
અગોચર વિશ્વ
પ્રેમ ચેતનાનું એક પરિવર્તન છે જે વ્યક્તિને આધ્યાત્મિક રીતે વિકસિત કરવા મદદરૂપ બને છે. પ્રેમ અને આત્મ સમર્પણ વચ્ચે ગાઢ સંબંધ છે
'માનવ પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ છે - બે શરીરોમાં એક આત્મા.' 'પ્રેમ યોગનું પણ એક મહત્ત્વપૂર્ણ અંગ છે. પ્રેમથી જ વ્યક્તિ ઇશ્વર સાથે જોડાઈ શકે છે અને પોતાના જીવનમાં સાચો આનંદ પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિમાં સર્વથા નવીન ચેતનાનો સંચાર કરો, એના અસ્તિત્ત્વને સમગ્રરૂપે રૂપાંતરિત કરો જેનાથી પૃથ્વી પર નવા જીવનનો શુભારંભ થઇ શકે. પ્રેમ માત્ર માનવીય ભાવના જ નથી. એક આધ્યાત્મિક શક્તિ છે. પ્રેમ ચેતનાનું એક પરિવર્તન છે જે વ્યક્તિને આધ્યાત્મિક રીતે વિકસિત કરવા મદદરૂપ બને છે. પ્રેમ અને આત્મ સમર્પણ વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રેમનું સૌથી ગહન રૂપ તે છે જ્યાં વ્યક્તિ પોતાના અહંકારનો ત્યાગ કરીને ઇશ્વર કે ઉચ્ચતર પરમ સત્તામાં સમર્પિત થઇ જાય છે.'
ભારતના મહાન યોગી, તત્ત્વચિંતક, કવિ અને રાષ્ટ્રવાદી મહર્ષિ અરવિંદ પૂર્ણયોગ દ્વારા અતિમનસનું અવતરણ કરી દિવ્ય જીવન કઇ રીતે વિકસાવી શકાય એના પથપ્રદર્શક હતા. ૨૧ વર્ષની વયે વિદેશથી સ્વદેશ પાછાં ફર્યા તે પછી મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યોગી શ્રીલેલે મહારાજ પાસેથી યોગની દીક્ષા લઇ એમાં ઝડપથી આગળ વધવા લાગ્યા હતા. સામાન્ય સાધકોને જે આત્મ-સાક્ષાત્કાર અને પરબ્રહ્મની અનુભૂતિ કરવામાં વર્ષો કે આખું જીવન કે અનેક જન્મો વીતી જાય તે તેમણે માત્ર ૩ દિવસોમાં જ કરી લીધી હતી. ૧૯૦૮માં તેમના પર અલીપુર બોંબકાંડની ઘટના સંદર્ભે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકી અંગ્રેજ સરકારે તેમને અલીપુર જેલમાં પૂરી દીધા ત્યારે તેમનું જીવન સમૂળગું બદલાઈ ગયું. એક ક્રાંતિકારી નેતા આધ્યાત્મિક યોગી બની ગયા, તેમને જેલની વસ્તુઓમાં, અત્ર-તત્ર-સર્વત્ર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થવા લાગ્યા. આ દિવ્ય અનુભૂતિ પછી શ્રીકૃષ્ણની પ્રેરણાથી તેમણે ક્રાંતિકારી આંદોલનોને સદંતર તિલાંજલિ આપી દીધી અને અધ્યાત્મ-યોગમાં રમખાણ થઇ ગયા.
અરવિંદ કૃષ્ણધન ઘોષ સ્વદેશથી પાછા ફર્યા તે પછી તેમની પ્રતિભાથી પ્રભાવિત થઇ વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડે તેમને પોતાના સચિવ અને ત્યાંની કૉલેજમાં પ્રાધ્યાપક, પ્રિન્સિપાલ વગેરે પદે નિયુક્ત કર્યા હતા. તે બધું છોડી વડોદરાથી કલકત્તા, કલકત્તાથી ચંદ્રનગર, ચંદ્રનગરથી પોંડિચેરી આવી મહર્ષિ અરવિંદે પૂર્ણયોગની સાધના તીવ્રતમ બનાવી સમગ્ર વિશ્વને આધ્યાત્મિક જ્ઞાાન આપવાનું શરૂ કર્યું. એક દિવસ તેમને ફરી દિવ્ય સાક્ષાત્કાર થયો. તારીખ ૨૪ નવેમ્બર ૧૯૨૬ના રોજ પોંડિચેરીના તેમના આશ્રમમાં ચોવીસ જેટલા સાધકો સાથે તે સામૂહિક ધ્યાન કરી રહ્યા હતા ત્યારે અતિમનસ (અધિમનસ) ચેતનાનો પ્રકાશ તેમના શરીરમાં અવતરિત થયો. ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપે મૂર્ત થયેલી પરમ ચેતના મહર્ષિ અરવિંદના અસ્તિત્વની સ્થૂળ ભૂમિકામાં ઊતરી આવી. તે પછી તેમણે સાધના વધારે તીવ્રતમ બનાવી જેથી અતિમનસ પ્રકાશની જેમ અતિમનસ્ શક્તિ પણ તેમના સ્થૂળ શરીરમાં અવતરિત થઇ જાય. એ પછી મહર્ષિ અરવિંદે આશ્રમની બધી જવાબદારી ફ્રાન્સના વિદ્વાન પોલ રિશાહના પત્ની મીરાને સોંપી દીધી. અત્યારે આપણે મીરાને પૂ.માતાજી તરીકે ઓળખીએ છીએ.
'પૂર્ણયોગ' અને 'અતિમનસ તત્ત્વ અવતરણ' વિશે મહર્ષિ અરવિંદ કહેતા હતા. 'માનવીએ એના જીવનને દિવ્ય બનાવવાનું છે. પોતાની નિમ્ન પ્રકૃતિનું ઊર્ધ્વીકરણ કરીને એને ભાગવત ચેતનામાં પરિવર્તિત કરવાની છે. માનવીએ 'માનવ'માંથી 'અતિમાનવ' બનવાનું છે. તેણે મનને વધારે ને વધારે ઊંચી, ઊર્ધ્વ ભૂમિકાએ લઇ જવાનું છે. સાધારણ મનથી ઉપર ઊર્ધ્વ મન, પ્રકાશિત મન, પ્રેરણાત્મક મન અને અતિમનસ (અધિમનસ) આવેલા છે.'
આપણે જે તપશ્ચર્યા કરવાની છે તે સાચી આજ્ઞાાધીનતાથી અને પ્રભુ પ્રેમથી કરવાની છે. તેમાં પ્રભુની હાજરી પણ અનુભવવાની છે. તે તપ આનંદમય બની જવું જરૂરી છે. આપણા સ્વરૂપમાં ચાર તત્ત્વો છે. ૧. શરીર, ૨. પ્રાણ, ૩. મન, ૪. ચિત્ત. આ ચારેય સાધનોને આપણે પ્રભુના આવિર્ભાવ માટે તૈયાર કરવાના છે. આ ચાર તપસ્યાને પૂ. માતાજીએ ચાર નામ આપેલા છે - ૧. શરીરની તપસ્યા એટલે સૌંદર્યની તપસ્યા, ૨. પ્રાણની તપસ્યા એટલે શક્તિની તપસ્યા, ૩. મનની તપસ્યા એટલે જ્ઞાાનની તપસ્યા, ૪. ચિત્તની તપસ્યા એટલે પ્રેમની તપસ્યા, પૂર્ણયોગમાં જ્ઞાાન, ભક્તિ, કર્મ ત્રણેય યોગનો સમન્વય કરવાનો રહે છે. કારણ કે માત્ર ધ્યાનથી તમને આંતરિક અનુભૂતિઓ આવે છે પણ બાહ્ય પ્રકૃતિને તે બદલી શક્તું નથી. તેથી બદલાયેલી આંતર પ્રકૃતિ અને ન બદલાયેલી બાહ્ય પ્રકૃતિ વચ્ચે વિસંવાદ રચાય છે. આ પ્રકારની એકાંગી સાધનામાં કર્મ કરતી વખતે માનવ વિભાજિત સ્વરૂપમાં જીવે છે.
‘On Himself' ગ્રંથમાં મહર્ષિ અરવિંદ લખે જ છે - ‘It is not our experience that by meditation alone it is possible to change the nature.'
સમગ્ર જીવન દ્રષ્ટિ માટે મહર્ષિ અરવિંદ જ્ઞાાન સાથે યોગને પણ એટલો જ મહત્ત્વનો જણાવે છે. તે કહે છે કે યોગ દ્વારા માનસિક શાંતિ, સંતોષ અને સુખ મળે છે. યોગ છોડવાની નહીં, જોડવાની પ્રક્રિયા છે. ઇન્દ્રિયોને આત્મા સાથે જોડવાની છે. યોગ અઘરા આસન કે પ્રાણાયામ નથી, પણ ઇશ્વર પ્રત્યે નિષ્કામ બની પ્રેમ અને આત્મસમર્પણ કરવાનું અને પોતાને દિવ્ય રૂપમાં પરણિત કરવાનું છે.
અતિમનસના અવતરણ માટે પૂર્ણ યોગ સાધવા પૂ. માતાજીએ ત્રણ ઉપાયો બતાવ્યા છે - ૧. સહસ્રાર ચક્રમાં આવેલા બ્રહ્મરંધ્રમાં કે બન્ને ભ્રમરની વચ્ચે આવેલા આજ્ઞાાચક્રમાં કે ગળાની નીચે આવેલા વિશુદ્ધિ ચક્રમાં ધ્યાન કરવું. ૨. આધ્યાત્મિક પ્રવૃત્તિ, જ્ઞાાનયુક્ત પ્રેમલક્ષણા ભક્તિમાં ઓતપ્રોત રહેવું. ૩. બધી ચિત્ત વૃત્તિઓ અને શારિરીક પ્રક્રિયાઓ પરત્વે સાક્ષીભાવ રાખવો. મન નિર્મળ અને શાંત થાય ત્યારે પરમાત્માની ચેતના અતિમનસ સ્તર પર ઊતરે છે. અતિમનસ દેવોનો લોક છે. પૂર્ણયોગથી ત્યાં પહોંચી શકાય છે. મહર્ષિ અરવિંદ કહેતા હતા - શાશ્વત સત્ય કોઈપણ ધર્મ, સંપ્રદાય, પંથ, શાસ્ત્ર, વિચાર કે દર્શન એ બધાથી મોટું છે. તેમના દર્શનનું લક્ષ્ય ઉદાત્ત સત્યનું જ્ઞાાન (relization of the sublime Truth) છે. આ ઉદાત્ત સત્યનું જ્ઞાાન સમગ્ર જીવન દ્રષ્ટિ (Integral view of life)થી પ્રાપ્ત થાય છે. જીવનને અને જગતને ખંડિત રીતે નહીં, પણ અખંડિત રીતે જોવું જોઇએ. આ સમગ્ર, અખંડિત જીવનદ્રષ્ટિ પૂર્ણયોગથી અતિમનસનું અવતરણ થાય ત્યારે બ્રહ્મૈકયની અનુભૂતિથી આવે છે.