
- વેદના-સંવેદના
- આ દુનિયામાં બહુ ઓછા નસીબદાર માણસોને રડવા માટે ખભો મળે છે
નિહારીકા કોઈપણની સાથે વાતચીત કરતી વખતે નીચે કે આડું જોઈને વાત કરતી.
''યસ સર''
''થેન્ક યુ સર''
''ઓ.કે. સર''
''સોરી સર''
આ બે અક્ષરથી વધારે લાંબા જવાબ આપવાનું તે હંમેશા ટાળતી.
નિહાર પણ ''મેનેજમેન્ટ'' ટ્રેઈની તરીકે લગભગ નિહારીકાની સાથે જ જોડાયો હતો.નિહારીકાનો ભારેખમ અને ભાવ-વિહીન ચહેરો જોઈ તેને ઘણી નવાઈ લાગતી. તે નિહારીકાનું ધ્યાન ખેંચવા,કોમેન્ટસ કરી શાબાશી આપવા કે હસાવવા ખૂબ મથતો પણ નિહારીકાના ચહેરા પર ખાસ કોઈ ફેરફાર થતા નહીં. ઓફિસમાં લોકો એમ કહેતાં કે નિહારીકાના મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે મીતા મેડમને એપોઈન્ટમેન્ટ આપવી જોઈએ.
મીતા મેડમ સીનીયર એક્ઝીક્યુટીવ હતાં અને વીસ વર્ષથી કંપનીમાં કામ કરતાં. પણ એમનો સ્વભાવ તદ્દન વિપરીત હતો.તે ઓફિસમાં કોઈપણની સાથે વાતે વળગી પોતાનું હૃદય ઠાલવી દેતાં.નાનપણમાં તેમના પપ્પાનું મૃત્યુ થયું હતું.કાકાએ તેમને ઉછેર્યાં પણ નોકરની જેમ તેમની પાસેથી કામ લીધું. એકવીસ વર્ષ થયા એટલે જે પહેલો છોકરો જ્ઞાતિમાં મળ્યો તેને ભટકાડી દીધી.
મીતાબહેન કહેતા જાણી જોઈને મને આવા ઉકરડામાં નાંખી છે. પતિ માવડીયો,નીરસ,નપાણીયો હોવાની ફરિયાદ તેઓ વારંવાર કરતા.સાસુ તો સાવ નઠારી, છોકરાં પણ તેમનું કહ્યું ન માનતા. તેમને શારીરિક તકલીફો પણ ઘણી હતી. તેઓ કાયમના બિમાર રહેતા. તેમને હંમેશાં લોકો જોડે વાંકુ પડયા કરતું. બસ પોતાની જિંદગીની દર્દભરી દાસ્તાન તે હંમેશા લોકોને કહ્યાં કરતાં. વાત કરતાં કરતાં તેમની આંખોમાં ઝળઝળીયાં આવી જતાં અને આંખોના ખૂણા લૂછી તે કામે વળગતાં.
મીતા મેડમના જીવનની તમામ ઘટનાઓ દુ:ખદાયક હતી.આખી ઓફિસ તેમની નાનામાં નાની ઘટનાથી વાકેફ હતી.ઓફિસમાં મીતા મેડમ ''રોતલ પદમણી''તરીકે જાણીતાં હતાં. તેમની ફરિયાદો સાંભળી લોકો કંટાળ્યા હતા. તેમની આંખોના ખૂણા ભીના જોઈ કેટલાક લોકો મનોમન ચિડાઈ જતાં, કેટલાંક આને નાટક સમજતા તો કેટલાક તેમનાથી દૂર ભાગતાં.
નિહારીકા અને મિતા મેડમ બિલકુલ વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. નિહારને નિહારીકાની આ ભાવશૂન્યતા અને ખામોશી પાછળ પારાવાર વેદના છુપાયેલી હોવી જોઈએ એમ લાગતું હતું.પણ નિહારીકા ક્યારેય પોતાની વેદના કોઈને કળાવા દેતી નહીં.
કારણ નાની ઉંમરમાં જ નિહારીકા સમજી ચૂકી હતી કે આંસુને વેડફાય નહીં. આ સ્વાર્થી સંવેદનાવિહીન અને નગુણા જગતમાં આંસુ વેડફવાની કોઈ જરૂર નથી.કારણ તમારા આંસુ સર્વથી તમારું દુ:ખ દૂર થતું નથી.આ દુનિયાના માનવી વેરાન રણ જેવાં છે એમાં તમે છૂટી છવાઈ આંસુઓની વાદળી વરસાવો એનો ક્યારેય કોઈ અર્થ સરતો નથી.
નિહારીકાએ તેની પીડા પચાવી હતી. તે તેના માતા પિતાનું ગેરકાયદે સંતાન હતી એટલે નવજાત શિશુને નોંધારી મૂકી દઈ જન્મદાતા માતા ચાલી ગઈ હતી, જે તેને ક્યારેય મળી નહોતી. તેના હાલના પાલક માતા-પિતાએ તેને દત્તક લીધી હતી પરંતુ ત્યાર પછી તેમને સંતાન થતાં તેની સાથે હંમેશા ઓરમાયું વર્તન થતું હતું. પાંચમા ધોરણથી તેને રેસીડેન્સીયલ સ્કુલમાં મૂકવામાં આવી હતી. તેણે તેની પીડા બે વડીલ વ્યક્તિઓને કહી હતી.
અન્ય વ્યસ્ક વ્યક્તિમાં પિતા શોધતી નિહારીકાનો બબ્બેવાર જાતીય દુરૂપયોગ પણ થયો હતો. યૌવનના ઉંબરે એક યુવાનના પ્રેમ અને હૂંફના સહારો તેને મળ્યો હતો.પણ નિહારીકાની તમામ હકીકત જાણ્યા પછી અનેક શંકા કુશંકાઓ વચ્ચે તેમની વચ્ચેના ''એબ્યુસીવ રીલેશનશીપ''નો અંત આવ્યો હતો. બસ આટલા અનુભવો પછી નિહારીકાએ અશ્રુ વહાવવાનું કે પોતાના દુ:ખના રોદણા રોવાનું બંધ કરી દીધું હતું.
મન હળવું કરવા માટે ''રડવું'' એક સચોટ ''હીલીંગ મીકેનીઝમ'' છે. પણ વેદનાગ્રસ્ત પ્રત્યેક વ્યક્તિએ એક વાત ખાસ સમજી લેવાની જરૂર છે કે આપણું દુ:ખ એ આપણું જ દુ:ખ છે.એ દુ:ખની વાત ગમે તેને કરવાથી કંઈ વળતું નથી. આ દુનિયામાં બહુ ઓછા નસીબદાર માણસોને રડવા માટે ખભો મળે છે.
હકીકત તો એ છે કે આ જગત અને જગતના લોકો તમારું સુખ કે આનંદ પણ જીરવી શકે તેમ નથી. તમે તમારી સિદ્ધિ અને સફળતાની વાત કોઈ પણ પ્રકારની ડંફાસ માર્યા વગર કરશો તો પણ અદેખા લોકો હવનમાં હાડકા નાંખવાની કોશિશ કરશે.
લોકો તમારા હર્ષના આંસુ પણ જીરવી શકે તેમ નથી. પછી તમારા દુ:ખના ''ખારા આંસુ'' ''નમકીન પાની'' કે ''સોલ્ટ વોટર'' ઝીલવાની કોને હમદર્દી છે ? તમારી વ્યથાને સાંભળી શકે અને સમજી શકે તેવા કાન ન હોય તો પછી ગમે તેને વ્યથા-કથા કહેવાનો અર્થ ખરો ?
આ દુનિયાને તમારા સુખના સંગાથી રહેવામાં જ રસ છે. તમારું સુખ એમને ભૌતિક આનંદ આપી શકે તેમ હોય તો એટલા પૂરતો જ તમારા સુખમાં એમને સ્વાર્થી રસ હોય છે. આ દુનિયા તરસી છે અને તરસી રહેશે એ પણ તમારા મીઠા જળની, સોલ્ટ વૉટર કે નમકીન પાણીની નહીં.
સહુ કોઈને પોતપોતાની વેદના પોતે જાતે જ જીરવવી પડે છે. તમે આજદિન લગી તમારા આંસુ નકામાં લોકો આગળ મિથ્યા વહાવ્યાં છે એવી તમને સમજણ પડશે તો એ વહાવેલાં આંસુ માટે પણ તમારી આંખ રોતી જ રહેશે. એટલે જ આપણા દુ:ખને જાણ્યા પછી આપણાં આંસુનું સ્મિતમાં રૂપાંતર આપણે જ કરવાનું છે.
તમારા આંસુ હવે વધારે વેડફવા માટે નથી એમ સમજી તમારા આંસુનું સ્મિતમાં રૂપાંતર કરવું હોય તો આ દુનિયાને તમારી આસપાસના સહુ કોઈને કોઈપણ અપેક્ષા રાખ્યા વગર સ્વીકારી લો. પછી કોઈની વાતમાં ઓછું નહીં આવે, સ્વમાન નહીં હણાય કે મનદુ:ખ નહીં રહે.
અહીં એ સંદેશ નથી આપવો કે મિતા મેડમ જેમ આંસુ સારવા એ ખરાબ છે અને નિહારીકાની જેમ ભાવ-વિહીન રહેવું એ ઉત્તમ જીવનશૈલી છે.
આંસુને રોકવાની વાત નથી કરવી.રડીને મનનો ભાર હળવો કરવાની રીત ખોટી નથી. વેદના અને તનાવનો હળવો કરવાની એ એક ઉત્તમ પ્રક્રિયા છે. પણ આપણે આપણાં આંસુને સસ્તાં ન કરવા જોઈએ.
નિહારીકા અને નિહાર વચ્ચે ધીરે ધીરે મિત્રી સેતુ બંધાયો,જન્મથી પચીસ વર્ષ સુધી ભોગવેલી તમામ પીડાને કંઈપણ ઝાઝું કહ્યા વગર સમજનાર વ્યક્તિ તરીકેનું સગપણ બંધાયું. નિહારીકાની ખામોશી નિહારને ઘણું બધું સમજાવી ગઈ.
રડવા માટે નિહારીને નિહારનો ખભો મળ્યો. એ ખભા પર માથું ટેકવી નિહારીકા મન મુકૂને રડી. એણે પોતાના જીવનની વેદનાગ્રસ્ત ઘટમાળની કોઈ દાસ્તાન નિહારને ન સંભળાવી. બસ નિહારીકાએ મન મૂકીને રડી લીધું. અને ત્યારબાદ એક ચોક્કસ અંતર રાખી સંબંધો રાખ્યા. કારણ નિહાર પરીણીત હતો. એની પાસેથી વધારે અપેક્ષાઓ રાખવી નકામી હતી.
પણ નિહારીકાને સંતોષ હતો. કહ્યા વિના સઘળું સમજી શકે એવું સગપણ તેને મળી ગયું હતું. રડવા માટે આધારભૂત ખભો તેને મળી ગયો હતો.
ન્યુરોગ્રાફ :
આપણાં આંસુઓને વ્યર્થ વહાવી એને સસ્તાં ન થવા દઈએ... હા... આપણા પોપચાંની છીપમાં જો આંસુ સચવાશે તો ક્યારેક એ મોતી થશે જ !?