ચોમાસાના આગમન સાથે દઝાડી દેતી ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે. પરંતુ દરેક મોસમને સારાં-નરસાં બંને પાસાં હોય છે. મેઘરાજા મહેરબાન થાય અને મોસમ મસ્ત મસ્ત બની જાય ત્યારે આપણી ત્વચા પર તેની માઠી અસર પડે છે. આ સીઝનમાં ચામડી તરડાઈ જવી કે એલર્જી થવી જેવી બાબતો સામાન્ય છે. આવી સ્થિતિમાં ત્વચાને નરમ-મુલાયમ અને સ્વચ્છ રાખવા સ્ક્રબનો પ્રયોગ મહત્ત્વનો બની જાય છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે સ્ક્રબિંગ માત્ર તમારા ચહેરા માટે જ નહીં, પણ સમગ્ર શરીર માટે જરૂરી બની રહે છે. સ્ક્રબિંગ કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થાય છે, રક્ત પ્રવાહ ઝડપી બને છે, ત્વચા તાજી અને કાંતિવાન લાગે છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે તમે રોજેરોજ સ્ક્રબ કર્યા કરો.

