
- જમ્મુ કાશ્મીરના જનજીવન અને જનમાનસ પર બદલાવ આવી શકે તેવા સંજોગો નિર્માણ થયા છે
- હોરાઈઝન - ભવેન કચ્છી
- અમેરિકા, ઇઝરાયેલ, રશિયા સહિતના યુરોપને ભારતની જરૂર છે : પાકિસ્તાન નાદાર થઈ ગયેલ દેશ છે. ચીન અને મિત્ર દેશો પણ તેનાં હિત જળવાય તે પૂરતો જ પાકિસ્તાનને સાથ આપે
- ભારતે વિશ્વને એવો મેસેજ આપ્યો છે કે 'અમે પાકિસ્તાની સેના કે નાગરિકો પર હુમલો કરીને યુદ્ધનું એલાન નથી કર્યું પણ આતંકી ઠેકાણા પર જ હુમલો કર્યો છે'
હવે સમજાયું કે ભારત સરકારે બુધવાર, ૭ મેના દિવસે શા માટે નાગરિકો માટે મોક ડ્રીલ સહિત નાગરિક સુરક્ષા વિભાગને શું કામ સજ્જ રાખ્યો હતો.
પાકિસ્તાનને આ કારણે એવો ભ્રમ રહ્યો કે હજુ તો ભારત સરકાર તેના નાગરિકોને સંભવત પાકિસ્તાન હુમલો કરે તે માટે માનસિક અને સુરક્ષાની રીતે તૈયાર કરી રહ્યું છે. એટલે કે ભારત હજુ પાકિસ્તાન પર હુમલો કરવાની વાત તો દૂર પણ સ્વબચાવના રક્ષણાત્મક મોડ પર વ્યસ્ત છે. પાકિસ્તાન તો ઠીક ભારતના નાગરિકો પણ એક પ્રકારની હતાશા સેવતા હતા કે પહેલગામના આંતકી હુમલાનો જવાબ આપવાની મોટી મોટી વાતો થાય છે અને અમને પાકિસ્તાન યુદ્ધ છેડી હુમલો કરે તો કઈ રીતે બચવું તેની તાલીમ અપાય છે.
મોક ડ્રીલની ૭ મેની પસંદગીથી હવે છેક સ્પષ્ટ થયું કે પાકિસ્તાન સેના ૭ મેના રોજ ભારત હુમલો નહીં કરે તેમ તો માનશે જ પણ ભારત સરકારે એક કાંકરે બે પક્ષી મારતા સાતમીની મધરાતે પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી અને જો તે પછી પાકિસ્તાનની સેના ભારત પર હુમલો કરવાનું દુ:સાહસ કરે તો ૭ મેના રોજ મોક ડ્રીલ પણ યોજાઈ દરેક જિલ્લામાં મોક ડ્રીલ હોઈ આફત નિવારણનું તંત્ર ગોઠવેલું જ હોય. નાગરિકો અને બાળકો પણ મોક ડ્રીલમાં શું હોય, કઈ રીતે વર્તન કરવાનું છે તેની જાણકારી સાથે માનસિક રીતે તૈયાર થઈ ગયા હતા.
અમેરિકાએ ચીન જોડે ટેરિફ યુદ્ધ અંતર્ગત છેડો ફાડી નાંખ્યો હોઈ હવે એપલ સહિતની તેઓની તમામ કંપનીઓને ભારતની જરૂર છે. આમ પણ ચીને પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો હોઈ અમેરિકા ભારત પ્રત્યે કુણું વલણ ધરાવે છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ સ્કાય ટીવીને બેધડક નિવેદન કરી દીધું છે કે અમે જ અમેરિકાની સહાય મેળવી તેઓના કહેવાથી આંતકવાદી જૂથોને સોવિયત દેશ- અફઘાનિસ્તાન યુદ્ધ વખતે જન્મ આપીને પોષ્યા છે.
પાકિસ્તાનના મંત્રીના આવા બફાટથી ટ્રમ્પ ભારે નારાજ છે. અમેરિકાની એક લાક્ષણિકતા પ્રશંસાને પાત્ર છે કે અમેરિકાની કોઈ પણ શાસક પાર્ટી પછી તે ડેમોક્રેટિક હોય કે રિપબ્લિક પણ જ્યારે તેઓ દુશ્મન દેશ પર હુમલો કરે કે આતંકવાદીને તેમના દેશમાં જઈને ઢેર કરે ત્યારે તેઓ તેનું સમર્થન કરે છે.
ભલે રિપબ્લિકન જ્યોર્જ બુશના શાસનમાં બિન લાદેને હુમલો કર્યો હોય પણ તેનું ઢીમ પાકિસ્તાનમાં ઘૂસીને વર્ષો પછી ઓબામાની ડેમોક્રેટિક પાર્ટીએ ઢાળ્યું. બંને પક્ષ જાણે છે કે અમેરિકાએ રશિયાને સકંજામાં લેવા માટે અફઘાનિસ્તાનમાં બીન લાદેન અને લશ્કર એ તાઈબાને જન્મ આપ્યો હતો.
ઇરાકમાં ખતરનાક રાસાયણિક શસ્ત્રો છુપાયેલા છે તેવા ઉપજાવી કાઢેલ કારણ સાથે ઇરાકમાં ઘૂસીને તેઓ સદામ હુસેનને ફાંસીનો ગાળિયો પહેરાવી દે છે તો પણ વિરોધ પક્ષ શાસક પક્ષના હાથ મજબૂત કરે છે.
અમેરિકાનું અમાનવીય રાજકારણ ગંદુ તો છે જે તે આવકાર્ય નથી જ પણ વાત એ કરવાનો આશય છે કે અમેરિકાના હિતથી વિશેષ તેઓ માટે બીજું કોઈ નથી. પક્ષ વચ્ચેના નીતિ વિષયક ભેદભાવ ભૂલીને તેઓ અગાઉ જે વિરોધ પક્ષ સત્તા પર હતો તેઓનું અધૂરું કામ પૂરું પાડે છે.
આ લખવાનું કારણ એ કે ભારતે ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક કરી કે પછી 'ઓપરેશન સિંદૂર' પાર પાડયું ત્યારે દેશ આખો ગૌરવ સાથે ઉજવણી કરતો હતો. સોશિયલ મીડિયા પર નાગરિકો ભારતીય સેનાની પીઠ થાબડી તેઓનો હોંસલો બુલંદ બનાવતા હતા. ટીવી ચેનલો ઉપર પણ ચર્ચા જામી હતી દેશ આખાનો માહોલ પણ જુસ્સાદાર હતો પણ વિરોધપક્ષો ખોખારીને ભારતીય સેનાને અભિનંદન આપી ગૌરવ વ્યક્ત નહોતા કરતા. તેવી જ રીતે જેઓ સોશિયલ મીડિયા પર મોદી કે ભાજપ વિરોધી જ પોસ્ટ મુકતા હોય છે અને આગલા દિવસ સુધી પાકિસ્તાનને જવાબ કેમ નથી આપ્યો તેમ પોસ્ટ મુકી ટોણા મારતા હતા તેઓએ એરસ્ટ્રાઈક પછી કેન્દ્ર સરકાર કે ભારતીય સેનાને બિરદાવતો એક શબ્દ પણ પોસ્ટ નહોતો કર્યો.
આમાં તો ઊલટું ભારતના નાગરિકોની એવી શંકા પ્રબળ બને છે કે વિરોધ પક્ષો વોટબેંકની ચિંતામાં દેશનો દ્રોહ કરવા તૈયાર છે. વિરોધ પક્ષોને સૌથી મોટો ફટકો એ પહોંચશે કે તેઓ હજુ સુધી એવા ભયંકર ભ્રમમાં છે કે ભારતમાં જે લઘુમતીની તેઓની વોટ બેંક છે તે પાકિસ્તાન તરફી છે અને આતંક વાદીઓ કે પાકિસ્તાન પરની વિરોધ પક્ષની કાર્યવાહીની પ્રશંસા કરીશું તો વોટબેંક ગુમાવીશું.
ખરેખર તો ભારતમાં રહેતા લઘુમતી નાગરિકો ભારતને પ્રેમ કરે છે. ભારતના ગૌરવને તે પોતાનું ગૌરવ સમજે છે. આંતકવાદને તેઓ પણ સમર્થન નથી આપતા. હા, જે રીતે બહુમતી ધર્મી નાગરિકોમાં એક બહોળો વર્ગ તેમના જ ધર્મને કે રાષ્ટ્રહિતની નેતાગીરી કરનારની પૂર્ણ સમય હાંસી ઉડાવે છે તેમ લઘુમતીમાં પણ એવા તત્ત્વો હોવાના જ જે પૂર્વગ્રહ કે કોઈ વિચારધારાથી પ્રભાવિત હોય.
હા, લધુમતિ નાગરિકો કોઈ એક ખાસ વિચારધારા ધરાવનાર તેમને અનુકૂળ ન હોય તેવા રાજકીય પક્ષને મત ન આપે તેવું હોઇ શકે પણ દેશની સુરક્ષા કે શાન વધારતા ભારતીય સેનાના શૌર્યને તો બિરદાવતા જ હોય છે. હા, કમનસીબે તેઓ જાહેરમાં અમુક ડરથી તેની ખુશી વ્યક્ત નથી કરી શકતા.
મૂળ વાત વિરોધ પક્ષોની વિચારસરણીનો છે. મહાકુંભમાં સ્નાન લઈશું તો પણ વોટ બેંક કપાઈ જશે તે હદે તેઓ તેમની વોટ બેંકની કટ્ટરતાનો ખ્યાલ રાખે છે પણ આ વોટબેંક પણ કહે છે કે અમે જેમ અમારા ધર્મસ્થળ કે વિધિ વિધાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ તેમ તમે પણ સ્નાન કરો તેમાં ખોટું શું.
નવાઈની વાત તો એ છે કે મહાકુંભમાં ભારતની લઘુમતી ધર્મોની સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા શ્રદ્ધાળુઓને આવાસ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આપણે એક જનરલ વાક્ય બોલતા હોઈએ છીએ કે 'જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને સ્થાનિક લોકો સહાય કરે છે. આશરો આપે છે. હા, આ વાત સાચી હોઈ જ શકે પણ સ્થાનિક લોકો એટલે આપણા મનમાં તમામ સ્થાનિક લોકો તેવો અર્થ થાય. પણ હકીકતમાં સ્થાનિક લોકોમાંથી બહુ જૂજ આતંકીઓને સહારો આપે તેવા હોય પણ આપણે સમગ્ર નાગરિકોને શંકાના દાયરામાં આવરી લેતા હોઈએ છીએ.
જરા વિચારો, જે જમ્મુ કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવાઈ તે અગાઉ પ્રવાસીઓ ખાસ આવતા જ નહીં હોઈ ગરીબીએ હદ વટાવી હતી ત્યાં ૨૦૨૪- ૨૦૨૫ના એક જ વર્ષમાં અઢી કરોડ પ્રવાસીઓ આવે તો કઈ હદે ત્યાંના સ્થાનિક વેપારીઓ, દુકાન, શિકારા, ઘોડેસવાર અને રેસ્ટોરા, હોટલ, એરલાઈન્સ વગેરેની કમાણી વધી હોય તે સમજી શકાય તેમ છે. એવું કહેવાય છે ને કે પેટથી બીજો કોઈ મોટો ધર્મ નથી. હવે પહલગામની આતંકી ઘટના બની તે પછી ફરી કેટલાક વર્ષો બાદ પ્રવાસીઓનો આંક માંડ એક કરોડ પર પહોંચશે. આ જ કારણે સ્થાનિક લોકોને હવે આતંકીઓને સાથ આપીને તેમની રોજી રોટી ગુમાવવી ન જ પરવડે. આતંકીઓને સાથ આપતા હોય તેવા જૂજ તત્ત્વોને ત્યાંના નાગરિકો જ ખુલ્લા પાડશે.
હા, જમ્મુ કાશ્મીર વેપાર, જનજીવન અને શિક્ષણની રીતે ધબકતું થાય તે આતંકી જૂથો અને પાકિસ્તાનની સરકાર અને સેનાને પસંદ ન પડે કેમ કે 'કાશ્મીર લઈને જ રહીશું' તેવું ઝેર નાગરિકોને પીવડાવતા રહીને જ તેઓ સત્તા પર રહી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જારી રાખી શકે છે. એટલે આતંકીઓ તો થોડા વર્ષો પછી ફરી પ્રવાસથી ધમધમતું થશે એટલે ફરી સોપો પાડવા આવા હુમલા કરી જ શકે. પણ પ્રગતિના પૈડા પર સવાર જમ્મુ કાશ્મીરના સ્થાનિક નાગરિકો જ આવા તત્ત્વોને જાકારો આપશે તેમ લાગે છે. આતંકીઓ એવો પ્રચાર કરશે કે 'બેકાર રહો, ભૂખ્યા રહો, બલિદાન આપો પણ મિશન કાશ્મીર સફળ થવું જોઈએ.'
ભારત અને પાકિસ્તાન બંને લગભગ સાથે જ આઝાદ થયા. આજે ભારત વિશ્વમાં ચોથી આર્થિક તાકાત છે. અમેરિકા અને યુરોપ ભારતને બીનઉપદ્રવી, મૂલ્યો અને સંસ્કાર આધારિત તેમજ ઉદ્યમી,પ્રગતિશીલ દેશ માને છે. ચીન કે રશિયા પર ભરોસો ન મૂકાય પણ ભારત બે ચહેરા ધરાવતો કે દગાબાજ દેશ તરીકે નથી જોવાતો.
પાકિસ્તાન આઇ.એમ..એફ. અને વર્લ્ડ બેન્કની ખેરાત પર જીવી રહ્યો છે.
અમેરિકા, યુરોપ અને પ્રગતિશીલ મુસ્લિમ રાષ્ટ્રોને પણ ભારત જોડે ધંધો કરવો છે. એપલ, ગૂગલ, ટેસ્લા, એમેઝોન, સિસ્કો ડેલ, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, સ્પેસેક્સ, માઇક્રોન અને એ.આઇ.ની ટોચની કંપનીઓનું બીજું ઘર ભારતમાં આકાર પામી રહ્યું છે. ચીનને પણ તેના મોબાઈલ અને ભવિષ્યમાં ગેજેટ્સ વેચવા ભારતની જરૂર પડશે.
યુરોપના દેશોને પણ ભારત સિવાય વિશ્વમાં કયો દેશ મહત્વનો હોઈ શકે.
આથી જ ભારતે પહલગામના હુમલા પછી પાકિસ્તાન પર વળતો હુમલો કરતા પહેલા તેનું રાજકીય કદ પણ માપી લીધું. અમેરિકા અને ઇઝરાયેલે જ નહીં પણ રશિયાએ પણ સમર્થન આપ્યું કે 'આતંકીઓને જવાબ આપી ખતમ કરવાના ભારતના અભિયાનને અમારો તેઓને ટેકો રહેશે.'
યુરોપે પણ આવો જ સૂર પુરાવ્યો.
ભારતે વિશ્વને એમ મેસેજ આપ્યો કે અમે 'પાકિસ્તાની સેના કે પાકિસ્તાની નાગરિકો પર હુમલો કરીને યુદ્ધના નગારા નથી વગાડયા પણ અમે તો માત્ર અને માત્ર આતંકી ઠેકાણા પર જ હુમલો કર્યો છે.'
આવા સંજોગોમાં તો પાકિસ્તાનને ચીન કે મુસ્લિમ દેશો પણ સાથ ન આપી શકે. હા, યુદ્ધ થાય તો મોરચા પડી શકે.
બીજું, ભારતે અને વિશ્વએ એમ પણ જોઈ લીધું કે પેલેસ્ટાઈનના સમર્થનમાં વિશ્વનાં કેટલા ઇસ્લામ દેશો સંગઠિત થયા? લેબનોન, સીરિયા કે ઈરાન જેવા પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશોએ પેલેસ્ટાઈનને ટેકો આપતા ઇઝરાયેલ પર હુમલો કરવા હજુ તો હાથ ઊંચો કર્યો ત્યાં ઇઝરાયેલે તેઓને તેમની માયા સંકેલી દેવાની ફરજ પાડી.
અત્યારે કોઈ કોઈને યુદ્ધમાં સાથ આપે તેવી આર્થિક કે સંપની સ્થિતિમાં નથી. બધે વર્ગ અને વંશ વિગ્રહ ચાલે છે.
યુક્રેન અમેરિકાની સહાયથી જ લડતું રહ્યું છે પણ કોઈ યુરોપિયન દેશો કે 'નાટો' દેશોની ધરી યુક્રેન માટે રચાઈ?
આમ પાકિસ્તાન પણ અંદરથી જાણે છે કે ચીન પણ તેઓના ફાયદા પૂરતો જ વ્યૂહાત્મક સાથ આપે. રશિયા, યુરોપ કે અમેરિકા પણ તેઓ સાથે નથી અને પેલેસ્ટાઈનને સાથ આપવા જો વિશ્વના ઇસ્લામ દેશો યુદ્ધ માટે સંગઠિત ન થયા તો પાકિસ્તાન માટે ન પણ થાય.
અમેરિકા ભારત હજુ ખમતીધર હોઈ તેને શસ્ત્રો વેચી શકશે પણ હવે દેવાળિયા પાકિસ્તાનને તો શસ્ત્રો વેચી શકે તેમ પણ નથી.
અમેરિકા ભારતમાં ચીનથી સ્થળાંતરિત થનાર ઉત્પાદન અને બીઝનેસને જોતા પણ ભારતને સુરક્ષા પૂરી પાડશે.
'ઓપરેશન સિંદૂર' ભારત માતાના લલાટ પરના ગૌરવ તરીકે પણ ઉભરી આવે તેવી શક્યતા છે.