
Pahalgam terrorist attack ને પગલે ગુજરાતભરતમાં લોકોનો આક્રોશ છે. કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ, બરોડા, દાહોદ, હિંમતનગર સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસા ખાતે ગુરૂવારે વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું.
આતકીઓ સામે સમગ્ર દેશમા રોષનો જવાળામુખી ફાટી નીકડ્યો છે ત્યારે તેના પડઘા વડોદરાના વાઘોડિયામા પણ પડ્યા છે. સમસ્ત હિન્દુઓ સ્વયંભુ એકત્ર થઈને વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરથી જય અંબે ચાર રસ્તા સુધી રામધુન સાથે મોબાઈલ ટોર્ચ વડે શાંતીપુર્ણ રીતે રેલી યોજી હતી. રેલીમા મોટી સંખ્યામા મહિલાઓ અને યુવાનો જોડાયા હતા.આતંકવાદી હુમલામા માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા હનુમાન ચાલીસાનું સામુહિક ગાન કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. આંતકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું,
સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વિરપુર તાલુકાના હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવા પોસ્ટરો લાગ્યા હતા.
સાબરકાંઠા અને અરવલ્લીમાં વિરોધ, ઇડર,વડાલી, વિજયનગરના બજારો સજ્જડ બંધ
સાબરકાંઠાના હિંમતનગરમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળ્યુ. સવારથી તમામ દુકાનો બંધ રહેતાં માર્કેટ સૂમસામ બન્યાં હતા. આ ઘટનાને લઈને ગુજરાતના વેપારીઓએ પણ આતંકવાદનો વિરોધ કર્યો હતો. હિંમતનગરના મુસ્લિમ વેપારીઓએ પણ બે દિવસ પહેલાં બપોર સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ગુરુવારે ઇડરના તમામ વેપારી અને લારી ગલ્લા એસોસિયેશને સજ્જડ બંધ પાડી આતંકીઓ સામે આકરા પગલાં લેવા માંગ કરી હતી. શહેરમાં મેડિકલ જેવી આવશક્ય સેવા સિવાયના તમામ ધંધા રોજગાર્થીઓ સ્વંયભૂ બંધમાં જોડાયા હતા. શહેરના હિન્દુ સંગઠનો અને વેપારીઓએ મળી સાંજે આતંકવાદીઓનું પૂતળા દહન કરી કેન્ડલ માર્ચ યોજી હતી. લોકોએ આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. આ બંધ વચ્ચે માત્ર આરોગ્ય સેવા જેવી આવશક્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાન ઇડરના દરામલી ગામ પણ આતંકી ઘટનાના વિરોધમાં બંધ પાળ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત અને 17 લોકો ઘાયલ થયા, જેને લઈને સમગ્ર દેશમાં આક્રોશની લહેર ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ, મંડાળી, અને ખંડેરઉમરી ગામોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી આતંકી હુમલાની નિંદા કરી. લોકોએ દેશની સરકાર અને સેના પાસે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વડાલી શહેર ગુરુવારે સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું જે હિન કૃત્ય બદલ પાલિકા નજીક ધોરીમાર્ગ પર પાકિસ્તાનના ઝંડા ચીતરી અને પુતળા દહન કરી હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નિર્દોષ પ્રવાસીઓના મોતને લઇ વિજયનગર વેપારી મંડળ, એસોસિએશન અને લારી ગલ્લા પાથરણાવાળા તરફથી સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ રોજગાર ધંધા સહિત બજારો બંધ રાખવામાં આવી હતી.
આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (શુક્રવાર) ખેડબ્રહ્વામાં સંપૂર્ણપણે બજાર બંધ રાખીને શહેરમાં રેલી યોજીને તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત તલોદ અને હરસોલમાં શુક્રવારે (આજે) બજારો સદંતર બંધ પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષ અને તલોદ વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે.
આતંકવાદી હુમલાના વિરોધમાં મોડાસા શહેરના વેપારીઓએ સજ્જડ બંધ પાડવામા આવ્યુ. શહેરના માર્કેટયાર્ડ, સૂકા બજાર, બસ સ્ટેન્ડ રોડ સહિત તમામ વિસ્તારોમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધનું આયોજન કરવામાં આવ્યું, જેના કારણે બજારો સૂમસામ રહ્યા. આ બંધ દ્વારા વેપારીઓએ આતંકવાદની નિંદા કરી અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
દાહોદ જિલ્લામાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ હુમલાના વિરોધમાં જિલ્લાના ઝાલોદ નગર સહિત અનેક ગામોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો. વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો.
સુરતમાં નિકળી આંતકવાદની અંતિમયાત્રા
કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતા પૂર્વકના આંતકી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આંતકવાદની અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આંતકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્ષથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી.
જેમાં લોકો દ્વારા આંતકવાદના પૂતળાને ચંપલ મારી, લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંતિમયાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા, ચેતનભાઇ રાદડિયા, સંજયભાઈ ડાવરા, રાજુભાઈ ભાલાળા, સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા આંતકવાદના પૂતળાને બ્રિજ ઉપરથી ફાંસીએ લટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.