- આકાશની ઓળખ
ધર્મ એ શરીર પરનું વસ્ત્ર કે ગળામાં પહેરેલો હીરાનો હાર નથી
માનવજીવનને સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્નો મનોરમ ઘાટ આકાર આપવા માટે ધર્મની ઉત્પત્તિ થઈ. અંધારી ગુફાઓમાં જંગલી અવસ્થામાં વસતા માનવીએ ધીરે ધીરે સામાજિક વ્યવસ્થા સ્થાપી અને એમાંથી ધર્મવ્યવસ્થાનો ઉદ્ભવ થયો. વળી પ્રત્યેક ધર્મ એ એની આસપાસની પરિસ્થિતિ, સંજોગો અને જરૂરિયાત પ્રમાણે ઉદ્ભવ પામે છે. આથી સીધેસીધું ગણિત એ છે કે ધર્મ માણસને માટે છે અને તે પણ માણસના જીવનને આધ્યાત્મિક પ્રગતિના ઊંચા પંથે લઈ જવા માટે છે, પરંતુ એ ધર્મ એ શરીર પરનું વસ્ત્ર કે ગળામાં પહેરેલો હીરાનો હાર નથી. એ ધર્મ માનવીની ત્વચા સાથે જોડાયેલો છે. એના જીવન-બાગમાં એ વિકસિત ફૂલ બની રહે છે, પરંતુ ક્યારેક ધર્મને નામે દાંભિક્તા પ્રવર્તે છે. માત્ર ક્રિયાકાંડમાં લોકોને ગરકાવ કરી દેવામાં આવે છે. ધર્મ દ્વારા મોક્ષ પ્રત્યે સાધના કરવાને બદલે મોહ, માયા અને આડંબર ઊભા કરવામાં આવે છે. વળી કોઈ પ્રસંગે ધર્મને નામે ધનની બોલબાલા થાય છે અને પછી ક્યાંક તો કોઈ ધર્મનું મ્હોરું પહેરીને સંતનો દેખાવ ધારણ કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હોય છે. આથી ધર્મ એ બાહ્યાડંબર નથી, પરંતુ આંતરિક પ્રગતિનો માર્ગ છે.

