
- મેનેજમેન્ટ
- અગાઉ માનવજાત શારીરિક શક્તિને મહત્ત્વ આપતી,પછી એવું સ્થાન બુદ્ધિએ લીધું. હવે ર૧મી સદીમાં ક્રિએટિવિટીનું મહત્ત્વ વધ્યું છે.
સાહિત્યમાં, કલામા કે વિજ્ઞાાનમા નવી શોધોનો વિચાર એક ઝબકારારૂપે પ્રગટ થાય છે. સાહિત્યમા ખાસ કરીને કાવ્યોની રચના કરનારાઓને આ અનુભવ થઇ ચૂક્યો હોય છે. આ ઝબકારા ક્યારે અને કોને પ્રગટ થશે તેની આગાહી થઇ શક્તી નથી. અંગ્રેજીમાં આને મૂળ ગ્રીક શબ્દ પરથી બનેલો શબ્દ યુરેકા યુરેકા મોલેન્ટ ('મેં ખોળી નાખ્યું છે, મૈં ખોળી નાખ્યું છે') કહે છે. આવો સર્જનાત્મક ઝબકારો તમે સ્નાન કરતા હો,ટ્રેનમાં બેઠા હો, તંદ્રાવસ્થામાં હો,ચાલતાહો અને ચાર રસ્તા પર ઉભા હો કે મીટીંગમા બેઠા હો કે ગાઢ નીદ્રાવસ્થામા હો કે તાવમા સબડતા હો ત્યારે પણ આવી શકે છે. તે એકાએક આવે છે: માનવમગજમા કામ કરતા અબજો ન્યુરોન્સની તે કમાલ છે.
માનવીનું મગજ: વૈજ્ઞાાનિકોના મત મુજબ સમસ્ત બ્રહ્માંડમાં માનવીનું મગજ સૌથી અટપટુ યંત્ર છે. અહીં અટપટુ એટલે કોમ્પ્લેક્ષ કે જટીલ કે કરોડો ગૂચવાળોથી ભરેલુ તેવો અર્થ અભીપ્રેત છે. મગજના કોષોને 'ન્યુરોન્સ' એવુ ખાસ નામ આપવામા આવ્યું છે અને માનવકોષનુ રહસ્ય હજી માનવમન પૂર્ણ રીતે ખોળી શક્યું નથી. મગજના રહેલા ન્યુરોન્સની કામગીરી હજી વધુ ઊંડાણથી સમજીશું તો જ માનવજાત કેન્સર પર વિજય મેળવી શકશે. ન્યુરોન્સની ભાષા બાયોકેમીકલ્સની ભાષા છે અને તેથી તેના બાયોકેમીકલ સંદેશાઓ સમજવાનુ કામ કઠિન છે. માનવીને મગજમા ક્રોધ ઉત્પન્ન થાય તે પણ મગજમા થતી બાયોકેમીકલ પ્રક્રિયા છે. મગજની સમગ્ર પ્રક્રિયા જે ચેતન,અચેતન અને અર્ધચેતનાવસ્થા (સબકોન્સીયસ)મા થાય છે તેને આપણે મન કહીએ છીએ.
મેનેજમેન્ટમા સર્જનશીલતા: ઉપરની ચર્ચાને મેનેજમેન્ટ સાથે સીધો સંબંધ છે. મેનેજમેન્ટમા અત્યાર સુધી 'પ્લાનીંગ અને ડીમીશન મેકીંગ'ને મેનેજમેન્ટનું સૌથી અગત્યનુંકામ ગણવામાં આવતું હતું અને તે પછી નિર્ણયોના અમલીકરણ (ઇમ્પ્લીમેન્ટેશન)નું ગણાતુ હતું. આ પ્રક્રિયાના કેન્દ્રમા ઊંચી બુદ્ધિશક્તિ હતી. ઊંચી બુદ્ધિશક્તિ એટલે હાઈઇન્ટેલીજન્સ જેનુ મુખ્ય કામ કોયડાઓના ઉકેલનું છે. તેને 'પ્રોબ્લેમ સોલ્વીંગ સ્કીલ્સ' કહે છે. હવે ૨૧મી સદીની શરૂઆતથી અને વીસમી સદીના છેલ્લા ૨૫ વર્ષના મેનેજમેન્ટમા બુદ્ધિઆંક (ઇન્ટેલીજન્સ ક્વોશન્ટ) કરતાં ક્રીએટીવીટી ક્વોશન્ટનુ મહત્ત્વ વધ્યું છે. માનવ સમાજમા આ પહેલા નવી શોધો કોઇક એકલ દોકલ જીનીયસ વ્યક્તિના મગજમા ઉદ્ભવતી હતી પરંતુ હવે ચીજવસ્તુઓ અને સેવાઓના ક્ષેત્રોમા નવી શોધો જગતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની રીઝર્વ લેબોરેટરીઝમાં કે કંપનીઓના રીઝર્વ એન્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટસમાં થાય છે. અલબત્ત આ રીસર્ચમાં પણ નવી શોધો ઝબકારા રૂપે જ પ્રગટ થાય છે પરંતુ હવેના જમાનામા રીર્સચ એન્ડ ડેવલપમેન્ટની કામગીરીનું સંસ્થીકરણ (ઇન્સ્ટીટયુશનલાઈઝેશન) થઇ ગયું છે.
હવેના નવા સંશોધનોની પાછળ મજબૂત ટીમવર્ક રહેલું હોય છે. રીસર્ચના મુખ્યત્વે બે પ્રકાર હોય છે: જ્યારે રીસર્ચ જે હજી મુખ્યત્વે યુનિવર્સિટીઓ કે સ્વતંત્ર રિસર્ચ સંસ્થાઓમા થાય છે. તે કુદરતના નિયમો ખોળી કાઢે છે. એપ્લાઇડ રીસર્ચ મુખ્યત્વે કંપનીઓના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખાતાઓમા થાય છે. જ્યારે રીસર્ચની વાત કરીએ તો જો કેલીફોર્નીયામાં રીસર્ચમાં અફલાતૂન સ્ટેનફંડ યુનિવર્સિટી ના હોત તો ત્યાં સીલીકોનવેલીની સ્થાપના થઇ ના હોત. આજે તો સીલીકોનવેલી કોમ્પ્યુટર્સ અને એઆઈક્ષેત્રનું મુખ્યધામ બની ગઈ છે. અમેરિકાનો આ વિસ્તાર અમેરિકાના બદ્રીનાથ કેદારનાથ છે અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ મુવમેન્ટનું પણ જન્મ સ્થાન છે. ટૂંકમાં સ્માર્ટ પ્રોબ્લેમ સોલ્વીંગ અને ક્રેએટિવિટી બે જુદી જુદી બાબતો છે. પ્યોરી રીસર્ચના ક્ષેત્રમા ક્રેએટિવિટીનું સ્થાન મોખરે છે અને અનિવાર્ય છે.
રૂટીન મેનેજમેન્ટ: રૂટીન મેનેજમેન્ટને ક્રેએટિવિટી મેનેજમેન્ટમા ફેરવવાનું કમાલનું કામ આધુનિક મેનેજમેન્ટના વિચારકોએ કર્યું છે. આધુનિક મેનેજમેન્ટે બ્યુરોક્રેટીક મેનેજમેન્ટને ઠોકરે મારીને લર્નીગ ઓર્ગેનાઇઝેશન્સ ઊભા કર્યા છે. વ્યવસ્થાતંત્રની બાબતમા એટલા બધા ફેરફારો કર્યા છે કે તેનો લાભ ગ્રાહકોને ટકાઉ અને સસ્તી પ્રોડક્ટસ કે સર્વીસીઝ રૂપે મળ્યો છે. ગ્રાહકો માટે નવા નવા લાભો સિધ્ધ કરવા. બાઉન્ડ્રીસેલ ઓર્ગેનાઇઝેશન, મેટ્રીક્ષ ઓર્ગેનાઇઝેશન અને લર્નીંગ ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે. ભારતીય બ્યુરોક્રસીને અતિપ્રિય એવી ટોપ ડાઉન મેનેજમેન્ટને બદલે બોટમ અપ મેનેજમેન્ટ સ્ટ્રકચર્સ ઉભા કર્યા છે. આ બાબતમા ખાનગી સાહસોની પેઢીઓએ કમાલની સિધ્ધી મેળવી છે જ્યારે સહકારી તંત્રો અને ઓફીસો હજી બ્યુરોક્રેટીક માળખા પર ચાલે છે. ભારતનુ અત્યારે ધર્મ ભરપૂર અને ધાર્મિક શ્રધ્ધાથી ખદબદતું વાતાવરણ નવી શોધો માટે પ્રેરણાદાયક નથી. ધાર્મિકચિંતન 'સ્ટેગ્નન્ટ' હોય છે.
દુનિયાની દરેક નવી શોધ સમાજમા નવા ભયો ઉત્પન્ન કરે છે. રાસાયણિક ખાતરની શોધે એવો ભય ઊભો કર્યો હતો કે તેના ઉપયોગે કે વધુ પડતા ઉપયોગથી ખેતીની જમીન બીનઉપયોગ થઇ જશે અને ખેતીલાયક નહી રહે. રાંધણગેસની શોધે ભારતભરમા એવો ભય ઊભો કર્યો હતો કે તેના ઉપયોગથી રસોડામા આગ ફાટી નીકળશે અને ગેસનું વોસર ચામડાનું હોવાથી રસોડાને અપવિત્ર કરે છે. પેનીસીલીનની શોધે અસંખ્ય લોકોના જીવ બચાવ્યા છે પરંતુ તેની શોધ થઇ તે વખતે પેનીસીલીનની આડઅસરોને કારણે દર્દી મરી જશે તેવા ભયો ઊભા થયા હતા.
રેફરીજરેટરોની શોધ પછી એવો ભય ફેલાવવામા આવ્યો હતો કે તેનું ઠંડુ પાણી પીવાથી લોકોને શરદી થઈ જશે અને તેઓમાના ઘણા મરી જશે. પ્રેશર કૂકરને લીધે ઘરની સ્ત્રીઓ આળસુ થઇ જશે, રેફ્રીજરેટરની શોધ માટે એક વધુ ભય એવો દર્શાવાયો હતો કે હવે ઘરની ગૃહીણીમાં તાજા ખોરાકને બદલે રેફ્રીજરેટરમાં વાસી ખોરાક કુટુંબોને પીરસશે. અત્યારે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અંગે માનવજાતમાં અનેક ભયો ફેલાવવામા આવ્યા છે. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સવાળા સાધનો માનવજાત માટે રક્ષકમાથી ભક્ષક થઇ જશે, તેઓ માનવજાતને ગુલામ બનાવી દેશે વગેરે. એક સમય એવો પણ છે કે રોબોટસ માનવજાતનો કબજો લઇને તેને ગુલામ બનાવી દેશે.
માનવજાત બુદ્ધિશક્તિમાંથી સર્જનાત્મક શક્તિમાં (ક્રીએટીવીટી) ઉત્ક્રાંતિત થઇ રહી છે તે ઘણી મોટી બાબત છે. આ નવી સર્જનાત્મક શક્તિ માનવજાતનું સરાસરી આયુષ્ય ૨૦૦ વર્ષનું કરી શકે તો જીવવાની હજી વધારે મઝા પડી જાય. ઘરડાનું જીવન કંટાળાજનક, બીનઉપયોગી અને રીપીટીટીવ એવુ માનનારાઓ જડ લોકો જૂના જમાનાના છે.
માનવજાત પહેલા મસ્ક્યુલર સ્ટ્રેન્થ પર ફિદા હતી, પછી બુદ્ધિશક્તિ પર ફિદા થઇ અને હવે ક્રિએટિવિટી ની શક્તિ પર ફિદા થઇ રહી છે. તે પછી ભ્રામક સ્પીરીટયુઆલીટીનો વારો આવશે અને સમાજને ફરીથી ભક્તીયુગમા પાછો લઇ જશે.
- ધવલ મહેતા