
ભારત સરકાર સાથે 150 કરોડની છેતરપિંડી, વિશ્ર્વાસઘાત તથા બોગસ સ્ટેમ્પ બનાવનાર ટોળકીને જામનગર પોલીસે ઝડપી પાડી છે. આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ 316(2), 316(5), 318(4), 336(2), 338, 341(1), 341(2), 341(3), 341(4), 61 કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બે શખ્સોની સુરત બોગસ હથિયાર લાયસન્સ પ્રકરણમાં પણ સંડોવણી બહાર આવી હતી. આરોપીઓ પોલીસને હાથતાળી આપી ફરાર હતા.
બોગસ પેઢીના નામે બીલીંગ કરવાના કૌભાંડનો પદાર્ફાશ થયો
એક આરોપી વિરૂધ્ધ 2015થી 2020 દરમિયાન ગુનો દાખલ થયો હતો. જ્યારે અન્ય એક સામે 2019માં અને 2025માં સુરતમાં ગુનો દાખલ થયો હતો. સાથે સાથે ત્રીજા આરોપી વિરૂધ્ધ 2014ની સાલમાં ગુનો દાખલ થયો હતો. આરોપીઓની પેઢીઓની તપાસ કરતાં બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર અને ડમી સીમકાર્ડ તથા બોગસ પેઢીના નામે બીલીંગ કરવાના કૌભાંડનો પદાર્ફાશ થયો હતો.
150 કરોડનું ટ્રાન્ઝેકશન અને 30 કરોડની કર ચોરી
ત્રણ મુખ્ય પેઢીઓમાં ટ્રાન્ઝેક્શન કરી અને 84 જેટલી પેઢીઓમાંથી સરકારની 30 કરોડની કર ચોરી આચરવામાં આવી હતી. અને કુલ 150 કરોડનું ટ્રાન્ઝેકશન આ પેઢીઓમાં કરવામાં આવ્યું હતું. બ્રાસના સ્ક્રેપના બોગસ બિલો બનાવી અને જીએસટીની ચોરી કરવામાં આવતી હતી. આ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા ત્રણેય આરોપીની સઘન પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.