
નૂર ખાન એરબેઝ, જે અગાઉ ચકલા એરબેઝ તરીકે ઓળખાતું હતું, તે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં આવેલું છે. આ પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય લોજિસ્ટિક હબ છે, જે વીઆઈપી મૂવમેન્ટ, ટોહી મિશન અને લાંબા અંતરની મિસાઈલોના સંચાલનનું કેન્દ્ર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (SPD) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ના મુખ્યાલયની નજીક છે, જે દેશના લગભગ 170 પરમાણુ હથિયારોની સુરક્ષા અને સંચાલનની જવાબદારી સંભાળે છે.

નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટરના અંતરે આવેલું પાકિસ્તાનનું પરમાણુ કમાન્ડ સેન્ટર આ હુમલાની ઝપટમાં આવી ગયું હતું. અહેવાલો મુજબ, આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને 'ડિકેપિટેટ' (નિષ્ક્રિય) કરવાની ક્ષમતા ધરાવે છે. એક ભૂતપૂર્વ અમેરિકી અધિકારીએ જણાવ્યું, "પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેની પરમાણુ કમાન્ડને નષ્ટ ન કરે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પ્રથમ પગલું હોઈ શકે."
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે જો ભારતની બ્રહ્મોસ મિસાઈલ 1-2 કિલોમીટર વધુ ચોક્કસ નિશાનો લગાવે, તો પાકિસ્તાનના પરમાણુ હથિયારોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનની સ્થિતિ સર્જાઈ શકે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ નથી અને ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં, આ હુમલાએ પાકિસ્તાનના સૈન્ય અને રાજકીય નેતૃત્વમાં ભય પેદા કર્યો. કેટલાક સમાચારો અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તાત્કાલિક NCAની બેઠક બોલાવી હતી, જે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. જોકે, બાદમાં પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો કે આવી કોઈ બેઠક થઈ નથી.
9 મેની મોડી રાત્રે અમેરિકાને "ખતરનાક ગુપ્તચર માહિતી" મળી, જેણે દક્ષિણ એશિયામાં પરમાણુ સંઘર્ષની આશંકાને વધારી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પહેલા કહ્યું હતું કે "આ યુદ્ધમાં પડવું અમેરિકાનું કામ નથી." તેમણે તુરંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તણાવ ઘટાડવા માટે યુદ્ધવિરામની પહેલ કરી.
અમેરિકાની રાજદ્વારી પહેલ
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે નૂર ખાન ઉપરાંત ચકવાલમાં મુરીદ, શોરકોટમાં રફીકી અને રહીમ યાર ખાન જેવા અન્ય એરબેઝો પર પણ હુમલા કર્યા. આ હુમલાઓમાં ભારતે આતંકી ઠેકાણાઓ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના શિબિરોને પણ નષ્ટ કર્યા. ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દાવો કર્યો કે આ હુમલાઓમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા.
પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં 400 ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને નિષ્ફળ કરી દીધો. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતની મિસાઈલોને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી, જેણે તેની સૈન્ય નબળાઈઓને ઉજાગર કરી. આ ઉપરાંત, નૂર ખાન એરબેઝના વિનાશે પાકિસ્તાનને આર્થિક અને રાજદ્વારી રીતે પણ પાછળ ધકેલી દીધું. ભારતે સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવાની ધમકી આપી, જે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો બની શકે છે.
સ્વીડનના થિંક ટેન્ક SIPRIના 2024ના અહેવાલ મુજબ, ભારત પાસે 172 પરમાણુ વોરહેડ છે, જ્યારે પાકિસ્તાન પાસે 170 છે. પાકિસ્તાને 'ફર્સ્ટ યૂઝ' નીતિ અપનાવી છે, એટલે કે જરૂર પડે તો તે પહેલા પરમાણુ હુમલો કરી શકે છે, જ્યારે ભારતની 'નો ફર્સ્ટ યૂઝ' નીતિ ફક્ત આત્મરક્ષણ માટે પરમાણુ હથિયારોના ઉપયોગની મંજૂરી આપે છે. નૂર ખાન પરના હુમલાએ સાબિત કર્યું કે ભારત પાકિસ્તાનના પરમાણુ હથિયારોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે, જેણે પાકિસ્તાનની ધમકીઓને નિરર્થક બનાવી દીધી.