Jamnagar news: જામનગરના ગુલાબ નગર રેલવે ઓવરબ્રિજ નીચેથી બુધવારે (14 મે) એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ બાદ તપાસ હાથ ધરતા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પોરબંદરથી વડોદરા જતી વખતે દિવ્યાંગના ડબ્બામાં ઘુસેલા બે શખસોએ રકઝક કર્યા બાદ દિવ્યાંગને ઊંચકીને નીચે ફેંકી દેતા તેને હેમરેજ થતાં મોત નિપજ્યું હતું. જોકે, આ વિશે મૃતકની સાથે મુસાફરી કરી રહેલા અન્ય દિવ્યાંગ યુવાનની ફરિયાદના આધારે બે શખસો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.

