ્ટર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.
ઇરાનની મિસાઇલે બીરશેબામાં કર્યો હુમલો
ઇરાન અને ઇઝરાયેલ એક બીજા પર સતત હુમલા કરી રહ્યાં છ. ઇરાનની મિસાઇલે બીરશેબામાં હુમલો કર્યો હતો જેમાં ભારે નુકસાન થયું છે. જોકે, કોઇના ઘાયલ થવાના સમાચાર નથી.
હિજબુલ્લાહની ઇરાનનો સાથ આપવાની જાહેરાત
લેબેનોનના સંગઠન હિજબુલ્લાહે ઇરાનને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે.જેરૂસલેમ પોસ્ટ અનુસાર, હિજબુલ્લાહના ડેપ્યુટી લીડર શેખ નઇમ કાસિમે ઇઝરાયેલ અને અમેરિકા સાથે ઇરાનને સમર્થન આપવાનું વચન આપ્યું છે. ગુરૂવારે આપવામાં આવેલા ભાષણમાં કાસિમે ઇરાનના પરમાણુ કાર્યક્રમને શાંતિપૂર્ણ અને રાષ્ટ્રીય વિકાસનો ઉદ્દેશ્ય ગણાવ્યો હતો.
તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ
ઇરાનની ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે. એજન્સી અનુસાર, તેહરાનના મિડલ ઇર્સ્ટ અને વેસ્ટમાં એર ડિફેન્સ સિસ્ટમ સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે.
ઇરાનની આસપાસ ઇઝરાયેલના 60 ફાઇટર જેટ્સ પહોંચ્યા, ભીષણ બોમ્બમારાથી તેહરાન ભયભીત
ઇઝરાયેલી સેનાએ જાહેરાત કરી કે તેને ઇરાનના પાટનગર તેહરાનની અંદર રાતો રાત હવાઇ હુમલા કર્યા છે જેમાં કેટલાક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયેલના અધિકારીઓ અનુસાર આ ઓપરેશનમાં મિસાઇલ ઉત્પાદનમાં સામેલ કેટલાક ઔદ્યોગિક સુવિધાઓની સાથે સાથે આખા વિસ્તારમાં ડઝન સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વપૂર્ણ ટાર્ગેટમાં SPNDની ઓફિસ હતી જે ઇરાનની ડિફેન્સ ઈનોવેશન એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન છે, જેના પર ઈઝરાયલ આરોપ લગાવે છે કે તે દેશના ગુપ્ત પરમાણુ શસ્ત્રો કાર્યક્રમનું કેન્દ્ર છે.
તેલંગાણામાં વિરોધ, ઇરાન પર ઇઝરાયેલના હુમલાની લોકોએ નિંદા કરી
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના ગાચીબોવલીમાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસ પાસે વિસ્તારમાં તણાવ ઉભો થયો છે. કેટલાક ડાબેરીઓએ ઇરાન પર ઇઝરાયેલના હવાઇ હુમલાની નિંદા કરી છે અને પેલેસ્ટાઇન માટે મજબૂત સમર્થન વ્યક્ત કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ઇઝરાયેલની આક્રમકતાની નિંદા કરતા નારા લગાવ્યા હતા અને હિંસાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીનું આહવાન કર્યું હતું.