Home / GSTV શતરંગ : Why is Karna worshipped as a better donor than Yudhishthira

GSTV શતરંગ / યુધિષ્ઠિર કરતા કર્ણ કેમ શ્રેષ્ઠ દાનવીર તરીકે પૂજાય છે?

GSTV શતરંગ / યુધિષ્ઠિર કરતા કર્ણ કેમ શ્રેષ્ઠ દાનવીર તરીકે પૂજાય છે?

- હોરાઈઝન

- ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનના  પ્રશ્નનું નિરાકરણ કર્યું : જીવન અને કોર્પોરેટ મેનેજમેન્ટમાં પણ બોધ મળે તેવો પ્રસંગ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધર્મ અને ફરજ કરતા પણ આગળ રહી કોઈ કાર્ય પોતાના આનંદ માટે અને સામી વ્યક્તિ પ્રત્યેની અનુકંપાને કારણે થાય તે દીપી ઊઠતું હોય છે.

એક વખત અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે 'યુધિષ્ઠિર પણ તેમના દ્વારે આવેલ કોઈ પણ યાચકને તેણે માંગેલ વસ્તુ આપ્યા વિના પરત જવા નથી દેતા અને કર્ણ પણ એમ જ કરે છે તો પછી કર્ણની દાનવીર તરીકે બોલબાલા છે પણ યુધિષ્ઠિરની તે હદે નથી, આમ કેમ?'

શ્રીકૃષ્ણએ મંદ સૂચક સ્મિત આપ્યું અને અર્જુનને કહ્યું કે 'ચાલ,આપણે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બંને પાસે વારાફરતી અમારે યજ્ઞ કરવા માટે ચંદનના લાકડા જરૂર છે તેમ કહીને માંગણી કરીએ.'

સૌથી પહેલા તેઓ યુધિષ્ઠિર પાસે ગયા અને ચંદનના લાકડા યજ્ઞ માટે માંગ્યા.

યુધિષ્ઠિરે સૈનિકોને બોલાવીને કહ્યું કે 'જાઓ,જંગલમાં જઈને આ બે બ્રાહ્મણો માટે ચંદનના લાકડા લઈ આવો.'

સૈનિકો તો ઘોડા પર જંગલ જવા નીકળી પડયા.

સાંજે નિરાશ થઈને પરત આવ્યા કેમ કે રાજા યુધિષ્ઠિરનો હુકમ હોઈ ચંદનના લાકડા તો વૃક્ષ કાપીને લાવ્યા હતા પણ વર્ષા ઋતુ હોઈ બધા જ ભીના અને પોચા પડી ગયેલા હતા. આવા લાકડાથી યજ્ઞ ન થઈ શકે.

યુધિષ્ઠિરે બે બ્રાહ્મણોને હાથ જોડીને કહ્યું કે, 'માફ કરશો. તમે તો જોયું કે  મેં તો મારો ધર્મ બજાવ્યો. સૈનિકોને મોકલ્યા અને તેઓએ કલાકોની જહેમત પણ ઉઠાવી. આ વરસાદી ઋતુમાં તમને મારી પાસેથી વરસાદી ઋતુમાં ચંદનના લાકડા ન મળે તો બીજે ક્યાંયથી નહીં મળે.બીજું કઈંક માંગો તો આપું'

બે બ્રાહ્મણો હાથ જોડીને પરત ફર્યા અને કહ્યું કે 'અમારે તો ચંદનના લાકડા જ જોઈતા હતા.'

યુધિષ્ઠિરના મહેલમાંથી બહાર નીકળ્યા પછી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે 'જોયુંને યુધિષ્ઠિરે સૈનિકોને મોકલીને જંગલ આખું ખૂંદવા કહ્યું અને તેઓ ચંદનના લાકડા લઈ  આવ્યા પણ વર્ષા ઋતુ હોય એટલે યુધિષ્ઠિર કરે પણ શું. આપણે કંઈક બીજું માગી જોઈએ કેમ કે કર્ણ પણ વર્ષા ઋતુ હોય ચંદનના લાકડાની વ્યવસ્થા નહીં જ કરી શકે.'

શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે 'ના, આપણે કર્ણ પાસે ચંદનના લાકડા માંગવા જ જઈશું.'

બંનેએ ફરી બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને પહોંચ્યા કર્ણ પાસે.

કર્ણ સમક્ષ પણ યજ્ઞ માટે ચંદનના લાકડાની માંગ કરી.

કર્ણએ સૌથી પહેલા યુધિષ્ઠિરને જે વિચાર આવેલો તેમ સૈનિકોને જંગલમાં જઈને ચંદનના લાકડા લઈ આવવાનું કામ સોંપ્યું. બંને બ્રાહ્મણોને ભોજન આપીને કેટલાક કલાક બેસવાનું જણાવ્યું.

સાંજે સૈનિકો વીલા મોંએ પરત આવ્યા. તેઓએ પણ એમ જ કહ્યું કે, 'યજ્ઞ માટે જોઈએ તેવા ચંદનના લાકડા ન મળ્યા. બધા વરસાદી મોસમને લીધે ઢીલા અને પોચા પડી ગયેલા જ લાકડા હતા.'

બ્રાહ્મણ બનેલા અર્જુને મંદ મંદ સ્મિત કર્યું અને તરત તે છુપાવી જાણે નિઃસાસો નાંખતા હોય તેમ કહ્યું કે 'કંઈ વાંધો નહીં. તમે તો બનતો પ્રયત્ન કરીને તમારો ધર્મ બજાવ્યો. અમે હાલ યજ્ઞ કરવાનું માંડી વાળીશું. જેવી પ્રભુની ઈચ્છા'

પણ, કર્ણને તેમને ત્યાં આવેલ યાચકને માંગેલું ન મળે અને ખાલી હાથે જાય તે એક પ્રકારની ગ્લાની આપતું હતું.

તેમણે બંને બ્રાહ્મણોને કહ્યું કે 'તમે હજુ થોડી વાર બેસો. મને થોડો સમય આપો.'

ઉદાસ કર્ણએ કઈ રીતે યજ્ઞ થઈ શકે તેવા કડક ચંદનના લાકડા બ્રાહ્મણોને આપવા તે અંગે વિચારવા માંડયું.

થોડી મિનિટોમાં જ તેની નજર મહેલના દરવાજા અને થાંભલાઓ પર પડી જે ચંદનના લાકડાથી બનાવેલા હતા. કર્ણએ કુહાડી મંગાવી એટલું જ નહીં તેમણે બંને બ્રાહ્મણોને કહ્યું કે, 'આ ચંદનના લાકડા યજ્ઞ માટેના હોઈ, હું જાતે જ સદ્દકાર્યમાં મારા શ્રમનું યોગદાન તેમાં ઉમેરીને તમને ચંદનના અતિ ઉત્કૃષ્ટ ગુણવત્તાના લાકડા આપીશ.'

તેમ કહીને કર્ણએ કુહાડીથી મહેલના ચંદનથી બનેલા દરવાજા અને સુશોભન માટે ઊભી કરેલી કમાનો તોડી નાંખી.

તે પછી આ લાકડાને વારાફરતી લઈને અન્ય ધારદાર સામગ્રીથી છોલીને તેમાંથી યજ્ઞા માટે જેવા લાકડા હોય તે કદ અને લંબાઈના તેને બનાવી આપ્યા. આ રીતે ચંદનના લાકડા કાપી તેને ગોઠવીને, દોરી વડે બાંધીને ગઠરીઓ બનાવી આપી. પ્રેમપૂર્વક આ ચંદનની લાકડીઓના વજનદાર ભારાને ઉંચકીને બ્રાહ્મણોના ઘેર પહોંચાડી દેવા એક મદદગારને પણ મોકલ્યો.

ચંદનના લાકડા આ રીતે ઘેર પહોંચી ગયા અને પેલો મદદગાર પણ પરત થયો તે પછી બંનેએ બ્રાહ્મણોનો વેશ ઉતારી લીધો.

શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે 'પાર્થ, હવે સમજાઈ ગયું ને કે કર્ણ કેમ શ્રેષ્ઠ દાનવીર તરીકે પૂજાય છે.' 

અર્જુને પણ કબૂલ્યું પણ તેના મોટા ભાઈની હાર તે સ્વીકારી ન શક્યો અને તેણે શ્રીકૃષ્ણને કહ્યું કે  'ભગવાન ,એમ તો આપણે બ્રાહ્મણ બનીને ગયા હતા ત્યારે સૈનિકો ભીના લાકડા લઈને આવ્યા તે પછી યુધિષ્ઠિરને કહ્યું હોત કે તમારા મહેલના દરવાજા ચંદનના બનેલા છે તે તોડીને આપો તો યુધિષ્ઠિરે પણ ના ન પાડી હોત. સહર્ષ દરવાજા પર કુહાડી ફેરવી હોત'

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે  'પાર્થ, જિજ્ઞાાસા સંતોષતી દલીલ કરીશ તો તેને હું આવકારું છું પણ પાંગળો બચાવ તારો વિકાસ રૂંધી દેશે. આમ છતાં તને સમજાવું કે યુધિષ્ઠિર દાનને કે જે પણ ફરજ નિભાવે છે તેને તેનો ધર્મ સમજે છે. આ પણ સારી વાત જ છે પણ કર્ણ ધર્મ માટે નહીં પણ પોતાના સંતોષ, પોતાના આનંદ, કર્તવ્ય અને સંસ્કારને વશ કાર્ય કરે છે. તેનો ધ્યેય ધર્મ બજાવ્યાની વ્યાખ્યામાં પોતે આવી ગયો તે પૂરતું જ કર્મ કરવાનો નથી પણ તેનો હેતુ સરે અને સામી વ્યક્તિ હસતા મોંએ સંતોષ સાથે પરત ફરે તો જ તેને આનંદ પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરને ચંદનના લાકડા મેળવવા માટેનો તેણે સૈનિકો પાસે પ્રયત્ન કરાવ્યો તેનો સંતોષ હતો તેથી તેણે આગળ ન વિચાર્યું. જ્યારે કર્ણનો ધ્યેય પરિણામલક્ષી અને સામી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહના પ્રશ્નનો ઉકેલ લાવવાનો અને જે કરવું તે પૂર્ણતા તરફ લઈ જવું તેવો રહ્યો છે. તેણે આવી હકારાત્મક માનસિકતાને લીધે જ તેનો વિચાર લંબાવ્યો અને ચંદનના દરવાજા પર તેની નજર પડી અને ઉપાય મળી આવ્યો.

યુધિષ્ઠિરને કહ્યું હોત તો તેમણે પણ ચંદનના દરવાજા તોડી આપ્યા હોત તેવો તારો બચાવ યોગ્ય નથી કેમ કે મૂળ મર્મ જ તેવો વિચાર આવવાનો છે જે કર્ણને મહાન બનાવે છે.' 

તે પછી શ્રીકૃષ્ણ ઉમેરે છે કે, 'કર્ણ પોતે જાતે લાકડા તોડે છે. લાંબા ટુકડાઓ બનાવીને આપે છે તે રીતે શ્રમ દાન પણ જોડે છે. એટલું જ નહીં પોતે એક માણસને લાકડા ઊંચકવા મોકલે છે જેથી દાન મેળવનારનું પણ સન્માન જળવાય'. 

શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ પરથી કોર્પોરેટ જગતના જ નહીં પણ ઉત્કૃષ્ટ જીવન જીવવાના મેનેજમેન્ટના પણ બોધપાઠ લઈ શકાય છે. વિદેશની  કંપનીઓને પણ આ જીવન દર્શન હવે આકર્ષે છે.

ઉપરોક્ત પ્રસંગમાંથી એવી શીખ મળે છે કે કોઈપણ કાર્ય કરો તેમાં શક્ય ત્યાં સુધી પૂર્ણતાનું પરિણામ લાવી શકાય તેવી ભાવના ઉમેરો. સામી વ્યક્તિ (ગ્રાહક) ને સંતોષ થાય તે પ્રાધાન્ય હોવું જોઈએ. જ્યાં દચાહ ત્યાં રાહ તે ધોરણે એક જ પ્રશ્નના ઉકેલ માટે અન્ય વિકલ્પો પણ હોઈ જ શકે તે અંગે વિચારો. આપણું કાર્ય આપણા આનંદ અને સંસ્કારની નીપજ હોવું જોઈએ. નિયમ મુજબ ફરજ નિભાવો તે પણ આવકાર્ય છે પણ માત્ર નિયમ મુજબના કલાકો પ્રમાણે કામ કરવાથી શ્રેષ્ઠ પરિણામ નથી આવતું. બોસ, વડીલ કે મેનેજમેન્ટને બતાવવા માટે નહીં પણ દીપી ઊઠતું કામ હંમેશા કોઈને પણ ખબર ન હોય ત્યારે થતું હોય છે. જે કોઈને બતાવવા માટે નથી હોતું. બીજા સૂઈ જતા હોય અને તમે ત્યારે જાગતા જે કાર્ય કરો તે તમારી સરસાઇ બની રહે છે. 

ભલે તમે પ્રોજેક્ટમાં નેતૃત્વ કરતા હોવ પણ તેમાં તમારી ટીમ જોડે તેઓ કરતા હોય તેવા શ્રમમાં સાથ આપવાનો છે. 'લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ' અંતર્ગત કર્ણએ જાતે ચંદનના દરવાજા તોડીને તે કામને દીપાવ્યું હતું. જેમ કર્ણએ ચંદનના લાકડાની ભારી ઊંચકવા મદદગાર માણસને મોકલ્યો હતો તેમ કાર્યની પૂર્ણતામાં સન્માન પણ ઉમેરી જ શકાય.

માત્ર સ્વકેન્દ્રી બનવા કરતા તમારે જે જરૂર છે તેની સામી વ્યક્તિને પણ એટલી જ જરૂર હોઈ શકે તેવી અનુકંપા ધરાવતા થશો તો કુદરતે ગોઠવેલી દિવ્ય સુખની અનુભૂતિ પામી શકશો. યુધિષ્ઠિર કે કર્ણ આવી પ્રકૃતિ ધરાવતા હોઈ પરમ સ્થિતિ પ્રાપ્ત કરી શક્યા હતા.

શ્રીકૃષ્ણ કર્ણ સામેની છાવણીમાં છે તો પણ તેમાંથી બોધપાઠ લેવાના અર્જુનને સંસ્કાર આપે છે.અર્જુન ભાઈ પ્રત્યેની આસક્તિ વશ યુધિષ્ઠિરથી વિશેષ કોઈ નથી તેવો જડ મત વ્યક્ત રાખીને રહેતો હતો તેથી યુધિષ્ઠિરની મર્યાદા પણ તેને સંસ્કાર લાગતા હતા.અને તેને અંતિમ માનીને અપનાવતો તેથી તેનો વિકાસ યુધિષ્ઠિર જેટલો સીમિત રહે તેમ હતો પણ શ્રીકૃષ્ણ એટલે શ્રીકૃષ્ણ છે કે તે કર્ણને પણ જે પાસામાં ચડિયાતો છે તેની પ્રેરણા લેવાનું કહે છે. ઘણી ખરી કંપનીઓમાં પણ એવું મિથ્યાભિમાન હોય છે કે હરીફ કંપનીઓ પાસેથી કંઈ જ અનુકરણ કરવા જેવું નથી અને તે જ કારણે આવી કંપનીઓ બદલાતા બજાર અને વિશ્વમાં ટકી નથી શકતી.

મિથ્યાભિમાન એટલે શું? કોઈ પાસા ગૌરવ લેવા જેવા ન હોય કે પછી અગાઉ જેના માટે ગૌરવ લેવાતું હતું તે લુપ્ત થઈ ગયા હોય છતાં દંભી બનીને તેનો જ ઢોલ પીટતા રહેવું. 

૪૦ - ૫૦ વર્ષ જૂની એવી કેટલીયે કંપનીઓ ભૂતકાળની પ્રતિષ્ઠાને જ આગળ કરતી રહી અને દુનિયા કેટલે પહોંચી ગઈ તે જોવા માટેની આંખો જ બંધ કરી દીધેલી તેવી કંપનીઓ હવે નામશેષ થઈ ચૂકી છે. યુધિષ્ઠિરે કર્ણના અને કર્ણએ યુધિષ્ઠિરના સારા ગુણ અપનાવવા જ રહ્યા.આપણે જુનાને બદલે નવા અપડેટ મોડેલ કે સૉફ્ટવેર ખરીદવા છે પણ આપણે બદલાવું નથી.

જ્ઞાન પોસ્ટ 

કર્ણ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વેદના ઠાલવે છે કે 'ભગવાન, મારામાં શ્રેષ્ઠ માનવી અને યોદ્ધાના તમામ ગુણો છે તેનો તમે પણ સ્વીકાર કરો છો છતા હું અર્જુન જેવો વૈશ્વિક આદર અને તમારી કૃપાને પાત્ર કેમ ન બન્યો'. 

શ્રીકૃષ્ણ કહે છે કે 'તું અધર્મ અને કુસંસ્કાર ધરાવનારની છાવણીમાં રહ્યો. સત અસતનું ભાન અને જ્ઞાાન તને હોવું જોઈતું હતું. બસ આ વિવેક તું ચૂક્યો.' 

 - ભવેન કચ્છી

Related News

Icon