
- મેનેજમેન્ટ
- જગતની અમુક કંપનીઓ એટલી રાક્ષસી કદની થઈ ગઈ છે કે એમનું માર્કેટકેપ કેટલાક અમુક દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. આ કંપનીઓ ભલભલી સરકારોને નમાવી શકે છે
સારા વિચારોનું લોકશાહી સરકારોનું લોકોના સરાસરી જીવન આવરદાનું અને તમામ પ્રકારની આરોગ્ય તેમજ શિક્ષણ સેવાઓનું વિસ્તરણ થાય તેવું દરેક રાષ્ટ્ર ઈચ્છે છે, પરંતુ તેમ થતું નથી અથવા તે વિસ્તરણ ઘણું ધીમું થાય છે. અલબત્ત અનિષ્ઠ વિચારસરણીઓ,અપ્રામાણિક સરકારોનું કે અરાજકતાવાદનું આપણે વિસ્તરણ ઈચ્છતા નથી. પરંતુ જગતના અર્થકારણમાં મોટી, તોતિંગ, રાક્ષસી કંપનીઓના કદ વિસ્તરતા જાય છે અને તેમાંના કેટલાકની માર્કેટકેપ નાના દેશોના જીડીપી કરતાં પણ વધારે છે.
સફળ કંપનીઓનું વિસ્તરણ એક સાહજિક બાબત છે. દરેક કંપની પોતાની પ્રોડક્ટ્સ કે સર્ર્વિસીઝ માટે ગ્રાહકોની સંખ્યા અને ગ્રાહક દીઠ વેચાણ વધે તેની અપેક્ષા રાખે છે. આ માટે મેનેજમેન્ટ ટેકનિકોની અદ્ભુત શોધો થઈ છે. મેનેજમેન્ટના સ્ટ્રકચર્સ બદલાયાં છે અને ઓટોક્રેટીક કે બ્યુરોક્રેટીક વ્યવસ્થાતંત્રોને બદલે અનેક પ્રકારનાં નવાં વ્યવસ્થાતંત્રોની રચના થઈ છે. ઈ.સ. ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરૃં થયું પછી મેનેજમેન્ટનાં સ્ટ્રકચર્સ (માળખા)માં અનેક ફેરફારો થયા છે. સત્તા ઉપરથી નીચે જવાને બદલે નીચેથી ઉપર જાય અને મેનેજીરયલ સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તેવો ટ્રેન્ડ શરૂ થયો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ બ્યુરોક્રટીક મેનેજમેન્ટ જે સરકારી ખાતાઓમાં હજી ચાલુ છે તેને બદલે નવા પ્રકારનાં વ્યવસ્થાતંત્રો શોધાયાં. ધંધાકીય ટોપ મેનેજમેન્ટ પોતાની કંપનીઓનો વિસ્તાર વધારવા સંસ્થાકીય માળખાઓ પર અત્યંત ગહન વિચારણા કરી છે અને એટલા બધા નવા માળખાઓની રચના કરી છે કે આપણે દંગ થઈ જઈએ. તેમાંના કેટલાક નવરચિત મેનેજમેન્ટના માળખાઓ નીચે મુજબ છે : ધ સેલ્ફ ઈવેલ્યુએટીંગ ઓર્ગેનાઈઝેશન, ધ સેલ્ફ કરેક્ટિંગ ઓર્ગેનાઈઝેશન, ધ નેટવર્કડ ઓર્ગેનાઈઝેશન, ધ ક્લસ્ટર ઓર્ગેનાઇઝેશન, ધ વર્ચ્યુઅલ કોર્પોરેશન, ધ નોલેજ ક્રીએટીંગ કંપની, ધ સ્માર્ટ ઓર્ગેનાઇઝેશન, ધ શાપટોક ઓર્ગેનાઇઝેશન, ધ ક્રેઝી ઓર્ગેનાઇઝેશન, ધ સેલ્ફ ડિઝાઈનીંગ ઓર્ગેનાઇઝેશન, ધ લિવીંગ કંપની, ધ ડેમોક્રેટીક ઓર્ગેનાઇઝેશન, વગેરે. આ તમામ પ્રકારનાં વ્યવસ્થાતંત્રો કલ્પનાના ઘોડા નથી, તેઓ હકીકત છે. પરંતુ આ બધા વ્યવસ્થાતંત્રીય પ્રકારોના ધ લર્નિંગ ઓર્ગેનાઇઝેશન જેની બૌદ્ધિક રચના અમેરિકાની એમઆઈટીના પ્રોફેસર પીટર સેનજીએ ઈ.સ. ૧૯૯૦માં કરી તેનું પ્રચલન વધારે છે અને પશ્ચિમ જગતની અનેક કંપનીઓએ તે મોડેલ અપનાવ્યું છે. અલબત્ત, ઉપરનાં તમામ મેનેજમેન્ટ મોડેલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ધરાવતાં યંત્રોની શોધ પહેલા થયાં હતાં. હવેની કંપનીઓ એઆઈ ટેકનોલોજીનો ધડાધડ ઉપયોગ કરવા માંડી છે તેથી વ્યવસ્થાતંત્રીય માળખાઓમાં અનેક ફેરફારો થશે. હવેના મેનેજમેન્ટમાં જૂના કૌશલવાળા મેનેજરો નહીં ચાલે. મેનેજમેન્ટના માળખા એ કાંઈ વ્યાકરણ કે ગણિત નથી કે તેને વિશે ચોકસાઈથી કહી શકાય. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાઓમાં અમેરિકામાં જાપાનીઝ મેનેજમેન્ટ સ્ટાઇલ - ખાસ કરીને જાપાનીઝ મેનેજમેન્ટનો કૈઝાન એટલે કે મેનેજમેન્ટમાં સતત સુધારણા પર ભાર અને ગુણવત્તા સંચાલન પરનો આગ્રહ પશ્ચિમ જગતમાં ઘણા વખણાયા હતા. જાપાનની ટોયોટા કંપની વિશ્વના બજારોમાં એટલી પ્રસિદ્ધ થઈ ગઈ હતી કે ટોયોટા મેનેજમેન્ટની પ્રતિષ્ઠા ટોચ પર પહોંચી ગઈ હતી અને કાર ઉદ્યોગમાં સફળ મેનેજમેન્ટને 'ટોયોટાવે' (ટોયોટાપંથી) નામ આપવામાં આવ્યું હતું. હવે માસ પ્રોડકશન અને માસ માર્કેટીંગ (અહીં માસનો અર્થ પુષ્કળ મોટા જથ્થામાં ઉત્પાદન કે વિતરણના અર્થમાં થાય છે)ની આવડત ભારતીય કંપનીઓને પણ આવડી ગઈ છે, જેથી ભારતીય કાર-સ્કૂટર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, રસાયણ અને દવા ઉદ્યોગ, સિમેન્ટ અને સ્ટિલ ઉદ્યોગ, ફર્ટીલાઇઝર ઉદ્યોગ વગેરેએ માસ પ્રોડકશન અને માસ માર્કેટીંગમાં અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી છે. અલબત્ત, હવે ઉદ્યોગોમાં માસ પ્રોડક્શન અને માસ માર્કેટીંગના કૌશલને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેવામાં આવે છે અને હવે મેનેજમેન્ટનો મુખ્ય ભાર માલ ઉત્પાદન અને માલ વિતરણ કરતાં પણ નવી પ્રોડક્ટ કે નવા પ્રોસેસની શોધખોળ પર કેન્દ્રીત થયું છે. મેનેજમેન્ટમાં ઊંચી બુદ્ધી શક્તિ (હાઈ ઈન્ટેલીજન્સ)નું સ્થાન ઊંચી ક્રિએેટિવીટીએ લીધું છે, કારણ કે આજના તોતિંગ અને સૌથી સફળ ઉદ્યોગો સ્ટિલ, સિમેન્ટ, ટેક્સટાઈલ, માઈનીંગ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે નથી, પરંતુ ડિજિટલ સાધનો કે યંત્રો કે પાટર્સ (ખાસ કરીને માઈક્રોપ્રોસેસર)ના ઉત્પાદન ક્ષેત્રે છે.
સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ થિંકીંગનો ઉદય
ઈ.સ. ૧૯૮૦ પછી અમેરિકાના મેનેજમેન્ટના ક્ષેત્રમાં સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના વિચારોનો જન્મ થયો, જેમાં પ્રો. માઇકલ પોટરનું સ્થાન મોખરે છે. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના વિચારે કંપનીના લોંગ ટર્મ પ્લાનિંગનાં ખાતાઓ બંધ થઈ ગયાં, કારણ કે મેનેજમેન્ટમાં લાંબા ગાળાનું આયોજન મેનેજમેન્ટ માટે મુખ્ય પડકાર ગણવામાં આવતો. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટે મેનેજમેન્ટના ક્ષેત્રમાં નવી જ દિશા અને નવા જ વિચારોનું સર્જન કર્યું અને બ્રિટીશ મેનેજમેન્ટના વિચારો અને વ્યવહારોને તદ્દન પાછળ પાડી નાખ્યા. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટમાં સ્વોટ એનાલિસીસ એટલે કે કંપનીની સ્ટ્રેન્થ્સ (તાકાતો), વીકનેસીઝ (નબળાઈઓ), ઓર્પોચ્યુનિટીઝ (તકો) અને થ્રેટ્સ (કંપની સામેનાં પડકારો અને ભયસ્થાનો)ની ટેકનિક જબરજસ્ત મેનેજમેન્ટપ્રિય સાબિત થઈ. દરેક કંપનીને પોતાનું મિશન, વિઝન અને ઓબ્જેક્ટિવ્ઝ તદ્દન સ્પષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો. સ્ટ્રેટેજીક મુવ્ઝ અને ટેક્ટિકલ મુવ્ઝ વચ્ચેના તફાવતો સ્પષ્ટ કર્યા અને દરેક કંપનીની પોતાની મર્મસ્થ કુશળતા (કોર કોમ્પીટન્સ) ક્યા ક્ષેત્રમાં છે તેની સ્પષ્ટ સમજ હોવાની જરૂરિયાત પર ભાર મુક્યો. આ કોર કોમ્પીટન્સનું જ લેવરેજીંગ કરીને કંપની સફળતા પ્રાપ્ત કરી શકે છે, જેથી કંપનીઓને લેવરેજીંગના કન્સેપ્ટને સમજવાની અને સંભાળવાની ફરજ પાડી. વળી, કંપનીએ માત્ર નફાને 'મેક્સિમાઈઝ' કરવાનો નથી, પણ કંપનીના તમામ ઘટકો (શેરહોલ્ડર્સ, કર્મચારીઓ, ગ્રાહકો, જનરલ પબ્લિક, સરકાર, વાતાવરણ) સાથે સંતુલન ઊભું કરવાનું છે. માત્ર નફાનું મહત્તીકરણ કંપનીને નષ્ટ કરી શકે છે.
જગતમાં અત્યારે કંપનીઓ એટલી રાક્ષસી કદની થઈ ગઈ છે કે તેમની કેટલીક કંપનીઓનું માર્કેટકેપ અમુક દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. આ તોતિંગ કંપનીઓ ભલભલી સરકારોને પણ નમાવી શકે છે. દા.ત. ભારતની કુલ જીડીપી ૨૦૨૦માં ૩ ટ્રિલિયનથી પણ ઓછી હતી, જ્યારે અમેરિકાની એકલી એપલ કંપનીનું માર્કેટકેપ ૩.૧ ટ્રિલિયન ડોલર્સથી વધુ છે, માઇક્રોસોફ્ટ, જેની ૧૯૭૫માં સ્થાપના થઈ હતી, તેનું માર્કેટકેપ ૨.૯ ટ્રિલિયન ડોલર્સ, એનવીડિયાનું માર્કેટકેપ ૨.૭ ટ્રિલિયન ડોલર્સ, એમેઝોનનું બે ટ્રિલિયન ડોલર્સ અને આલ્ફાબેટ (ગુગલ)નું માર્કેટકેપ ૨ ટ્રિલિયન ડોલર્સ છે. આ તમામ કંપનીઓ ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ પ્રકારના કોર્પોરેટ જાયન્ટ્સ જગતની ભલભલી સરકારોને નમાવી શકે છે અને હિમાલયની ટોચ જેટલું વેચાણ અને નફો કરી શકે છે અને કરે છે.