Home / : Signs that the instability of Yunus' decisions is destabilizing Bangladesh

તખ્તાપલટના એંધાણ! મોહમ્મદ યુનુસના નિર્ણયોની અસ્થિરતા જ બાંગ્લાદેશને અસ્થિર કરી રહ્યાના સંકેતો 

તખ્તાપલટના એંધાણ! મોહમ્મદ યુનુસના નિર્ણયોની અસ્થિરતા જ બાંગ્લાદેશને અસ્થિર કરી રહ્યાના સંકેતો 

બાંગ્લાદેશમાં છેલ્લાં એક વર્ષથી જે રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે તેનો અંત આવવાના કોઈ અણસાર નથી. એક તરફ શેખ હસિના પોતાની સામે બળવો થયા બાદ દેશ છોડીને ભાગી ગયા અને ત્યારબાદ ખસ્તાહાલ સ્થિતિને કાબુ કરવા માટે મોહમ્મદ યુનુસની આગેવાનીમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા યુનુસ ખૂબ જ સારી રીતે સ્થિતિને સાચવીને દેશને સ્થિર કરી શકશે તેવી ધારણા હતી પણ તેના ઉપર પાણી ફરી વળ્યું. યુનુસ દ્વારા જે પગલાં લેવાયા અને જે નિવેદનો કરાયા તેના કારણે બાંગ્લાદેશમાં જ આંતરિક વિખવાદ ઊભો થઈ ગયો. યુનુસની કામગીરીથી રાજકીય વંટોળ ઊભા થયા જેને શાંત કરવા મુશ્કેલ થઈ ગયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
  • સૈન્ય વડા કોઈપણ ભોગે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી કરાવીને દેશમાં સ્થિર સરકાર લાવવાની તરફેણમાં
  • મોહમ્મદ યુનુસ ૨૦૨૬ના મધ્યમાં ચૂંટણી કરાવવાની ફિરાકમાં
  • બ્લડી કોરિડોર શરૂ કરવા અંગે સૈન્યને વિશ્વમાં ન લેવામાં આવવા મુદ્દે પણ સરકાર અને સેના આમને-સામને
  • બાંગ્લાદેશમાં સૈન્ય સમર્થિત સરકાર આવી શકે તેવા પણ એંધાણ 

યુનુસ સરકાર કંઈક અલગ જ વિચારી રહી છે

બીજી તરફ સેના દ્વારા સ્થિતિ કાબુ કરીને દેશને સ્થિર કરવા માટે જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી પણ યુનુસ સરકાર કંઈક અલગ જ વિચારી રહી છે. તેના કારણે સરકાર અને સેના વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મ્યાંમાર સુધી રોહિંગ્યા મુસ્લિમોને રાહત અને મદદ પહોંચાડવા માટે યુનુસ સરકાર દ્વારા જે બ્લડી કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે તેના કારણે સેના છંછેડાઈ છે. એક તરફ યુનુસ કે જે વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓના પક્ષને આડકરતું સમર્થન આપે છે તેણે રાજીનામું આપીને રાજકીય અસ્થિરતા વધારવાના સંકેત આપ્યા છે તો બીજી તરફ સેનાએ પણ આકરું વલણ રાખીને દેશમાં નવી સ્થિર સરકાર લાવવાની મક્કમતા દાખવી છે. 

આંતરિક અસંતોષ અને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહી છે

આ બધા વચ્ચે શનિવારે એક રાજકીય બેઠક મળી હતી. જેમાં યુનુસ રાજીનામુ આપવાના હતા પણ હાલ પૂરતું તે મુલતવી રહ્યું છે. બીજી તરફ સેનાના વડા જનરલ વકાર-ઉજ-જમાને પણ દરબાર બોલાવ્યો હતો. કમાન્ડિંગ ઓફિસરો સાથેની આ બેઠકમાં બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા અંગે ચર્ચા થઈ હતી. મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી સરકાર આંતરિક અસંતોષ અને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહી છે ત્યારે મળેલી આ બંને બેઠકો ખૂબ જ સુચક છે. બીજી તરફ વિદેશ સચિવને એકાએક પદભ્રષ્ટ કરવામાં આવતા અસ્થિરતા વધારે વિકરાળ થવાના એંધાણ છે.

અધિકારીઓ સાથેની બેઠકમાં જનરલ વકારે સ્પષ્ટ શબ્દોમાં ધમકી ઉચ્ચારી દીધી

વિવાદ એવો છે કે, ગત અઠવાડિયે ઢાકામાં સેનાના અધિકારીઓ સાથેની બેઠકમાં જનરલ વકારે સ્પષ્ટ શબ્દોમાં ધમકી ઉચ્ચારી દીધી છે કે, રાજકીય સહમતિ વગર મ્યાંમાર સાથેના કોઈપણ કોરિડોરને મંજૂરી આપવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, આ પ્રકારનો નિર્ણય  લોકશાહી ઢબે લેવાય તે જરૂરી છે. તેના માટે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પણ સત્તામાં હોવી જોઈએ જે રાષ્ટ્ર હિતોને પ્રાથમિકતા આપતી હોય. બીજી તરફ સરકારનું કહેવું છે કે, આ કોઈ કોરિડોરની વાત જ નથી પણ મ્યાંમારના રખાઈન પ્રાંતમાં જે રોહિંગ્યા મુસ્લિમો મુશ્કેલીમાં છે તેમને ભોજન અને દવાઓ પહોંચાડવાની એક વ્યવસ્થા છે જે યુએન દ્વારા સુચિત કરવામાં આવી છે. આ એક માનવીય કોરિડોર છે. બીજી તરફ સેના તેને બ્લડી કોરિડોરનું નામ આપે છે. સેનાનું સ્પષ્ટ માનવું છે કે, આ પ્રકારના રસ્તા કે કોરિડોર કે કિમીયા બધું જ રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે તેમ છે.

બાંગ્લાદેશમાં સૈન્ય ગતિવિધિ વધી ગઈ છે

આ બધી અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશમાં સૈન્ય ગતિવિધિ વધી ગઈ છે. ઢાકાની સડકો ઉપર સેના કૂચ કરતી જોવા મળે છે અને હવે તો ટેન્કો અને મોટા સૈન્ય ટ્રકો પણ ઢાકાના રસ્તે આવી ગયા છે. છેલ્લાં એક મહિનામાં બે હજારથી વધારે લોકોની સેના દ્વારા અટકાયત કરાઈ છે. આમ જોવા જઈએ તો ગત ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૧૦ હજાર કરતા વધારે લોકોની સેનાએ અટકાયત કરી છે. 

જનરલ વકાર સત્તાની બાગડોર પોતાના હાથમાં લેવા માંગે છે

રાજકીય સૂત્રો માને છે કે, જનરલ વકાર સત્તાની બાગડોર પોતાના હાથમાં લેવા માંગે છે. જનરલ વકાર વિશે એવી માન્યતા છે કે, તેઓ લોકશાહીનું સમર્થન કરનારા છે તથા તેઓ ભારતનું પણ સમર્થન કરનારા સૈન્ય અધિકારી છે. આ સંજોગોમાં સેનાના સમર્થનવાળી સરકાર આવે તો ભારત તરફી ઝુકાવ વધી જાય અને ચીન સાથેના વર્તમાન જોડાણોને અસર થાય તેમ છે.

બાંગ્લાદેશમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે, જે વ્યક્તિને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે તે મોહમ્મદ યુનુસ જ અનિર્ણાયકતાના કારણે સમગ્ર દેશમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે. એક તરફ વિપક્ષો ઝડપી ચૂંટણીની માગ કરી રહ્યા છે તો બીજી તરફ સૈન્ય પણ ૨૦૨૫ સુધીમાં ચૂંટણી કરાવવાનું રટણ કરે છે. યુનુસનું માનવું છે કે, ન્યાયિક સુધારા અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા વગર બાંગ્લાદેશમાં ચૂંટણી યોજી શકાય તેમ નથી. આવી ચૂંટણી કરીને બાંગ્લાદેશમાં જરાય રાજકીય સ્થિરતા આવશે નહીં. એક તરફ બીએનપીના નેતાઓ અને સમર્થકો દ્વારા દેશવ્યાપી આંદોલનો અને દેખાવો શરૂ કરવામાં આવ્યા છે તો બીજી તરફ બાંગ્લાદેશના વિદ્યાર્થી આંદોલનો થકી અસ્તિત્વમાં આવેલી એનસીપીના સમર્થકો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. લોકો માને છે કે, યુનુસ તેમને સમર્થન કરે છે તો બીજી તરફ એનસીપીના નેતાઓ માને છે કે, યુનુસ સ્પષ્ટ રીતે ચૂંટણી કરાવવામાં કોઈનું સમર્થન કરતા નથી. તેના કારણે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ભારેલા અગ્નિની જેમ વિકરાળ થવા લાગી છે.

દેશના ધાર્મિક દળોમાં પણ રોષની ભાવના ભડકેલી છે

આ ઉપરાંત જમાત-એ-ઈસ્લામી ઉપર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા બાદ મુસ્લિમો અને હિન્દુ સમુદાયો વચ્ચે તણાવ વધવા લાગ્યો છે. દેશના ધાર્મિક દળોમાં પણ રોષની ભાવના ભડકેલી છે. બીજી તરફ શનિવાર રાતની બેઠકમાં યુનુસ રાજીનામુ હાલપૂરતું નહીં આપે તે નક્કી થયેલું છે. ત્યારબાદ યુનુસે રંગ બદલતા ભારત તરફી ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. યુનુસે રાગ બદલતા કહ્યું છે કે, દેશની અંદર અને દેશની બહાર યુદ્ધ જેવી સ્થિતિ છે. બધું જ ધ્વસ્ત થઈ ગયું છે, આપણે ફરી ગુલામીના રસ્તે આગળ વધી રહ્યા છીએ. તેના કારણે દેશ અને દેશની સ્થિતિમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે. 

યુનુસના વલણથી ઘણી રાજકીય નારાજગી ઊભી થઈ

ભારત દ્વારા એક જ દિવસમાં બાંગ્લાદેશને વેરવિખેર કરવા માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. જો કે, યુનુસના આ વલણથી ઘણી રાજકીય નારાજગી ઊભી થઈ છે. અહીંયા સમજવા જેવું એ છે કે, યુનુસે હાલ પૂરતું તો રાજીનામું આપ્યું નથી પણ ભવિષ્યમાં તેઓ રાજીનામુ આપી દે અથવા તો રાજીનામુ લઈ લેવામાં આવે તો જરાય નવાઈ પામવા જેવું નથી. યુનુસ ખરેખર વચાગાળાની સરકારના વડા બની રહેવા ઈચ્છે છે તો તેમણે સૈન્ય, વિપક્ષો, જનતા તમામને સાથે રાખવા પડશે અને કામ કરવું પડશે. બીજી તરફ સૈન્ય અને બીએનપી તથા એનસીપી જેવા પક્ષો માને છે કે, યુનુસની હાજરી અને કામગીરી બાંગ્લાદેશની લોકશાહીના ભવિષ્ય માટે નુકસાનકારક છે. તેના કારણે નજીકના ભવિષ્યમાં તેમનું રાજીનામુ પડે અથવા તો લઈ લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.         

બાંગ્લાદેશ માટે સૌથી મોટું રાજકીય સંકટ નેતૃત્વનું આવશે

જો યુનુસ રાજીનામું આપશે તો સૌથી પહેલાં બાંગ્લાદેશ માટે સૌથી મોટું રાજકીય સંકટ નેતૃત્વનું આવશે. બાંગ્લાદેશમાં આગામી ચૂંટણી ન થાય ત્યાં સુધી વચગાળાનું નેતૃત્વ કોણ કરશે તે મોટો સવાલ છે. યુનુસ જો રાજીનામુ આપી દે અથવા તો લઈ લેવાય તો ત્રણ વિકલ્પ બાકી રહે તેમ છે. જો મોહમ્મદ યુનુસ રાજીનામુ આપે તો બાંગ્લાદેશમાં તાત્કાલિક વચગાળાની સરકારની રચના કરવી પડશે. તેના કારણે રાજકીય અસ્થિરતમાં મોટાપાયે વધારો થશે. વિદ્યાર્થી નેતાઓ અને અન્ય વિપક્ષો સરકાર બનાવવા પ્રયાસ કરશે જેના કારણે સ્થિતિ વધારે જટિલ બની જશે. 

 દેશમાં ફરી અશાંતિ ફેલાઈ શકે તેમ છે

બીજી તરફ આર્મી ચીફ જનરલ વકાર-ઉજ-જમાનની ચેતવણી પછી યુનુસનું પદ છિનવી લેવાય તો બાંગ્લાદેશમાં સૈન્યનું વર્ચસ્વ વધી જશે. સેના ચૂંટણી માટે દબાણ કરી શકે છે અને તેના પગલે દેશમાં ફરી અશાંતિ ફેલાઈ શકે તેમ છે. તેને દબાવવા સેના બળપ્રયોગ કરવા ગઈ તો ગૃહયુદ્ધની સ્થિતિ આવી જશે. આ સિવાય ત્રીજી બાજુ વિચારીએ તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી કે જે યુનુસના રાજીનામાને પોતાની રીતે ઉપયોગમાં લઈ લે અને રાજકીય ફાયદો ઉઠાવે તો તે સત્તામાં પરત ફરી શકે છે. આ સંજોગોમાં શેખ હસિનાના સમર્થકો અને અન્ય પક્ષોના વિરોધનો સામનો કરવાનો આવી શકે તેમ છે.

ભારતે એક સારો પાડોશી ગુમાવવો પડે તેવી સ્થિતિ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના જાણકારો માને છે કે, બાંગ્લાદેશ સત્તાની સાઠમારીના એવા ત્રિભેટે આવીને ઊભું છે કે, તેમાં જરાય ઉપરનીચે થાય કે આગળ પાછળ થાય તો મોટું પરિવર્તન આવશે જે કદાચ બાંગ્લાદેશનું એવું ભાવિ નક્કી કરશે જેની લોકોએ કલ્પના પણ નહીં કરી હોય. બાંગ્લાદેશ માટે આગળનો રસ્તો જરાય સરળ નથી. યુનુસ હાલ સત્તામાં છે અને ભવિષ્યમાં સત્તા ઉપરથી ખસી જાય તો તે બંને સ્થિતિમાં બાંગ્લાદેશના ભવિષ્યને મોટી અસર પડે તેમ છે. 

આપણે સૌથી સારો સંબંધ બાંગ્લાદેશ સાથે હતો

બાંગ્લાદેશમાં આવનારું પરિવર્તન માત્ર તેને જ નહીં પણ ભારત સહિત સાઉથ એશિયાના તમામ દેશોને અસર કરશે. જાણકારોના મતે બાંગ્લાદેશમાં જે પણ થઈ રહ્યું છે તે ભારત માટે તો ચિંતાજનક જ છે. આપણા તમામ પાડોશી દેશોમાં આપણે સૌથી સારો સંબંધ બાંગ્લાદેશ સાથે હતો. બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓના ઠેકાણા હતા જેને ભારતની વિનંતી ઉપર શેખ હસિનાની સરકારે પૂરા કરી નાખ્યા હતા. ત્યારબાદ ભારત સાથે દેશના સંબંધ ઘણા સુધર્યા હતા. યુનુસ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારેથી હસિનાએ કરેલી કામગીરી ઉપર પાણી ફેરવી રહ્યા છે. તેઓ ભારત વિરોધી માનસિકતા ધણાવે છે અને તેના કારણે જ આગામી સમય ભારત માટે મહત્ત્વનો સાબિત થાય તેમ છે. આ અસ્થિરતા ભારતને ક્યાંય સૌથી સારા પાડોશીને ગુમાવવાની એરણે ન લાવી દે તો સારું.

Related News

Icon