ગઈકાલે રાજસ્થાન રોયલ્સ (RR) ના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ દરેક ચોંકાવી દીધા હતા. માત્ર 14 વર્ષની ઉંમરે, વૈભવે ગુજરાત ટાઈટન્સ (GT) સામે 35 બોલમાં શાનદાર સદી ફટકારી. તે IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બીજો ખેલાડી બન્યો છે. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકાર્યા બાદ હવે તેના પિતા સંજીવ સૂર્યવંશીનું નિવેદન પણ આવ્યું છે. તેમણે બિહાર ક્રિકેટ એસોસિએશન અને રાજસ્થાન રોયલ્સના સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.
વૈભવના પિતાએ RRના કોચ રાહુલ દ્રવિડ અને અન્ય સપોર્ટ સ્ટાફ તેમજ ટીમ મેનેજમેન્ટની પણ પ્રશંસા કરી અને તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો. સંજીવ સૂર્યવંશીએ કહ્યું, "વૈભવે IPLની મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારીને પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સને જીત અપાવી છે. તેની આ સિદ્ધી માટે અમે બધા ખૂબ જ ખુશ છીએ. આજે આખો જિલ્લો, આખું રાજ્ય અને આખો દેશ વૈભવની રમતથી રોમાંચિત છે."
તેમણે રાજસ્થાન રોયલ્સના સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો અને કહ્યું, "અમે રાજસ્થાન રોયલ્સ ટીમ અને ખેલાડીઓનો દિલથી આભાર માનવા માંગીએ છીએ, જેમણે છેલ્લા 3-4 મહિનાથી વૈભવને ટ્રેનિંગ આપી છે. હેડ કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, સાઈરાજ બહુતુલે, ઝુબિન ભરૂચા, રોમિ સર અને અન્ય મેનેજમેન્ટ સભ્યોએ વૈભવની રમતમાં સુધારો કર્યો છે અને તેને વધુ સારી બનાવી રહ્યા છે. વૈભવે પણ ખૂબ મહેનત કરી હતી, અને તેને પરિણામ મળ્યું છે."
આ સિવાય સંજીવ સૂર્યવંશીએ બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) ના પ્રમુખ રાકેશ કુમાર તિવારીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "અમે તેમનો દિલથી આભાર માનીએ છીએ કે તેમણે આટલી ઓછી ઉંમરે વૈભવને રમવાની તક આપી. વૈભવે સારી રમત બતાવી અને તે અહીં સુધી પહોંચ્યો છે."