Home / : Tejashwi will replace Lalu as the president before the Bihar elections!

Delhi ni Vaat: બિહાર ચૂંટણી પહેલાં લાલુને બદલે તેજસ્વી પ્રમુખ બનશે!

Delhi ni Vaat: બિહાર ચૂંટણી પહેલાં લાલુને બદલે તેજસ્વી પ્રમુખ બનશે!

લાલુ યાદવના પક્ષ આરજેડીના સંગઠનની ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીનો પહેલો તબક્કો પુરો થઈ ગયો છે. હવે બીજો અને ત્રીજો તબક્કો બાકી છે. ત્યાર પછી આરજેડીના પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી થશે. પ્રાથમીક અને પંચાયતસ્તરની ચૂંટણીઓ પૂરી થઈ છે. હવે જિલ્લા કમિટિઓની ચૂંટણી શરૂ થશે અને ૧૪ જૂનથી પ્રદેશ પ્રમુખની ચૂંટવાની પ્રક્રિયા શરૂ થશે. રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી ૨૪ જૂન પછી થશે. રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે કે, નાદુરસ્ત તબિયત અને ઉંમરને કારણે લાલુ પ્રસાદ યાદવ હવે આરજેડીની જવાબદારી તેજસ્વી યાદવને આપી દેશે. આરજેડીને યુવાન નેતાની જરૂર છે. યાદવ કુટુંબની પરંપરા પ્રમાણે લાલુ પ્રસાદ યાદવ પક્ષની કમાન બીજા કોઈના હાથમાં સોંપે એમ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જસ્ટીસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી પણ થઈ શકે

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના દિલ્હી સ્થિત ઘરેથી કરોડો રૂપિયાની સળગી ગયેલી રોકડ રકમ મળ્યા પછી મોટો વિવાદ થયો હતો. આખા કિસ્સાની તપાસ કરવા માટે સુપ્રિમ કોર્ટે એક ખાસ કમિટિની નિમણૂક કરી હતી. આ કમિટિએ કેશકાંડ માટે યશવંત વર્માને દોષી ઠેરવ્યા. કમિટિને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે સ્ટોરરૂમમાં બળી ગયેલી રોકડ રાખવામાં આવી હતી એ સ્ટોરરૂમ જસ્ટીસ વર્મા અને એના કુટુંબીઓના કબજામાં હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ સભ્યોની કમિટિએ તપાસમાં ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સહિત ૫૦થી વધુ લોકોના નિવેદનો પણ ભેગા કર્યા છે. દિલ્હીના પોલીસ કમિશનર તેમ જ ફાયર બ્રિગેડના અધિકારીના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. આરોપોની ગંભીરતા જોતા જસ્ટીસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી પણ થઈ શકે છે.

કંગના રનૌતની માફી પર જાવેદ અખ્તરે શું કહ્યું

ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે ૨૦૨૦માં બદનક્ષીનો કેસ કર્યો હતો. પાંચ વર્ષ પછી એટલે કે ૨૦૨૫માં કંગના રનૌતે કોર્ટમાં જાવેદ અખ્તરની માફી માગી લીધી હતી. ત્યાર પછી બંને વચ્ચે સમાધાન થયું હતું. હવે જાવેદ અખ્તરે કંગનાની માફી બાબતે એક મુલાકાતમાં વાત કરી છે. જાવેદ અખ્તરના કહેવા પ્રમાણે કંગનાના વકીલે એમને પૂછયું હતું કે માફિનામામાં શું તેઓ એવું પણ લખે કે કંગના એમને ફાધર ફીગર માને છે? જવાબમાં જાવેદે કહ્યું હતું કે, તેઓ આટલી સુંદર છોકરીના ફાધર ફીગર બનવા નથી માંગતા. જાવેદને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ હવે કંગના સાથે વાત કરે છે? જવાબમાં જાવેદે કહ્યું હતું કે, કોર્ટમાં માફિનામા પછી અમે વાત કરી રહ્યા હતા. કંગનાએ ત્યારે જ કહ્યું હતું કે, મારી હવે પછીની ફિલ્મમાં તમે જ ગીતો લખજો. કંગના મારી દુશ્મન હતી નહીં. એણે ખોટી વાત કરી હતી અને એની માફી પણ માંગી લીધી.

અલ્લાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી રદ કરી

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય સેના વિશે કરેલી ટીપ્પણીને કારણે એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોતાને મળેલા કોર્ટના સમન્સ સામે રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે આ અરજી કાઢી નાખી છે. જસ્ટીસ સુભાષ વિદ્યાર્થીની લખનૌ બેન્ચે અરજી રદ કરતા કહ્યું હતું કે, વિસ્તૃત હુકમ હવે પછી કરવામાં આવશે. રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા સરકારી વકીલોએ દલીલ કરી હતી કે નીચેની કોર્ટ સમક્ષ જવાનો વૈકલ્પિક ઉપાય રાહુલ ગાંધી પાસે છે. પ્રથમ દૃષ્ટીએ રાહુલ ગાંધીએ ગુનો કર્યો હોવાનું લાગે છે. ફરિયાદી ઉદય શંકર શ્રીવાસ્તવે કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પદયાત્રા દરમિયાન ચીનના સૈનિકો વિરુદ્ધ યુદ્ધ વખતે ભારતીય સેના માટે અપમાનજનક વાતો કરી હતી.

લખનૌમાં બે આઇઆરએસ અધિકારીઓ બાખડયા, લોકોને જોણું થયું

લખનૌમાં ચર્ચાસ્પદ બે આઇઆરએસ અધિકારીઓ વચ્ચે મારામારી થઈ હતી. હવે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ગૌરવ ગર્ગ તરફથી જોઇન્ટ કમિશનર યોગેન્દ્ર મિશ્રા સામે એફઆઇઆર દાખલ થઈ છે. યોગેન્દ્ર સામે ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. એફઆઇઆરમાં એક જૂના વિવાદની જાણકારી પણ આપવામાં આવી છે. 

બંને અધિકારીઓએ ઇન્કમટેક્સ ઓફિસમાં બધાની સામે મારામારી કરી હતી. મારપીટમાં આઇઆરએસ ગૌરવ ઘાયલ થયા હતા. હમણા સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. ગર્ગે આરોપ મુક્યો છે કે 'ફેબ્રુઆરી મહિનામાં આયોજીત એક ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન યોગેન્દ્ર મિશ્રાએ ટીમમાંથી રમવા અને પોતાને કેપ્ટન બનાવવા માટે દબાણ કર્યું હતું. વિરોધ થતા યોગેન્દ્ર મિશ્રાએ ફાયનલ મેચ દરમિયાન પીચ પર સુઈને તોફાન મચાવ્યું હતું અને ગાળાગાળી કરી હતી.'

કેસીઆરના કુટુંબમાં વિખવાદ, બીઆરએસના વારસદાર કોણ

તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)મા આંતરીક ઝઘડા બહાર આવી રહ્યા છે. એક તરફ બીઆરએસ પોતાના સ્થાપનાની સિલ્વર જ્યુબલી મનાવી રહ્યો છે ત્યારે બીજી તરફ પક્ષના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવ અને એમની બહેન કે કવિતા વચ્ચે પક્ષના ઉત્તરાધિકારી બનવા માટે ખેંચતાણ ચાલુ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવનો પક્ષ ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. કેટલાક ધારાસભ્યો પક્ષ બદલીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે પક્ષ કાયદાકીય લડાઇ પણ લડી રહ્યો છે. પક્ષપર કોનો કબજો અને કન્ટ્રોલ રહેશે એ માટે કૌટુંબીક યુદ્ધ ચાલી રહ્યું છે. કે ચંદ્રશેખર રાવ હજી પણ સક્રિય હોવા છતાં એમના કુટુંબીઓ સત્તા માટે લડી રહ્યા છે. સમર્થકોમાંથી કેટલાક કેટીઆરને તો કેટલાક કવિતાને ટેકો આપી રહ્યા છે.

ફક્ત રોકડ રકમની જપ્તીને કારણે ભ્રષ્ટાચાર કેસમાં કોઈને ગુનેગાર ગણી શકાય નહીં

સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ભ્રષ્ટાચારના કેસમાં કોઈને ગુનેગાર ગણવા માટે ફક્ત રોકડ રકમની જપ્તી પૂરતી નથી. સંપૂર્ણ ઘટના જેવી કે પૈસાની માંગણી, સ્વિકાર અને એની જપ્તી જરૂરી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય મૂજબ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા ૧૯૮૮ની કલમ ૨૦ પ્રમાણે કોઈને ગુનેગાર પુરવાર કરવા માટે પૈસાની જપ્તી પૂરતી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ પંકજ મિત્તલની બેન્ચે આ ટીપ્પણી કરીને સરકારી કર્મચારીને છોડી મૂક્યો હતો. આ કર્મચારી પર એક સ્કૂલ શિક્ષક પાસે જાતી પ્રમાણપત્ર આપવા માટે ૧૫૦૦ રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો. કોર્ટને લાગ્યું હતું કે, લાંચ માગવાની વાત સાબિત થઈ નથી. પછી ભલે એની પાસેથી પૈસા મળી આવ્યા હોય.

સીડીએસના નિવેદનોથી વિવાદ સર્જાયો

ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે લડાઈના પ્રારંભિક દિવસોમાં વ્યૂહાત્મક ભૂલને કારણે જેટ ગુમાવ્યાનું કબૂલ કરતા વિપક્ષે કેન્દ્ર સરકાર પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવીને વિશેષ સંસદીય સત્ર બોલાવવાની તેમની માગણી ફરી દોહરાવી હતી. બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં જનરલે ચૌહાણે જણાવ્યું  હતું કે જેટ તૂટી ગયું તે મહત્વનું નથી, પણ તે કેવી રીતે તૂટી ગયું તે મહત્વનું છે. સંખ્યા મહત્વની નથી. સારી વાત એ છે કે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ, તેને સુધારી લીધી અને બે દિવસ પછી તેનો અમલ કરીને ફરી અમારા જેટ દૂરના લક્ષ્યાંકોને સાધવામાં સફળ રહ્યા. તેમના નિવેદનોનો આધાર લઈને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુને પોસ્ટ કર્યું કે મોદી સરકારે દેશને ગેરમાર્ગે દોર્યો છે. કોંગ્રેસ પાર્ટી કાર્ગિલ રિવ્યુ કમિટીની જેમ સ્વતંત્ર નિષ્ણાંત કમિટી દ્વારા આપણી સુરક્ષા તૈયારીની સમીક્ષાની માગણી કરી રહી છે.

પ્રશાંત કિશોરનો ઓપરેશન સિંદૂર પર કટાક્ષ

ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા અને જન સુરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે ઈસ્લામાબાદ પીછેહઠ કરી રહ્યું હતું તો ભારતે શા માટે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો. પ્રશાંત કિશોરે જણાવ્યું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનો યશ મેળવી લેવાનો પ્રયાસ કર્યો પણ હું તો ભારતના વિદેશ મંત્રીની વાત પર વિશ્વાસ રાખું છું કે પાકિસ્તાનની વિનંતી પછી યુદ્ધવિરામનો સ્વીકાર કરાયો હતો. પણ આપણે સારી સ્થિતિમાં હોવા છતાં શા માટે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો? હવે સિંદૂરની ડબ્બીઓ વહેંચવાનો શું અર્થ. એવો કટાક્ષ પ્રશાંત કિશોરે કર્યો.

સ્ટાલિને તેના ભાઈ અલાગીરીની મુલાકાત લેતા અટકળો વહેતી થઈ

તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને તેના મોટાભાઈ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.કે.અલાગીરીની મદુરાઈ ખાતે તેમના નિવાસ સ્થાને મુલાકાત લેતા ડીએમકે અને તમિલનાડુના રાજકીય ક્ષેત્રમાં રાજકીય ઉહાપોહ સર્જાયો છે. લાંબા સમયથી જેની અટકળ કરવામાં આવતી હતી અને જે અતિ અપેક્ષિત હતી તેવી આ મુલાકાત લગભગ અગિયાર વર્ષ પછી થઈ છે. મુલાકાતના ભાગરૂપે સીએમે શહેરમાં ૨૦ કિ.મી.નો રોડ શો કર્યો અને લોકો સાથે વાત કરી. સ્ટાલિને એકલા જ અલાગીરીની મુલાકાત લેતા વિશ્લેષકો તેને અંગત અને મહત્વની માની રહ્યા છે. અલાગીરીના સમર્થકોએ સ્ટાલિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાત્રે બંને ભાઈઓએ સાથે ભોજન કર્યું. સ્ટાલિન સીએમ બન્યા પછી મોટા ભાઈ મીડિયાનો જાહેર કુતૂહલતાનો વિષય રહ્યા છે.

Related News

Icon