Home / Religion : 'Virtue is better than knowledge' But what is virtue?

Dharmlok: 'જ્ઞાન કરતાં સદાચાર શ્રેષ્ઠ હોય છે' પણ સદાચાર એટલે શું ?

Dharmlok: 'જ્ઞાન કરતાં સદાચાર શ્રેષ્ઠ હોય છે' પણ સદાચાર એટલે શું ?

- સદાચારની આદત ત્યારે જ કેળવાય છે જ્યારે માણસ મનથી માની લે કે તેની દરેક વૃત્તિ, દરેક વર્તન ભગવાન તપાસી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના માનહાનિ પ્રસંગે મહારાજા ધૃતરાષ્ટ્ર જ નહિ ભીષ્મ અને દ્રોણ જેવા જ્ઞાની મહારથીઓ પણ મૌન હતા. કોઈ સ્પષ્ટપણે અધર્મનો સામનો કરવા મક્કમ નહોતા. ધર્મ બચાવવાની ઘડીએ હાજર રહેલા જ્ઞાનીઓનું મૌન પણ દુરાચાર ગણાય. એકલા વિદુરજી ઉભા થયા અને દુર્યોધનને કડવાં પણ અસરદાર બોધ વચનો કહયાં. પણ ધર્મ-અધર્મમાં ન માનતો મૂર્ખ દુર્યોધન ખુદના કાબૂમાં નહોતો તેને રાજસભામાં વિદુરજીએ કહેલી વાતો અપમાનજનક લાગી. તે સહી ના શક્યો, (ઉત્સંગે ચ વ્યાલ.. નહિ પાપીય આહુસ્તસ્માત્) તેણે વિદુરજીને હલકા અપમાનજનક શબ્દો કહ્યા. 'અમારા માટે તમે ખોળામાં બેઠેલા ઝેરી સાપ જેવા છો. અમારા આશ્રયે જીવતા એક દાસીપુત્ર છો. પાલતુ બિલાડાની માફક પાળનારનું જ ગળું ઘોંટો છો. (ન વાસયેત.. વિદુર તત્ર ગચ્છ) એક તો તમે શત્રુઓની તરફદારી કરો છો. અમારી ઇર્ષા કરી અમારું જ બૂરું ઇચ્છો છો ! હવે તમારા જેવા માણસને ઘરમાં ના રહેવા દેવાય!!  માટે તમે જ્યાં રહેવા ઇચ્છો ત્યાં જઈ શકો છો !!'

આટલું સાંભળ્યા પછી વિદુરજીને હસ્તિનાપુરમાં રહેવું યોગ્ય ના લાગ્યું. તે પોતાની શાંતિ માટે પોતાના શસ્ત્રો વિગેરે રાજદ્વાર પર મૂકી ચાલી નીકળ્યા. હસ્તિનાપુરની સીમા બહાર જંગલમાં નદી કિનારે ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા. છતાં પોતાની ફરજ બજાવતા રહ્યાં. મંત્રી તરીકેનું સઘળું કામકાજ દૂર બેઠા બેઠા કરતા રહ્યા. વિશાળ હસ્તિનાપુરનું કામકાજ સંભાળવા તેમના હાથ નીચે અનોખું મંત્રીમંડળ હતું. અલગ અલગ જાતિના જ્ઞાની, શાણા અને ચતુર વહીવટકર્તા હતા. તેઓ દુર્યોધનની જો હુકમીથી પરેશાન હતા. એમાંના એક હતા આદિત્યકેતુ. આદિત્યકેતુ વિદુરજીની સાથે જ રહેતા. વિદુરજીની સંગતને લીધે ભીષ્મ, દ્રોણ અને મહારાજ ધૃતરાષ્ટ્ર પણ તેમને માન અને વિશ્વાસની નજરે જોતા. એકવાર આદિત્યકેતુને વિચાર આવ્યો.' શું હું વિદુરજીની સાથે કામ કરૃં છું એટલે મને માન મળે છે ? કે મારી આવડત કે જ્ઞાનના લીધે માન મળે છે. એક દિવસ રાજસભાની કાર્ય સમાપ્તિ પછી સૌની સાથે તે પાછા જવા લાગ્યા. જતાં જતાં તેમણે રાજકોષના ભંડારની મુલાકાત લીધી. કોષાધ્યક્ષ નજરે જુવે તેમ તેમણે એક સિક્કો હાથથી ઉછાળી ખિસ્સામાં મૂકી દીધો. બીજા દિવસે બે, ત્રીજા દિવસે પાંચ સિક્કા ખિસ્સામાં મૂકી દીધા. ચોથા દિવસે મુઠ્ઠી ભરીને સિક્કા સેરવી દીધા. કોષાધ્યક્ષની ચકોર નજર આ જોઇ રહી હતી. આટલો મોટો મંત્રી, જ્ઞાન અને ચોરી કરે છે ! આદિત્યકેતુને ગિરફતાર કરી રાજસભામાં રજૂ કરવામાં આવ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ વાતની ખાત્રી કરવા પૂછયું ત્યારે તેણે 'હા' ભણી. મહારાજે કહ્યું,' આદિત્ય, તેં મોટો અપરાધ કર્યો છે. સિપાહીઓ તેને લઈ જાવ. તેના જમણા હાથનું કાંડુ કાપી નાખો !!' સભામાં સોપો છવાઈ ગયો, આદિત્યકેતુ એ કહ્યું, 'મહારાજ, સજા મંજૂર છે પણ પહેલાં મારી વાત સાંભળી લો. મેં સિક્કા લીધા છે પણ હું ચોર નથી!' વિદુરજી ઘટના નજર સામે રાખી તેમનું નામ લીધા વિના આખી વાત જણાવી.' મહારાજ, મેં ચોરી નથી કરી. પરીક્ષા કરી છે, મનમાં જિજ્ઞાસા જાગી હતી કે હસ્તિનાપુરમાં સન્માન કોને મળે છે ? જ્ઞાનને કે સદાચારને ? અહીં જ્ઞાનનું કંઈ જ મહત્વ નથી. અહીં વિદુરજી જેવા જ્ઞાનીને પણ હસ્તિનાપુર છોડવું પડે છે. સન્માન સદાચારનું થાય છે ! મારો સદાચાર ખંડિત થયો અને કાંડુ કપાવવાના હુકમ થઈ ગયો. મહારાજ, જ્ઞાન નહિ સદાચાર ઉંચો છે. વિદુરજીની સદાચારી છે એટલે અહીંથી દૂર થઈ ગયા.'

રાજસભામાં ચર્ચા થઈ. સૌ સહમત થયા કે સદાચાર શ્રેષ્ઠ છે- જ્ઞાન નહિ ! સત્ય જાણીને આદિત્યકેતુને મુક્ત કરવામાં આવ્યો અને વિદુરજીને સન્માન સહિત પાછા બોલાવવા હુકમ થયો.

સદાચાર એટલે સારૃં વર્તન, સંસ્કારી, વર્તન- સદાચારીમાં આચારની શુધ્ધતા હોય છે. વર્તનમાં વિવેક હોય છે. તે વ્યવહારૂ દૃષ્ટિએ ભલે નાનો લાગે પણ તેના આચરણની છબી દરેકના હૃદયની ભીંત પર ટીંગાયેલી રહે છે. ખરેલાં પીછાં ભેગાં કરવાથી ઊડાતું નથી એમ શિષ્ટતાનો દંભ કરવાથી સદાચારી થવાતું નથી. ધ્યાનસ્થ થયા બાદ વર્ષોના અભ્યાસથી શુભ સંસ્કાર વ્યક્તિના વિચારોમાં સ્થિર થાય છે. લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાન હતા ત્યારે તેમને સરકારી મોટર આપવામાં આવી હતી. એકવાર તેમના પુત્રએ રાત્રે તેમને પૂછયા વગર ફક્ત સહેલ કરવા ગાડી ચલાવી. શાસ્ત્રીજી ઓફિસેથી ઘેર પાછા ફરતા ત્યારે ગાડી કેટલા માઈલ ચાલી છે. તેની નોંધ ડ્રાઈવર પાસે કરાવતા. બીજી સવારે મીટરમાં ફેરફાર દેખાયો. પુત્રએ કબૂલ કર્યું કે તેણે રાત્રે લટાર મારવા ગાડી ચલાવી હતી. શાસ્ત્રીજીએ કહ્યું- 'દીકરા. આ ગાડી આપણી નથી. ભારત સરકારની છે. સરકારી કામ વગર આપણાથી તેનો ઉપયોગના કરાય. ફરી ધ્યાન રાખજે. અને શાસ્ત્રીજીએ જેટલા માઈલ ગાડી ચાલી હતી. તેનો હિસાબ કરી પૈસા સરકારમાં જમા કરાવી દીધા. આ હતુ લાલબહાદુર શાસ્ત્રીનું સદાચારી જીવન. સદાચારની આદત ત્યારે જ કેળવાય છે જ્યારે માણસ મનથી માની લે કે તેની દરેક વૃત્તિ, દરેક વર્તન ભગવાન તપાસી રહ્યા છે. સદાચારી હોવું એટલે મનુષ્યનું ખોળિયું લજવાય નહિ. તે રીતે માણસ તરીકે જીવવું. શુભ આચરણ કરનાર અને મનને કાબૂમાં રાખનારનું પતન થતું નથી. સદાચારીની હસ્તરેખામાં ભલે ના હોય પણ તેના લલાટે વિવેક, સંયમ અને સમજણની રેખા અંકાયેલી હોય છે. સદાચારી સાથે ની બે પળની મુલાકાત પણ કોઈક પ્રિયજને હાથમાં મૂકેલા ગ્રીટીંગ્સ કાર્ડ જેટલું જ યાદગાર અને હૂંફાળું હોય છે. (ક્રમશ:)

- સુરેન્દ્ર શાહ

Related News

Icon