Home / : Wings of Ma Aircar promises a celestial revolution

Ravi Purti / માણસની પાંખો : 'એરકાર' નું આકાશી ક્રાંતિનું વચન

Ravi Purti / માણસની પાંખો : 'એરકાર' નું આકાશી ક્રાંતિનું વચન

- ફયુચર સાયન્સ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિચારો: તમે ટ્રાફિકની ધમાચકડીમાં અટવાઈ ગયા છો, જેના કારણે તમારું બ્લડપ્રેશર પણ વધી રહ્યું છે. તમારું સમયપત્રક ખોરવાઈ ગયું છે. તમારા કાનમાં ઘોઘાટ, હોર્નના અવાજ, અને એન્જીનોની કર્કશ ચીસો, શોર બકોર કરી રહ્યા છે. ઘડિયાળ નિર્દય રીતે ટક ટક કરી રહી છે. હવે, એક ક્ષણ માટે કલ્પના કરો: તમે એક બટન દબાવો છો, તમારી આકર્ષક સ્પોર્ટ્સ કારમાંથી પાંખો ખૂલતી હોય તેવો હળવો અવાજ અને ધુ્રજારી તમે અનુભવો છો. બસ થોડી જ પળોમાં, તમે ખુલ્લા આકાશમાં, તમારી ફ્લાયિંગ કાર સાથે ઉડાન ભરો છો. નીચેની પરિસ્થિતિ હવે તમારા માટે ૦ બની ગઈ છે. આ કોઈ 'સાયન્સ ફિક્શન' નવલકથાઓ કે હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોની વાત નથી. સ્લોવાકિયાના એક નાનકડા ખૂણામાં, 'ક્લેઈન વિઝન' નામની સંસ્થા 'એરકાર' સાથે, ઉપરોક્ત કાલ્પનિક દિવા સ્વપ્નને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી રહી છે. આ એરકાર રસ્તા અને આકાશ વચ્ચેની સીમાઓને, એક કરી નાખવાનું વિચારે છે. જે એક એવું ભવિષ્ય રજૂ કરે છે 'જ્યાં વ્યક્તિગત ઉડાન માત્ર શક્ય જ નહીં, પરંતુ વ્યવહારુ બની રહી છે. સવાલ ચોક્કસ થાય કે, 'વિજ્ઞાાનીઓ આ આકાશી બિંદુ સુધી કેવી રીતે પહોંચ્યા? આ નવીન આવિષ્કાર આપણા ભવિષ્યની ગતિવિધિઓને કેવી રીતે આકાર આપશે? ચાલો કલ્પના, નવીનતા અને મહત્વાકાંક્ષાના ત્રિવેણી સંગમ સાથે, આકાશી સફરે નીકળીએ.

બોન્ડની કાર હવે વાસ્તવિકતા 

'એરકાર' એ સ્ટેફન ક્લેઈન નામના નામના વિજ્ઞાાનીની સ્વપ્નદ્રષ્ટા બુદ્ધિનું પરિણામ છે. એક એવો એન્જિનિયર જેમણે પ્રશ્ન ઉઠાવવાની હિંમત કરી: 'આપણે શા માટે એક જ વાહનમાં ડ્રાઇવિંગ અને ઉડાન બંને ન કરી શકીએ?' હાલની તારીખે એરકાર જેની કિંમત આશરે આઠ લાખથી દસ લાખ ડોલરની વચ્ચે છે, પરંતુ સમય જતા તે, માનવજાતના સદીઓ જૂના આકાશમાં ઉડવાના સ્વપ્નને સરળતાથી સિદ્ધ કરશે. પ્રાચીન દંતકથાઓમાં ઉડતા રથોથી લઈને 'જૂલે વર્ન'ની ભવિષ્યવાદી દ્રષ્ટિ સુધી, મનુષ્યનો આકાશમાં ઉડવાનો વિચાર, આપણને હંમેશા મોહિત કરતો રહ્યો છે. એલોન મસ્કે કહ્યું હતું, 'મને લાગે છે કે એવું ભવિષ્ય હોવું જોઈએ, જે પ્રેરણાદાયી અને આકર્ષક હોય. તમે એવું ભવિષ્ય ઇચ્છો છો, જેની રાહ તમે જુઓ છો, 'એરકાર' આવું જ એક સ્વપ્ન છે, એક એવી નવીનતા છે. જે આપણા વિશ્વને ફરી એકવાર નાનું બનાવશે.

સ્ટેફન ક્લેઈનનો 'એરકાર' સુધીનો માર્ગ પરંપરાગત નહોતો. 'સ્લોવાક યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી'માં મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ, તેમની સર્જનાત્મક ભાવનાએ તેમને 'બ્રાતિસ્લાવા એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ ડિઝાઇન' તરફ દોર્યા, જ્યાં તેઓ ટ્રાન્સપોર્ટ અને ડિઝાઇન વિભાગના વડા બન્યા. 'ફ્રાન્સની ઇકોલે ડેસ બ્યુક્સ આર્ટ્સ એટ ડિઝાઇન'માં અભ્યાસે તેમની કલા અને કાર ઇન્ડસ્ટ્રી ફંક્શનને મિશ્રિત કરવાની ક્ષમતાને નિખારી હતી. 'ઓડી', 'બીએમડબ્લ્યુ' અને 'ફોક્સવેગન' માટે ડિઝાઇન પ્રોજેક્ટ્સ, 'સ્લોવાકિયા નેશનલ ડિઝાઇન એવોર્ડ'થી સન્માનિત ઇલેક્ટ્રિક સ્કૂટર, અને 'મેન્ઝી મક' તેમજ 'મેલેક્સ પોલેન્ડ' માટેના પ્રોજેક્ટ્સે તેમની સર્જનાત્મકતા હું એક અલગ લેવલ પ્રસ્થાપિત કર્યું છે. 'ગ્લાસગો મેકિન્ટોશ સ્કૂલ ઓફ આર્ટ' માં વિઝિટિંગ પ્રોફેસર તરીકેની ભૂમિકાએ તેમની કુશળતાને વૈશ્વિક સ્તરે લઈ ગઈ હતી. એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે, તેમણે 'પર્સનલ વિઝન ઓફ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ' શીર્ષક હેઠળ 'એરોમોબિલ'નો ખ્યાલ રજૂ કર્યો, જે 'એરકાર' નું પ્રારંભિક સ્વરૂપ રજૂ કરતો હતો.

એરકાર: એક પુરાતન સ્વપ્ન

પ્રાચીન મેસોપોટેમિયા અને ભારતીય હિન્દુ દેવી-દેવતાઓના આકાશી રથોથી લઈને આધુનિક સિનેમાના વિચિત્ર ઉપકરણો સુધી તેનો વ્યાપ ફેલાયેલો છે. સોળમી સદીમાં, ફ્રાન્સિસ ગુડવિને માનવીઓને હંસથી રથમાં ચંદ્ર પર સવારી કરતા કલ્પ્યા હતા. ઓગણીસમી સદી સુધીમાં, વિજ્ઞાાન સાહિત્યના પિતા 'જૂલે વર્ન'એ 'આલ્બાટ્રોસ' નામના વિશાળ, ખંડોમાં વહાણ જેવા વિમાનની કલ્પના કરી હતી. તેમણે લખ્યું હતું, 'માણસ જેની કલ્પના કરી શકે છે, તેને અન્ય સાહસિક માણસો વાસ્તવિક બનાવી શકે છે.' આ સાહસિકતા 'એરકાર' ની આકર્ષક રચનામાં જોવા મળે છે. જે 'જૂલે વર્ન' ની નવલકથાઓના પાનાંમાંથી ઉખડીને આકાશમાં ઉડતી લાગે. વીસમી સદીમાં, ઉડતી કાર સાંસ્કૃતિક આકર્ષણનું કેન્દ્ર બની હતી. 'બ્લેડ રનર' અને 'ચિટ્ટી ચિટ્ટી બેંગ બેંગ' જેવી ફિલ્મોએ પાંખવાળી કાર અને ફરતાં વાહનો દ્વારા આપણી કલ્પનાઓને ખોરાક આપ્યો હતો. જ્યારે 'મારી ઉડતી કાર ક્યાં છે?' એ નવીનતાના અધૂરા વચનોની મજાક પણ બની ગયું. આમ છતાં પડદા પાછળ, શોધકો અને વિજ્ઞાાનીઓની, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ઘટાડવા અથાગ પ્રયાસ કરતા હતા. ગ્લેન કર્ટિસનું 'ઓટોપ્લેન' પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં થોડા સમય માટે હવામાં ઉડયું હતું. 'એરોબાઇલ', જે સ્ટુડબેકર એન્જિનથી ચાલતું હતું, ઝડપી ઉડાન ભરી શકતું હતું, પરંતુ ભંડોળના અભાવે નિષ્ફળ ગયું. 'એરફિબિયન'થી લઈને 'છફઈ મિઝાર' સુધીના દરેક પ્રયાસોને પડકારોનો સામનો કરવો પડયો હતો. આપણને થોમસ એડિસનના શબ્દોની યાદ અપાવે છે: 'હું નિષ્ફળ ગયો નથી. મેં ફક્ત એવા રસ્તાઓ શોધ્યા છે. જે કામ નથી કરતા.' ભૂતકાળમાં થયેલા અને નિષ્ફળ ગયેલા ઉડતી કારના સ્વપ્નાઓએ 'એરકાર' માટે પાયો નાખ્યો છે. જે વ્યક્તિગત એટલે કે પર્સનલ ફ્લાયિંગ કારના અને ફ્લાઈટના વચનને પૂર્ણ કરવા તૈયાર છે. 'એરકાર' માત્ર એક વાહન નથી; તે એક એવા ભવિષ્યની ઝલક છે, જ્યાં ગતિશીલતા રસ્તાઓથી આગળ વધે છે. એક એવી દુનિયાની કલ્પના કરો. કોઈ એરપોર્ટ સુરક્ષા કતારો નહીં, કોઈ ભીડભાડવાળા હાઇવે નહીં.

આજ અસલ ભવિષ્ય છે!

એક આકર્ષક સ્પોર્ટ્સ કારની કલ્પના કરો. તેના વળાંકો અને ચમકતી ધાતુ હાઇવે પર લયબદ્ધ રીતે ગ્લાઇડ કરે છે. બે મિનિટથી ઓછા સમયમાં, 'એરકાર' રસ્તા પર ચાલતી નાની કારમાંથી, એક એવા હળવા વિમાનમાં રૂપાંતરિત થાય છે. જે ઊંચે આકાશમાં ઉડી શકે છે. આ એન્જિનિયરિંગની અનોખી અજાયબી છે. જે તમને જાદુ જેવી લાગે છે. પરંતુ ખરો કમાલ એરકારની ઝીણવટભરી મૂળ ડિઝાઇનમાં છે. શક્તિશાળી એન્જિન અને નિયમિત પેટ્રોલથી સંચાલિત, 'એરકાર' ટેકઓફ કરીને હવામાં ઉડી શકે છે. 'ક્લેઈન વિઝન' કંપનીની આ રચનાએ પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી છે. સ્લોવાકિયાના બે એરપોર્ટ વચ્ચે ઉડાન પૂર્ણ કરી, તેણે ઊંચાઈએ ખૂબ જ મોટું અંતર કાપી બતાવ્યું છે. અનેક ફ્લાઈટ કલાકો અને ટેકઓફ-લેન્ડિંગ પછી, 'સ્લોવાક ટ્રાન્સપોર્ટ ઓથોરિટી' તરફથી, એર કારને 'એરવોર્થીનેસ પ્રમાણપત્ર' મેળવ્યું. આ કોઈ પ્રયોગશાળાની પ્રોટોટાઇપ એર કાર નથી. ૨૦૨૬માં જથ્થાબંધ ઉત્પાદન સાથે, એર કાર ૧૦ લાખ ડોલર ની કિંમતે માર્કેટમાં આવી રહી છે. એરકારની કિંમત પણ એક મુદ્દો છે. ૨૦૨૬માં લોન્ચ થવા તૈયાર 'એરકાર'નું આગામી સંસ્કરણ, 'એરકાર ૨', પરીક્ષણ ફ્લાઇટ માટે વિકાસ તબક્કામાં છે. તેની આકર્ષક ડિઝાઇન અને ડયુઅલ-મોડ કાર્યક્ષમતા તેને માર્કેટમાં અગ્રણી બનાવે છે, પરંતુ તે નવીનતાના વિશાળ ઉછળતા મોજાનો એક ભાગ છે. 'એરબસ', 'બોઇંગ' અને 'વોલોકોપ્ટર' જેવી કંપનીઓ, એર ટેક્સીઓ માટે દોડાદોડ કરી રહી છે. ત્યારે 'એરકાર' હાઇબ્રિડ અજાયબી તરીકે એક અનન્ય સ્થાન ધરાવે છે. સ્ટેફન ક્લેઈનનું વિઝન, 'વ્યક્તિગત ગતિશીલતાના નવા પરિમાણમાં, રસ્તા અને આકાશને એકીકૃત કરવાનું છે. તેમાં કેટલી સફળતા મળે છે? તે પણ એક સવાલ છે 'સ્ટીવ જોબ્સ' એક નવા આશાવાદનો પડઘો પાડે છે, જેમણે કહ્યું હતું, 'નવીનતા નેતા અને અનુયાયી વચ્ચે ભેદ પાડે છે.' શું 'એરકાર' મુસાફરીને લોકશાહીકરણ કરશે? જેમ સ્ટેફન ક્લેઈન આશા રાખે છેકે હાલના તબક્કે, એરકાર થોડા વિશેષાધિકૃતો માટે ઉપલબ્ધ રહેશે!

તમારા સપનાઓને પાંખો ઊગશે?

ફ્લાયિંગ કાર ઉડ્ડયનમાં સફળ થઈ હોવા છતાં, આગળનો માર્ગ અથવા એમ કહો કે આકાશ! તમે માનો છો તેટલું સરળ નથી. કોઈપણ દેશ અને રાજ્યના એર ટ્રાફિક રેગ્યુલેશનના નિયમનકારી પડકારો ખૂબ જ મોટા છે. રાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં 'એરકાર' જેવા વાહનોનું સંકલન કરવું એક જટિલ સમસ્યા છે. 'એરકાર' ને ઉડવા માટે રનવેની જરૂર પડે છે. જેના કારણે, જે એરકાર વાહનોથી અલગ પડે છે. પરંતુ આનો એક અર્થ એ પણ થાય કે હાલની પરિસ્થિતિ પ્રમાણે, એરકારને ઉડવા માટે એરપોર્ટ પર આધાર રાખવો પડે છે, આ નિયમના કારણે બે કે તેથી વધુ શહેરો વચ્ચેની મુસાફરી, એરકારને આકર્ષક અને ઉપયોગી બનાવે છે, પરંતુ શહેરમાં રોડ ટ્રાફિકની સમસ્યામાંથી, હાલ તુરંત કોઈ જ પ્રકારની મુક્તિ અપાવતું નથી. બીજો મહત્વનો મુદ્દો એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ છે. 'એરકાર' પેટ્રોલ પર ચાલે છે, જે હાલ વ્યવહારુ છે, પરંતુ એર પોલ્યુશનને ધ્યાનમાં રાખીએ તો, 'નેટ-ઝીરો' લક્ષ્યોની દુનિયામાં, એરકાર અડચણ પેદા કરી શકે છે. 'ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન'ના અભ્યાસ મુજબ, 'એરકાર' જેવા હળવા વિમાનો વાણિજ્યિક જેટ કરતાં ઓછું CO2 ઉત્સર્જન કરે છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો કરતાં વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. 'ક્લેઈન વિઝન' ના સહ-સ્થાપક એન્ટોન ઝાજેકે, આવનારા સમયમાં ઇલેક્ટ્રિક પ્રોપલ્શન તરફ આગળ વધવાનું વચન આપ્યું છે. પર્યાવરણવાદી 'રશેલ કાર્સન' એ લખ્યું હતું, 'માનવજાતને પહેલા કરતાં વધુ પડકાર આપવામાં આવ્યો છે કે તે આપણી નિપુણતા, પ્રકૃતિ પર નહીં, પરંતુ આપણી જાત પર દર્શાવે.' 'એરકાર'નું ભવિષ્ય નવીનતા અને જવાબદારીના સંતુલન પર નિર્ભર છે. 'એરકાર' ની ઊંચી કિંમત તેને વૈભવી શ્રેણીમાં મૂકે છે, જે ખાનગી જેટ કે સુપરકાર જેવું સ્ટેટસ સિમ્બોલ બનાવે છે. હાલ 'એરકાર' ધનિકો, ટેક મોગલ્સ કે સાહસ શોધતી હસ્તીઓ માટે રમકડું છે. 'યુરોપિયન કમિશન' ના સર્વેક્ષણ મુજબ, યુરોપના રસ્તાઓ ઉડતી ટેક્સીઓ માટે ખુલ્લા નથી, કારણ કે સલામતી અંગેના કોઈપણ પ્રકારના નીતિ નિયમો હજી સુધી ઘડવામાં આવ્યા નથી.

- કે.આર.ચૌધરી

Related News

Icon