
ઓપરેશન સિંદૂર બાદ દેશના 5 રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 29 મેએ સાંજે 5થી 8 કલાક દરમિયાન મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં યોજાશે.
આ પહેલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 7 મેએ મોક ડ્રીલ કરવાના આદેશ આપ્યા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.ભારતે પાકિસ્તાન પર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે.
ગુજરાતમાં 19 સ્થળોએ કરાયું હતું મોકડ્રીલનું આયોજન
આ પહેલા ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લાનો સમાવેશ કરાયો હતો.
મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?
- હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
- નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
- મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
- નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
- મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે
હુમલા માટેની સાયરન વાગે ત્યારે શું કરવું?
જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.