
બેંકની નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. આવા ઉમેદવારો માટે બેંક ઓફ બરોડામાં ઓફિસર બનવાની સુવર્ણ તક છે. બેંક ઓફ બરોડાએ લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો BOBની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને 24 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
BOB એ લોકલ બેંક ઓફિસરની કુલ 2500 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ચાલો જાણીએ કે આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર પાસેથી કઈ લાયકાત માંગવામાં આવે છે અને પસંદગી કેવી રીતે કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ, જેમાં ઈન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) નો સમાવેશ થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), કોસ્ટ એકાઉન્ટન્ટ, એન્જિનિયરિંગ અને મેડિકલ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજદારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 3 વર્ષનો છૂટછાટ આપવામાં આવી છે.
અરજી ફી કેટલી છે?
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જયારે મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ કેટેગરીના અરજદારો માટે 175 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે. ફી ઓનલાઈન મોડમાં જમા કરાવી શકાય છે.
કેવી રીતે અરજી કરવી?
- BOB bankofbaroda.inની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર જાઓ.
- અહીં LBO અરજી લિંક પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
પસંદગી પ્રક્રિયા
LBOની જગ્યા માટે અરજદારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ભાષા પ્રાવીણ્ય કસોટી, સાયકોમેટ્રિક ટેસ્ટ અને GD દ્વારા કરવામાં આવશે. CBT પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને આગળની પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો બેંક દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન વાંચી શકે છે.