Home / : A discovery of the cornerstone of self-improvement!

Ravi purti / આત્મસાધનાની આધારશિલાની એક શોધ!

Ravi purti / આત્મસાધનાની આધારશિલાની એક શોધ!

 જાણ્યું છતાં અજાણ્યું

- 'અસૂતા મુનિ' એટલે કે જે જાગેલો છે તે મુનિ છે. આનો મર્મ એ કે મુનિ માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો તે વ્રત, જપ કે તપ નહીં, બલ્કે પ્રબળ જાગૃતિ છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જિં દગી એટલે શું? બીજું કશું નહીં માત્ર પસંદગીનો ખેલ. જીવનમાં કયા રસ્તે ચાલવાનું તમે પસંદ કરો છો એ પ્રમાણે તમારી મુસીબતો અને મંજિલ નક્કી થતી હોય છે. બીજા અર્થમાં કહીએ તો જિંદગીમાં સારાસારનો વિવેક કરવો એ જ મહત્ત્વની બાબત છે અને જુઓ માત્ર આઘ્યાત્મિક સાધના માર્ગે જ નહીં, બલ્કે ભૌતિક કર્મયોગ સમયે પણ વિવેકશક્તિ જાગૃત હોવી જોઈએ. 

એનું કારણ એ છે કે જગતના ઉદ્યાનમાં જેમ રંગબેરંગી સુવાસિત અને આકર્ષક પુષ્પો લહેરાતા જોવા મળે છે એ જ રીતે મનુષ્યજગતમાં પણ કોઈ તુલસી તો કોઈ આંકડો, કોઈ મોગરો તો કોઈ જાસુદ, કોઈ પારિજાત તો કોઈ ગુલમહોર જોવા મળે છે. એક મનુષ્ય મહાત્મા બનીને અનેક વ્યક્તિઓનાં જીવનમાં પ્રકાશ ફેલાવે છે, તો બીજો મનુષ્ય હિટલર બનીને માનવ-સમુદાયની ક્રૂરતાથી હત્યા કરે છે. માણસમાં જેમ દેવ છુપાયેલો છે, એ જ રીતે દાનવ પણ છુપાયેલો છે અને એથી જ ચિંતક અને ઇતિહાસવિદ્ કાર્લાઇલે કહ્યું છે : ''દરેક મનુષ્ય એ હરતું-ફરતું આશ્ચર્ય છે. એ બે પ્રકારે બનેલો છે. એક છે દિવ્ય અને બીજો છે પાર્થિવ. પોતાના પાર્થિવ અંશો જોઈને એણે નમ્ર થવું જોઈએ. દિવ્ય અંશ જોઈને પોતાનું આચરણ પવિત્ર તેમજ ઉદાત્ત રાખવું જોઈએ.''

સઘળી બાબતોનો આધાર આપણી વિવેક દ્રષ્ટિ પર છે. હકીકતમાં માનવ દેહ એ બીજ છે અને એમાંથી આત્માની સુવાસ પ્રગટાવવી, એ બીજમાંથી પ્રગટતું વૃક્ષ છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે બીજ માત્ર બીજ તરીકે રહી જાય છે અર્થાત્ એ બીજને વિકસવાની કોઈ તક મળતી નથી. એની સુષુપ્ત સંભાવનાઓને પ્રગટ થવાનો કોઈ માર્ગ મળતો નથી, આથી પોતાના આત્માની અનંત શક્તિઓને વિકસાવી વ્યક્તિ આત્મસાક્ષાત્કાર પામી શકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે જેમ જગત અસીમ છે, તે જ રીતે મનુષ્યનો આત્મા પણ અસીમ છે. 

આ આત્મા વિશે માત્ર ભારતીય પરંપરાના લોકોએ જ વિચાર કર્યો નથી. પશ્ચિમના જગતમાં પણ આત્મા વિશે ઘણો ઊંડો વિચાર થયો છે. માત્ર આત્માનાં ગુણોને જોવાની એની દ્રષ્ટિ જુદી છે. વિવેકદ્રષ્ટિ દ્વારા આ આત્માના ગુણોને વિકસાવવા એટલે મુમુક્ષુ થવાની સંભાવનાઓને વિકસિત કરવી. આથી વિવેક એ મોક્ષનંશ પ્રથમ પગથિયું છે. માનવી તો તમને ઘણાં મળે, પરંતુ એનામાં માનવતા મળવી વિરલ છે.

'હે ભાઈ! જો તું મુક્તિ મેળવવા ઇચ્છે છે તો વિષ સમાન વિષયોને ત્યાગ કર ક્ષમા, સરળતા, દયા, પવિત્રતા અને સત્યના અમૃતને ગ્રહણ કર.'

આ સુભાષિત જ કોને મુમુક્ષુ કહી શકાય અને કોને ન કહી શકાય એનું નિદર્શક છે. તૃષ્ણાઓ એ બંધન વધારનારી છે. અને તૃષ્ણામુક્તિ એ બંધન છેદનારી છે એમ અહીં કહેવામાં આવે છે. તૃષ્ણામુક્તિ એ વિવેકદ્રષ્ટિથી સાધી શકાય. મુમુક્ષુતા એ વિષયકષાયનાં બંધનોને છેદી નાખે છે. એ માનવીના જીવનને મૃત્યુની પાર લઈ જાય છે અને સાધકના આત્માને પરમાત્મા પ્રતિ ગતિ કરાવે છે. આવી મુમુક્ષતા એ જ સાધકના જીવનને સાર્થકતા અર્પે છે. 

આ રીતે વિવેક એ દિવ્યદ્રષ્ટિ બને છે, પરંતુ એ વિવેકની જાગૃતિ માટેનાં ત્રણ સોપાનનો વિચાર કરીએ. એનું પ્રથમ સોપાન છે પોતાના મન પ્રત્યેની જાગૃતિનું. માણસ લાલચના માર્ગે જાય અને પછી એ પોતાની લાલચ કે લોભને ખબરદાર કહીને અટકાવે નહીં, તો તે માટે વિવેકદ્રષ્ટિનો અભાવ કારણભૂત છે. વિવેક દ્વારા સધાતી જાગૃતિનું બીજું સોપાન એ ચિત્તની સ્વસ્થતા અને સમતાનો ભાવ છે. આપણું નટખટ ચિત્ત સતત ક્યાંકને ક્યાંક દોડતું હોય છે. એ પોતાને મનગમતી વ્યક્તિ, વિચારો, કાર્ય કે વિકાર શોધતું હોય છે અને અણગમતી બાબતો પ્રત્યે ઉપેક્ષા સેવતું હોય છે. કોઈ તમને કટુ વચનો કહે, તો એ વ્યક્તિ તમને ગમતી નથી. તમારી ટીકા કરે તો એના પ્રત્યે અકળાઈ જાવ છો. તમારા પ૨ ક્રોધ કરે તો તમે એના તરફ તમારી સ્થિતિ પ્રમાણે મનમાં કે પ્રગટ રીતે ક્રોધ કરો છો. આ બધું એ માટે ગમતું નથી કે એ આપણને અનુકૂળ નથી. આવી પ્રતિકૂળ ઘટના બને એટલે તરત આપણું મન બેકાબૂ બની જાય છે. સામી વ્યક્તિ પર રોષ ઠાલવીએ છીએ અથવા તો એને અપશબ્દો કહીએ છીએ કે ભાન ભૂલીને એના પર પ્રહાર કરીએ છીએ. 

આનો અર્થ જ એ કે તમને અણગમતું હોય, તેને તમે લેશમાત્ર જીરવી શક્તા નથી. જે વ્યક્તિ તમારી ટીકા કરતી હોય, એ જ વ્યક્તિ જો પ્રશંસા કરશે, તો તમે એના પ્રત્યે પરમ મિત્રનો ભાવ ધરાવશો.પહેલાં જેના તરફ સખત નફરત હતી, એના પ્રત્યે અઢળક સ્નેહ જાગશે, કારણ કે સ્તુતિ કે પ્રસંશા એ મનને અતિ પસંદ છે. કોઈ જ્યારે આવું કહે ત્યારે આપણું મન કિલ્લોલ કરી ઊઠે છે અને એના પ્રત્યેનો આપણો અભિગમ પણ બદલાઈ જાય છે. 

આ પ્રસંગોએ મન જો ખરેખર વિવેકી અને જાગૃત હોય, તો એને ખ્યાલ આવે કે મારી ટીકા કે મારી પ્રશંસા બેમાંથી એકેય બાબત મારામાં કોઈ પરિવર્તન લાવી શકતી નથી, બલ્કે એવું બને કે પ્રશંસામાં જો અતિશયોક્તિનો અંશ હોય તો એ અતિશયોક્તિને સાચી માનવા જતાં મારી જાત વિશે હું ભ્રાંત કે ખોટી ધારણા કરી બેસીશ. વ્યક્તિમાં જો પ્રબળ જાગૃતિ હોય તો જ એ પ્રસંશા અને નિંદાને સમતાથી સ્વીકારી શકે છે. રામાયણમાં શ્રીરામ અયોધ્યાની ગાદી પરના રાજ્યાભિષેક અને ચૌદ વર્ષનો વનવાસ આવા બંને પ્રસંગોએ કેવા સ્વસ્થ દેખાય છે!

વિવેકનો ઉદય સાધકને પોતાના જીવનનો સ્વતંત્ર માલિક બનાવી દે છે. આને માટે સાક્ષીભાવે જગતને જોવાનો અને જીવવાનો પુરુષાર્થ ક૨વો જોઈએ. જીવનમાં જ્યારે વાસનાની આગ હૃદયમાં સળગી ઊઠે, ભોગની પ્રબળ લાલસા જાગે, ત્યારે ભીતરની ઘટનાઓના ન્યાયાધીશ બનીને એને વિશે તત્કાળ ફેંસલો કે પ્રતિક્રિયા આપતા માનવીઓ માટે સાક્ષી બની રહેવું, એ સૌથી દુષ્કર કામ છે. 

પ્રબળ જાગૃતિનું ત્રીજું સોપાન એ દેહાધ્યાસ પારખવાનું છે. આપણે દેહની સાથે એટલા બધા સંલગ્ન રહીએ છીએ કે ભીતરની ચેતનાનો કોઈ અનુભવ થતો નથી. માનવીનું ચિત્ત સતત દેહની આસપાસ ડૂબેલું રહે છે. એટલે એને એના ભીતરની ચેતના દેખાતી નથી. ક્વચિત્ વ્યક્તિએ પોતાના દેહનો અભ્યાસ કરવો જોઈએ. જીવનનો અભ્યાસ કરીએ છીએ, પણ દેહમાં સર્જાતી ઘટનાઓનું અવલોકન કરતા નથી. આ જ દેહની ભીત૨માં વસતી ચેતનાને સ્પર્શીને આપણે અલૌકિકતાનો અનુભવ કરવાનો છે. એને માટે ભીતરમાં જ્ઞાાન ભક્તિ કે કર્મયોગની તાદાત્મ્યયુક્ત ધારા વહેતી હોવી જોઈએ. જે જ્ઞાાનની ધારા વ્યક્તિને દેહાઘ્યાસથી દૂર રાખીને આત્માના અલૌકિક સામર્થ્યની ઓળખ આપે છે. એની પાસે જે શરીર છે, એ તો સ્થૂળ સત્તા છે અને એની ભીતરમાં ચૈતન્ય છે, એ સૂક્ષ્મ સત્તા છે. આ સૂક્ષ્મ સત્તા સુધી પહોંચવા માટે સ્થૂળ સત્તાથી પોતાની જાતને અળગી રાખવી પડે. પહેલાં આ સ્થૂળ સત્તાને જુઓ, એને ઓળખ્યા પછી એને અળગી રાખતા શીખો અને એને જેમ અળગી રાખતા જશો, તેમ આપોઆપ સૂક્ષ્મ સત્તાનું પ્રાગટય થતું જશે. 

એક અર્થમા કહીએ તો વિવેક પ્રગટાવતી પ્રબળ જાગૃતિ એ જ વ્યક્તિના સાર્થક જીવનનો અને વિકસિત અઘ્યાત્મજીવનનો પાયો છે. એ પાયા પર જ એની ચૈતન્યની યાત્રા પ્રારંભાય છે. એનાથી એને અંતર્મુખતા સાંપડે છે અને તેને પરિણામે સ્વજીવનના સર્વ પ્રસંગોને એ સાક્ષીભાવથી જોઈ શકે છે. આથી જીવનમાં પ્રતિક્ષણની જાગૃતિ એ એના કેન્દ્રમાં છે. 

ભગવાન મહાવીરે સાધુની કેવી ભવ્ય કલ્પના કરી છે. એ સાધુ ખુલ્લા પગે ચાલે જેથી એને પગરખાંની જરૂર ન રહે, એ સીવ્યાં વિનાનાં કપડાં પહેરે, જેથી એને દરજીની જરૂર ન રહે. એ છત્ર ધારણ કરે નહીં, એથી યે વિશેષ એ પોતાને માટે બનાવેલ ગોચરી (આહા૨)નો પણ અસ્વીકાર કરે. 

આવા ભવ્ય સાધુ - મુનિની કલ્પના કરનાર ભગવાન મહાવીરે એને વિશે કઈ વ્યાખ્યા આપી? એમણે કહ્યું, 'અસૂતા મુનિ' એટલે કે જે જાગેલો છે તે મુનિ છે. આનો મર્મ એ કે મુનિ માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો તે વ્રત, જપ કે તપ નહીં, બલ્કે પ્રબળ જાગૃતિ છે. 

આવી વિવેકદ્રષ્ટિ જ વ્યક્તિને જીવનમાં ક્ષણે ક્ષણે જાગૃત રાખે છે. એની વૃત્તિઓનો એ ચોકીદાર બને છે. જીવનની સ્થૂળતાનો એ તરફદાર બનતો નથી. પળેપળે બદલાતા જીવનમાં એનો સમતાનો ધ્રુવતા૨ક સ્થિર રહે છે અને દેહાઘ્યાસને બદલે દેહને પેલે પાર વસતા નિત્ય, નિરંતર ચૈતન્ય તત્ત્વ પર એની દ્રષ્ટિ રહે છે અને એમાંથી એની સાધનાસૃષ્ટિ વિવેકની આધારશિલા પર રચાય છે.

-મુનીન્દ્ર

 
Related News

Icon