
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજે એટલે કે 10 જુલાઈ, 2025થી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. અત્યાર સુધી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના બે મેચ રમાઈ ચૂક્યા છે. બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ હતી, જેમાં ભારતની ઐતિહાસિક જીત બાદ, પાંચ મેચની આ સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. એજબેસ્ટન ટેસ્ટમાં, ભારતીય ટીમ જસપ્રીત બુમરાહ વિના રમી હતી, પરંતુ તે લોર્ડ્સમાં વાપસી કરી રહ્યો છે.
ભારતે 2021માં લોર્ડ્સમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. હવે જ્યારે સિરીઝ બરાબર થઈ ગઈ છે, ત્યારે લોર્ડ્સ ટેસ્ટ બંને ટીમો માટે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં, મેચ પહેલા, ચાલો જાણીએ કે લોર્ડ્સની પિચ કેવી હશે?
લોર્ડ્સની પિચ કેવી હશે?
એક અહેવાલ મુજબ, એજબેસ્ટનમાં હાર બાદ, ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે એવી પિચની માંગ કરી છે જે તેમના ફાસ્ટ બોલરોને મદદ કરે. 7 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આવેલી લોર્ડ્સની પિચની પહેલી ઝલકમાં પિચ પર ઘણું ઘાસ અને ભેજ જોવા મળ્યા હતા. લોર્ડ્સની પિચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ રહી છે. બોલ સીમ અને સ્વિંગ થાય છે, જેના કારણે બેટ્સમેન માટે અહીં રન બનાવવા મુશ્કેલ કાર્ય છે.
આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ આ પિચ પર ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેચના એક દિવસ પહેલા, લોર્ડ્સની પિચ લીલી દેખાય રહી હતી, જેના કારણે એવું માનવામાં આવે છે કે તે ફાસ્ટ બોલરોને મદદ કરી શકે છે.
લોર્ડ્સમાં ટેસ્ટના આંકડા
ભારતીય ટીમે 1932થી 2021 સુધી લોર્ડ્સમાં કુલ 19 મેચ રમી છે, જેમાંથી ટીમે ફક્ત 3 મેચ જીતી છે, જ્યારે ટીમને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 4 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. જ્યારે, ઈંગ્લેન્ડની ટીમે અહીં 145 મેચ રમી છે, જેમાંથી તેણે 59 મેચ જીતી છે અને 35 મેચ હારી છે. 51 મેચ ડ્રો રહી છે.
લોર્ડ્સના મેદાન પર ટોસ જીતનાર ટીમે પહેલા બેટિંગ કરતા 101 મેચમાંથી 37 મેચ જીતી, જ્યારે 27 મેચ હારી અને 37 મેચ ડ્રો રહી. ટોસ જીત્યા પછી, ટીમે 47 વખત પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. જેમાંથી 17 મેચ જીતી અને 16 મેચ હારી અને 14 મેચ ડ્રો રહી. અહીં ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી એ સૌથી મુશ્કેલ કામ છે.